બિનીત મોદી (મેરાન્યૂઝ.અમદાવાદ): રમતગમતના ક્ષેત્રે ખાસ કરીને ક્રિકેટમાં અવારનવાર નવા-નવા રેકોર્ડ સ્થાપિત થતા રહે છે. જૂના રેકોર્ડની સાથે તેની સરખામણી થાય છે. ક્રિકેટની રમત સિવાય કુસ્તી, ટેનિસ, સ્વીમીંગ જેવી અન્ય સ્પર્ધાઓમાં પણ જૂના રેકોર્ડની ઉપર નવાની સરસાઈ થતી જોવા મળે છે. એશિયાડ, કોમનવેલ્થ કે ઓલમ્પિક જેવી સ્પર્ધાઓમાં મળતા નવા પરિણામ – પરિમાણોની સરખામણી આગળ યોજાઈ ગયેલી સ્પર્ધાઓ સાથે થાય છે, સમયાંતરે તેની વિગતો જાણવા મળે છે. જો કે આજે આપણે વાત કરવી છે રાજકારણના – સત્તાકારણના રેકોર્ડની. જૂના રેકોર્ડ પર નવા રેકોર્ડની સરસાઈ થઈ રહી છે. એ બન્ને રેકોર્ડના પાત્રો બદલાઈ રહ્યા છે. હા, રાજકારણના આ નવા રેકોર્ડની વાત ગુજરાતની જ છે.

ગુજરાત સરકારના હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણીના મંત્રીમંડળમાં મત્સ્ય ઉદ્યોગ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી લેખે જવાબદારી સંભાળી રહેલા પરષોત્તમ સોલંકી 2019નું આ છેલ્લું અઠવાડિયું પૂરું થાય તે પહેલા ગુજરાતના સૌથી લાંબા સમયગાળા માટે પ્રધાનપદે રહેનાર મંત્રી બનવા જઈ રહ્યા છે. પરષોત્તમ સોલંકી હાલમાં ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકના ભારતીય જનતા પક્ષના પાંચમી મુદતના ધારાસભ્ય છે. અગાઉ આ બેઠક ઘોઘા વિધાનસભા મત વિસ્તાર નામે ઓળખાતી હતી. પરષોત્તમ સોલંકી દસમી વિધાનસભાથી, 1998થી ધારાસભ્ય લેખે ચૂંટાતા આવે છે. એમ કરતા ધારાસભ્ય પદે તેમના બાવીસ વર્ષ પણ પૂર્ણ થઈ રહ્યા છે. અશોક ભટ્ટ પછી ભાજપના તેઓ બીજા ધારાસભ્ય છે જેઓ સળંગ એક જ વિધાનસભા બેઠક પરથી પાંચ મુદતથી ચૂંટાઈ આવતા હોય.

આનંદીબહેન પટેલના મંત્રીમંડળમાં પ્રારંભે નહીં પણ 6 મહિના પછી બન્યા મંત્રી

ધારાસભ્ય પદે પ્રથમ વાર ચૂંટાઈ આવ્યા ત્યારે જ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના મંત્રીમંડળમાં સમાવેશ પામેલા પરષોત્તમ સોલંકી એ પછી નરેન્દ્ર મોદી, આનંદીબહેન પટેલ અને વિજય રૂપાણીના મંત્રીમંડળોમાં સમાવેશ પામતા રહ્યા છે. અપવાદ રૂપે આનંદીબહેન પટેલના મંત્રીમંડળમાં પ્રારંભે નહીં પરંતુ તેમની સરકાર રચાયાના છ મહીના પછી સોલંકી સમાવેશ પામ્યા હતા. આ તમામ મંત્રીમંડળોમાં તેમના સમાવેશનો સમયગાળો જોઇએ તો કેશુભાઈ પટેલના મંત્રીમંડળમાં 1998-2001 દરમિયાન 1,313 દિવસ મંત્રીપદે રહ્યા. નરેન્દ્ર મોદીના પ્રથમ મંત્રીમંડળમાં 2001-2002 દરમિયાન 432 દિવસ મંત્રીપદે રહ્યા. નરેન્દ્ર મોદીના બીજા મંત્રીમંડળમાં 2002 પછી મોડેથી સમાવેશ પામ્યા અને 2005-2007 દરમિયાન 876 દિવસ મંત્રીપદે રહ્યા. નરેન્દ્ર મોદીના ત્રીજા મંત્રીમંડળમાં 2007-2012 દરમિયાન 1,828 દિવસ મંત્રીપદે રહ્યા. નરેન્દ્ર મોદીના ચોથા અને વડાપ્રધાન બન્યા અગાઉના છેલ્લા મંત્રીમંડળમાં 2012-2014 દરમિયાન 512 દિવસ મંત્રીપદે રહ્યા.

