બિનીત મોદી (મેરાન્યૂઝ.અમદાવાદ): પહેલી મે 1960ના રોજ સ્થાપના પામેલા ગુજરાત રાજ્યએ સાઇઠ વર્ષમાં અઠ્ઠ્યાસી (88) સભ્યોને રાજ્યસભામાં મોકલ્યા છે. બે સભ્યો ઉમાશંકર જોશી અને ઈલાબહેન ભટ્ટ રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂંક પામ્યા હતા. એમના સિવાય છ્યાસી સભ્યો ચૂંટણીના માધ્યમથી નિમણૂંક પામ્યા. જૂન 2020ની ચાર સભ્યોની છ વર્ષની મુદત માટે થનારી ચૂંટણી સાથે આ સંખ્યા બાણુ (92) પર પહોંચશે.

અઠ્ઠ્યાસી સભ્યોનું મે 2020 સુધીનું જાતિ વાર વર્ગીકરણ આ મુજબ છે – પુરુષ 77 અને મહિલાઓ 11 (અગિયાર). 1985માં રાજીવ ગાંધીની સરકાર પક્ષાંતર ધારો અમલમાં લાવી. એ પહેલા રાજ્યસભામાં જે તે પક્ષના પ્રતિનિધિ લેખે ચૂંટાયેલા સભ્યો અન્ય પક્ષના ટેકેદાર બન્યા હોય એવા દાખલા ગુજરાતમાંથી પણ છે. એ સભ્યોના પ્રતિનિધિ પક્ષને જ ધ્યાનમાં રાખીને આ અઠ્ઠ્યાસી સભ્યોનું પક્ષ વાર વર્ગીકરણ કરીએ તો કૉંગ્રેસ (35), સ્વતંત્ર પક્ષ (2), સંસ્થા કૉંગ્રેસ (2), જનતા પાર્ટી (7), અપક્ષ (4), જનસંઘ (1), જનતાદળ (1), ભારતીય જનતા પક્ષ (34) અને રાષ્ટ્રપતિ નિયુક્ત (2). ચીમનભાઈ મહેતા નામના રાજ્યસભા સંસદસભ્ય કૉંગ્રેસ અને જનતા દળ એમ બે પક્ષોમાંથી બે અલગ-અલગ મુદત માટે ચૂંટાયા હતા. આથી તેમનો ગણતરી સમાવેશ માત્ર કૉંગ્રેસ પક્ષમાં કર્યો છે.

મનુભાઈ મનસુખલાલ શાહને ગુજરાતમાંથી ચૂંટાયેલા પહેલા સભ્ય ગણી શકાય. તેઓ 1956 થી 1962 અને 1970 થી 1976 એમ બે મુદત માટે સભ્ય હતા. સુરેશ જમિયતરામ દેસાઈ છ વર્ષની મુદત પૂર્ણ કરનાર તેમજ બીજી મુદત મેળવનાર પહેલા સભ્ય હતા. તેઓ 1960 થી 1972 એમ બે મુદત – બાર વર્ષ માટે સભ્ય હતા. ખેમચંદભાઈ ચાવડાને પણ તેમને સમાંતર બે મુદતની તક મળી હતી.

યોગેન્દ્ર મકવાણા અને કુમારી કુમુદબહેન જોશી ત્રણ મુદત મેળવનાર પહેલા સભ્યો હતા. જાદવજી કેશવજી મોદી પહેલા એવા સભ્ય હતા જેઓ નવેમ્બર 1957માં પેટાચૂંટણીના માધ્યમથી રાજ્યસભામાં પહોંચ્યા હતા. સુરેશ જમિયતરામ દેસાઈ પહેલા એવા સભ્ય હતા, જેમણે ચૂંટાયા પછી પક્ષાંતર કર્યું – બીજી મુદતમાં કૉંગ્રેસમાંથી ચૂંટાયા પછી તેઓ સંસ્થા કૉંગ્રેસમાં ચાલ્યા ગયા હતા. અગાઉ જણાવ્યું તેમ 1985ના પક્ષાંતર ધારા પછી સભ્ય માટે આમ કરવું શક્ય નથી. ફરજિયાત રાજીનામું જ આપવું પડે.

સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી મણિબહેન પટેલ રાજ્યસભામાં ગુજરાતમાંથી ચૂંટાઈ આવનાર પ્રથમ મહિલા હતા. ચાર લોકસભા મુદત સાથે સૌથી લાંબી બાવીસ વર્ષની સંસદીય કારકિર્દી ધરાવનાર ગુજરાતના મહિલા સંસદસભ્ય પણ તેઓ છે. ગાંધીજીના પૌત્રી, રામદાસ ગાંધીના પુત્રી સુમિત્રા ગજાનન કુલકર્ણી 1972માં કૉંગ્રેસમાંથી ચૂંટાઈ આવ્યા અને જનતા પાર્ટીમાં પક્ષાંતર કરવા માટે ટીકાનું કારણ બન્યા હતા. 

