કિરણ કાપુરે (લોકડાઉન વિશેષ : ભાગ - 2) સ્વાતંત્ર્યસેનાનીઓ આઝાદી માટે જેલજીવન સસ્મિત સ્વીકારી શકતા હોય તો આપણે આપણા જીવન માટે ઘરનું લોકડાઉન ન સ્વીકારી શકીએ. તમને તમારા સ્વાસ્થ્ય માટે લાદવામાં આવેલા આ લોકડાઉનથી અકળામણ થતી હોય, તો જીવનના લાંબા વર્ષો સુધી લોક-અપમાં રહેલાં મહાનુભાવોના જેલપ્રસંગો વાંચવા રહ્યા કે, તેઓ અંધારી કોટડીમાં રહેવાની સજાને કેવી રીતે માણતા હતા, કેવી પ્રવૃતિઓ કરતા હતા... કદાચ આપણે પણ તેમાંથી જાતને સમૃદ્ધ કરવાની તરકીબો મેળવી શકીએ. લોકડાઉનના આ દિવસો દરમિયાન મહાનુભાવોના જેલજીવનના પ્રસંગો મૂકવાનો પ્રયાસ કરીશું.

અહમદનગરના કિલ્લામાં એક સાથે કેદ જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, સીતારામૈયા પટ્ટાભિ, રાજેન્દ્ર પ્રસાદ, અબુલ કલામ આઝાદ, કૃપાલાણી અને અન્ય મહાનુભાવાની પ્રવૃત્તિ...

1942ના વર્ષમાં ‘ભારત છોડો’ આંદોલન બાદ અંગ્રેજ સરકાર સરદાર, નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને આઝાદ સહિત અગ્રણી નેતાઓને મહારાષ્ટ્રમાં આવેલાં અહમદનગરના કિલ્લામાં કેદ કર્યા હતા. આ કિલ્લો હુસૈન નિઝામ શાહે સોળમી સદીની અધવચ્ચે બનાવ્યો હતો, પરંતુ ત્યાર બાદ આ કિલ્લાનું ઐતિહાસિક મૂલ્ય વધ્યું તે આ આગેવાનોનાં અહીંના લાંબા ગાળા સુધી કેદના કારણે. અહીંયા આ તમામ આગેવાનો સાથે રહ્યાં, તેમણે આ દરમિયાન કરેલી વિવિધ પ્રવૃત્તિ વિશે રાજમોહન ગાંધીએ ‘સરદાર પટેલ : એક સમર્પિત જીવન’ પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે. તે નીચે પ્રમાણે છે :

“અહમદનગરના બારમાંથી છ કેદીઓએ કલમ ચલાવી. જવાહરલાલે ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’ લખ્યું. આઝાદે ‘ગુબ્બાર-એ-ખાતીર’ લખ્યું. મહેતાબે ઓરિસ્સાનો ઇતિહાસ લખી કાઢ્યો. પટ્ટાભિ ડાયરી લખતા અને પાછળથી ‘ફેધર્સ એન્ડ સ્ટોન્સ’ એવા નામે તેનું પ્રકાશન થયું. કૃપાલાણીજીએ ગાંધીજી પર ગ્રંથ લખ્યો. આચાર્ય નરેન્દ્ર દેવે ફ્રેન્ચ અનુવાદ પરથી એક સંસ્કૃત ગ્રંથ લખ્યો. આ મૂળ ગ્રંથ નાશ પામ્યો હતો, અને તેનાં ચીની તથા ફ્રેન્ચ ભાષાંતરો જ મળતાં હતા.

વલ્લભભાઈએ કશું લખ્યું નહીં. વલ્લભભાઈ આંટા મરાત, ફૂલઝાડ ઉછેરતા, કાંતતા અને બ્રિજ રમતા. વહેલી સવારે અને સાંજે ફરવાનું બેરેક વિસ્તારમાં જ થતું. ચોકની વચ્ચે 200 ફૂટ લાંબો પટ્ટો હતો તેના પર ઝડપથી વલ્લભભાઈ ચાલતા. પટ્ટાભિના હિસાબે રોજના ચાર માઈલ જેટલું ચાલતા. એટલે કે દરરોજ ચોકમાં 1,20,000 વખત આમથી તેમ ફરતા.

મહેતાબે યાદ કર્યું છે કે, વલ્લભભાઈ ખૂબ વાંચતા અને એક પછી એક ચોપડીઓ પૂરી કર્યો જતાં. તેમને ચોપડીઓ પૂરી પાડવાનું મુશ્કેલ હતું. કૃપાલાણીજીએ પણ કહ્યું હતું કે સરદાર સતત વાંચ્યા કરતા. સરકાર જેટલી ચોપડીઓ અને છાપાંઓ આપે અથવા આવવા દે તે બધાં સરદાર ચૂસી જતા. સરદાર પટેલ બધું જ જાણવા અને સમજવા માટે તત્પર અને આતુર હતા. લડાઈની પરિસ્થિતિ અંગે અથવા વાઈસરોયના ભાષણોનો અર્થ કાઢવામાં નાનીનજીવી વાતો પણ સરદાર ધ્યાન બહાર જવા દેતા નહીં.”

[‘સરદાર પટેલ : એક સમર્પિત જીવનમાંથી]