કિરણ કાપુરે (લોકડાઉન વિશેષઃ ભાગ-1): Covid-19 મહમારીના પગલે સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. આખી પૃથ્વી જાણે સાયલન્ટ મોડમાં આવી ગઈ છે. સતત હરતાં, ફરતાં, ઘોંઘાટ કરતાં મનુષ્યને લોકડાઉને એકાંતવાસમાં લાવીને મૂકી દીધો છે. ફરજિયાતપણે આવી પડેલી આ જેલવાસ જેવી સ્થિતિથી કંઈ કેટલાય લોકો અકળામણ અનુભવી રહ્યા છે.

આ સમયે જરા એમના વિશે વિચારો જેઓ સ્વાતંત્ર્ય-ચળવળ દરમિયાન વર્ષો સુધી જેલમાં રહ્યા હતા! ગાંધીજી અંદાજે સાત વર્ષ જેલમાં રહ્યા હતા. એવી રીતે સરદાર, નેહરુ, ભગતસિંહ, ડો.રાજેન્દ્ર પ્રસાદ, કસ્તૂરબા અને બીજા સ્વાતંત્ર્યસેનાનીઓએ જીવનનો લાંબો ગાળો જેલની ચાર દિવાલો વચ્ચે વિતાવ્યો હતો. તેઓ સ્વતંત્રતા માટે જેલજીવન સસ્મિત સ્વીકારી શકતા હોય તો આપણે આપણા જીવન માટે ઘરનું લોકડાઉન ન સ્વીકારી શકીએ. તમને તમારા સ્વાસ્થ્ય માટે લાદવામાં આવેલા આ લોકડાઉનથી અકળામણ થતી હોય, તો જીવનના લાંબા વર્ષો સુધી લોક-અપમાં રહેલાં મહાનુભાવોના જેલપ્રસંગો વાંચવા રહ્યા કે, તેઓ અંધારી કોટડીમાં રહેવાની સજાને કેવી રીતે માણતા હતા, કેવી પ્રવૃતિઓ કરતા હતા. કદાચ આપણે પણ તેમાંથી જાતને સમૃદ્ધ કરવાની તરકીબો મેળવી શકીએ. લોકડાઉનના આ દિવસો દરમિયાન મહાનુભાવોના જેલજીવનના પ્રસંગો મૂકવાનો પ્રયાસ કરીશું.

પ્રથમ પ્રસંગ દહેરાદૂન જેલવાસ દરમિયાન જવાહરલાલ નેહરુનો...

કેદીઓમાં ખાસ કરીને લાંબી સજાવાળા કેદીઓમાં, લાગણીની અથવા પ્રેમની ભૂખ અણસંતોષાયેલી બહુ રહે છે. તેઓ આ ભૂખને સંતોષવાનો પ્રયત્ન જાનવરો પાળીને કરે છે. સામાન્ય કેદી તો જાનવર ન રાખી શકે, પરંતુ કેદી મુકાદમોને વધારે સ્વાતંત્ર્ય હોય છે અને જેલ અમલદારો આ બાબતમાં વાંધો ઉઠાવતા નથી. પાળવામાં આવતાં જાનવરોમાં મોટે ભાગે ખિસકોલીઓ અને, વિચિત્ર લાગે પણ નોળિયા હોય છે. કૂતરાને જેલમાં આવવા દેતા નથી, પણ બિલાડીઓને ઉત્તેજન મળતું હોય એમ લાગે છે. બિલાડીનું એક નાનું બચ્ચું એક વાર મારી સાથે હળી ગયું હતું. જેલના એક અમલદારનું એ હતું અને તેની બદલી થઈ ત્યારે એને પોતાની સાથે એ લઈ ગયો. મને એનો વિયોગ સાલ્યો. કૂતરાની પરવાનગી નથી, છતાં દહેરાદૂનમાં અકસ્માત થોડાંક કૂતરાં સાથે મારી દોસ્તી થઈ ગઈ હતી. જેલનો અમલદાર એક કૂતરી લાવેલો. તેની બદલી થઈ ત્યારે તેને એ છોડી ગયો. ગરીબ બિચારી કૂતરી ઘરબાર વિનાની ભટકતી થઈ ગઈ. ગમે ત્યાં પડી રહે, વોર્ડરોને ત્યાંથી કટકો બટકું મળે તે વીણી ખાય, પરંતુ મોટે ભાગે ભૂખે મરે. હું મુખ્ય જેલની બહાર કાચી જેલની ખોલીઓમાં રહેતો એટલે તે મારી પાસે ખોરાકની ભીખ માગતી આવતી. મેં તેને નિયમિત ખવડાવવા માંડ્યું. પછી તો પાણી જવાના એક ગરનાળા નીચે તેણે કુરકુરિયાંને જન્મ આપ્યો. આમાંથી ઘણાં તો બીજાઓ લઈ ગયા પણ ત્રણ રહી ગયાં અને તેમને હું ખવડાવતો. એક કુરકુરિયું ખૂબ માંદું પડ્યું અને તેણે મને ઠીક તકલીફ આપી. મેં તેની કાળજીથી સારવાર કરવા માંડી અને કોઈ કોઈ વાર તો રાતે મારે તેને જોવા દસબાર વખત ઊઠવું પડતું. છેવટે તે બચ્ચું અને મારી મહેનત કારગત આવ્યાનો મને આનંદ થયો.

[મારી જીવનકથા : જવાહરલાલ નેહરુમાંથી]