કચ્છના પ્રતિનિધિ પ્રેમજી ભવાનજી ઠક્કર જેમ સૌથી ટુંકી મુદત માત્ર ચાર મહીના માટે સભ્ય હતા એમ કૉંગ્રેસના અહમદ પટેલ સૌથી લાંબી મુદતના રાજ્યસભા સાંસદ છે. 1993 થી ચૂંટાતા આવતા હાલ 2017થી તેમની પાંચમી મુદત ચાલી રહી છે. લોકસભાની ત્રણ મુદત સાથે તેમનો કુલ સંસદીય સમયગાળો તેંતાલીસ વર્ષનો થશે. ગુજરાતમાંથી લોકસભા – રાજ્યસભામાં એક કે વધુ મુદત માટે ચૂંટાઈ આવ્યા હોય અને લાંબી રાજકીય કારકિર્દીની રૂએ સરખામણી કરવી હોય તો પચાસ વર્ષની સંસદીય કારકિર્દી ધરાવનાર અટલ બિહારી વાજપેયી અને લાલ કૃષ્ણ અડવાણી સાથે અહમદ પટેલની સરખામણી થઈ શકે છે. ચાર દાયકા ઉપરાંતની કારકિર્દી હોવા છતાં અને આ સમયગાળામાં ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, પી.વી. નરસિમ્હારાવ અને ડૉ. મનમોહનસિંહના નેતૃત્વમાં એમ ચાર-ચાર કૉંગ્રેસ સરકારોની રચના છતાં એક પણ સરકારમાં અહમદ પટેલે પ્રધાનપદ ન સ્વીકાર્યું એને તેમની રાજકીય કારકિર્દીની વિશેષતા કહી શકાય.

ભારતીય જનતા પક્ષના ચાર રાષ્ટ્રીય પ્રમુખો ગુજરાતમાંથી ચૂંટાઈને રાજ્યસભામાં પહોંચ્યા – લાલ કૃષ્ણ અડવાણી, બાંગારુ લક્ષ્મણ, જના કે. કૃષ્ણમૂર્તિ અને અમિત શાહ. કુમુદબહેન જોશી અને વીરેન શાહ રાજ્યસભાના સભ્યપદ પછી અનુક્રમે આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળના ગવર્નર થયા હતા.

લાલ કૃષ્ણ અડવાણીને રાજ્યસભાના પહેલા બીનગુજરાતી સંસદસભ્ય ગણીએ તો એ ક્રમમાં આજ સૂધી દસ બીનગુજરાતીઓને ગુજરાતના ધારાસભ્યોએ ચૂંટીને રાજ્યસભામાં મોકલ્યા છે. આ ક્રમમાં હાલના મોદી સરકાર 2.0ના વિદેશ મંત્રી એસ. જયશંકરનો નંબર દસમો છે.

રાજ્યસભાનું સભ્યપદ આમ તો રાજકીય પક્ષોના પીઢ – સિનિયર સિટીઝન અને અનુભવી તેમજ વિધાનસભા–લોકસભાની ચૂંટણી ન જીતી શકે એવા નેતાઓ માટે અનામત ગણાય છે. જો કે આ વ્યાખ્યા પણ છેલ્લા પચીસ વર્ષમાં બદલાઈ ગઈ છે. કૉંગ્રેસના સાગર રાયકા રાજ્યસભા પેટાચૂંટણીમાં ચૂંટાઈ આવ્યા ત્યારે માત્ર ચોત્રીસ વર્ષની યુવાન વય ધરાવતા હતા. ભારતીય જનતા પક્ષ સંગઠનનુંં કામ કરી જાણે, વિધાનસભા–લોકસભા ચૂંટણીઓની વ્યૂહરચના ગોઠવી ધાર્યું પરિણામ લાવી શકે તેમને રાજ્યસભામાં મોકલવાનું વચન આપી પાળી બતાવવા માટે જાણીતો છે. બીજી તરફ સંગઠનના નામે પ્રબોધ રાવળને વિધાનસભા ચૂંટણીથી દૂર કરીને રાજ્યસભામાં મોકલવા સમયે મ્હોં ફેરવી લઈ પી. શિવશંકર સમા આયાતી ઉમેદવારને મોકલવાનો કૉંગ્રેસી કિસ્સો જાણીતો છે.

ગુજરાતના રાજ્યસભાના ચાર સભ્યોએ રાજકીય ક્ષેત્રે સર્વોચ્ચ સ્થાન મેળવ્યાનો પણ દાખલો છે – પ્રણબ મુખરજી રાષ્ટ્રપતિ થયા, લાલ કૃષ્ણ અડવાણી ગૃહ મંત્રી અને નાયબ વડાપ્રધાન થયા, અમિત શાહ ગૃહ મંત્રી થયા અને એસ. જયશંકર સંસદસભ્ય થયા એ અગાઉથી વિદેશ મંત્રી હતા. પ્રણબ મુખરજીને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’ એનાયત થયું છે એ ઉલ્લેખનીય છે.

પુષ્પાબહેન મહેતા, ત્રિભુવનદાસ પટેલ, શામપ્રસાદ વસાવડા, લાલકૃષ્ણ અડવાણી, ઈલાબહેન ભટ્ટ અને એસ. જયશંકર સરખા ગુજરાતના રાજ્યસભા સભ્યોને અલગ–અલગ સમયે પદ્મ નાગરિક સન્માન એનાયત થયા છે. અરૂણ જેટલીને 2020નો પદ્મ વિભૂષણ મરણોત્તર જાહેર થયો છે, પરિવારને એનાયત થવો બાકી છે.

કનકસિંહ માંગરોળા જીત માટે જરૂરી હતા તેથી વધુ મત મેળવીને રાજ્યસભામાં પહોંચવા માટે જાણીતા બન્યા હતા. જો કે એ જીત તેમને કશી કામ લાગી ન હતી. વડાપ્રધાન એચ.ડી. દેવે ગૌવડાના પ્રધાનમંડળમાં જોડાયેલા અર્થશાસ્ત્રી વાય. કે. અલઘ ઉર્ફે યોગિન્દર કે. અલઘ રાજ્યસભામાં ચૂંટાઈને પ્રધાનપદ જાળવી શકે એ માટે કનકસિંહ માંગરોળાને ચૂંટાયાના અઢી વર્ષમાં શંકરસિંહ વાઘેલાએ રાજીનામું અપાવડાવ્યું હતું.

માધવસિંહ સોલંકી, કેશુભાઈ પટેલ અને અમિત શાહ રાજ્યસભાના એવા સભ્યો છે જેમણે ધારાસભ્ય તરીકેનો પોતાનો મત ઉમેદવાર લેખે ખુદને જ આપ્યો. મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે 1993માં ઉમેદવાર પત્ની ઉર્મિલાબહેનને મત આપ્યો હતો.

ગુજરાતના મુખ્યમંત્રીઓમાં ઘનશ્યામભાઈ ઓઝા, માધવસિંહ સોલંકી, કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, આનંદીબહેન પટેલ અને વર્તમાન મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યસભામાં ગુજરાતના પ્રતિનિધિ હતા. શંકરસિંહ, આનંદીબહેન અને વિજયભાઈ મુખ્યમંત્રી પદ પહેલા અને ઘનશ્યામભાઈ, કેશુભાઈ મુખ્યમંત્રી પદ પછી રાજ્યસભાના સંસદસભ્ય થયા. માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી પદ પછી રાજ્યસભામાં ગયા અને પહેલી મુદતમાં તેનું સભ્યપદ ચાલુ રાખીને જ 1989–1990 દરમિયાન માત્ર ત્રણ મહિના માટે ગુજરાતના ચોથી વાર મુખ્યમંત્રી થયા. બીજી મુદત મેળવનાર પણ તેઓ એકમાત્ર મુખ્યમંત્રી છે.

અગાઉ જણાવ્યું તેમ રાજ્યસભાના સભ્યો છ વર્ષની મુદત પછી નિવૃત્ત થાય છે. આ બાબતે પણ ભાજપના શંકરસિંહ વાઘેલા, આનંદીબહેન પટેલ અને વિજય રૂપાણી અપવાદ છે. તેમની રાજકીય કારકિર્દી આગળ ચાલી એટલું જ નહીં ત્રણેય એ પછી રાજ્યના મુખ્યમંત્રી થયા. શંકરસિંહ વાઘેલા કેન્દ્રીય ટેક્ષ્ટાઇલ મંત્રી પણ થયા અને છેલ્લે કોઈ નહીં ને શરદ પવારની સહીથી 2020માં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી / NCP માંથી સસ્પેન્ડ પણ થયા.

રાજ્યસભાના એક સભ્ય રઉફ વલીઉલ્લાહની છ વર્ષની 1984–1990 મુદત પછી 1992માં અમદાવાદમાં બુટલેગર અબ્દુલ લતીફની ગેંગ દ્વારા જાહેરમાં હત્યા કરવામાં આવી હતી.

એકબીજાને બનતું ન હોય, વાંધા-વચકા હોય એવી વ્યક્તિઓ વચ્ચે ‘છત્રીસનો આંકડો છે’ એવું કહેવાતું હોય છે. રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટીંગ પછી થોડાક લોકો વચ્ચે ‘છત્રીસનો આંકડો’ સર્જાય એની શરૂઆત થઈ ગઈ છે. 1984માં સૌપ્રથમ વાર ક્રોસ વોટીંગનો લાભ લઈ રાજ્યસભામાં પહોંચનાર શંકરસિંહ વાઘેલા બ્રાન્ડ એ ‘ટનાટન’ ચમત્કારનું 2020 એ છત્રીસમું વર્ષ છે એ પણ યાદ રાખવું પડે.