રાજ્યના પ્રથમ મહીલા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના મંત્રીમંડળમાં તેઓ પ્રારંભે મે – 2014માં સમાવેશ નહોતા પામ્યા. છ મહીના પછી નવેમ્બર મહીનામાં સમાવેશ પામ્યા પછી ઑગસ્ટ – 2016 સુધીમાં 627 દિવસ મંત્રીપદે રહ્યા. વિજય રૂપાણીના પ્રથમ મંત્રીમંડળમાં 2016-2017 દરમિયાન 508 દિવસ મંત્રીપદે રહ્યા. વિજય રૂપાણીના બીજા મંત્રીમંડળમાં પરષોત્તમ સોલંકીએ 28 ડિસેમ્બર 2017ના રોજ શપથ લીધા હતા. એ રીતે 31 ડિસેમ્બર 2019ના દિવસ સુધી ગણતરી કરતા તેઓ 734 દિવસથી મંત્રીપદે કાર્યરત છે એમ કહેવાય. આમ ઉપરોક્ત તમામ દિવસોનો સરવાળો કરતા પરષોત્તમ સોલંકી ગુજરાત સરકારમાં કુલ 6,830 દિવસનું મંત્રીપદ સંભાળી ચૂક્યા છે અને હજી આગળ કામ કરી રહ્યા છે.

કયા મુખ્યમંત્રી સાથે કયું પદ સંભાળ્યું

મંત્રીમંડળોના વિભોગોની રૂએ જોઇએ તો પરષોત્તમ સોલંકી, કેશુભાઈ પટેલની સરકારમાં શ્રમ અને રોજગાર વિભાગના નાયબ મંત્રી રહ્યા. નરેન્દ્ર મોદીના પ્રથમ મંત્રીમંડળમાં બઢતી પામીને મત્સ્યોદ્યોગ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી રહ્યા. બીજી વખત મત્સ્યોદ્યોગની સાથે વધારામાં પશુપાલન અને ગૌ સંવર્ધનનો વિભાગ સોંપવામાં આવ્યો. ત્રીજા મંત્રીમંડળમાં તેમના વિભાગો યથાવત રહ્યા. ચોથા મંત્રીમંડળમાં શ્રમ અને રોજગાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી રહ્યા. આનંદીબહેન પટેલના મંત્રીમંડળમાં મોડેથી સમાવેશ પામીને પશુપાલન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી રહ્યા. વિજય રૂપાણીના પ્રથમ મંત્રીમંડળમાં મત્સ્યોદ્યોગ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી રહ્યા. બીજા મંત્રીમંડળમાં પરષોત્તમ સોલંકીનો વિભાગ અને હોદ્દો યથાવત રહ્યા અને હાલમાં કાર્યરત છે.

જાણો કોનો રેકોર્ડ તૂટ્યો

આમ 6,830 દિવસના મંત્રીપદ સાથે પરષોત્તમ સોલંકી કોનો રેકોર્ડ તોડી રહ્યા છે તેવા સવાલનો જવાબ છે ગુજરાત વિધાનસભાના પૂર્વ સ્પીકર રમણલાલ વોરાનો. કેશુભાઈ પટેલ – 1995, સુરેશચન્દ્ર મહેતા, કેશુભાઈ પટેલ – 1998, નરેન્દ્ર મોદી – 2002થી 2014 તેમજ આનંદીબહેન પટેલના મંત્રીમંડળમાં છેલ્લે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીનું પદ સંભાળ્યા પછી રમણલાલ વોરા ઑગસ્ટ 2016માં તેરમી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ થયા. એ પછી તેઓ ચૌદમી વિધાનસભાની ચૂંટણીમાં દસાડા બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર નૌશાદ સોલંકી સામે પરાજિત થયા. ચાર મુખ્યમંત્રીઓના મંત્રીમંડળમાં જુદા-જુદા સમયે રમણલાલ વોરા કુલ 6,804 દિવસ મંત્રીપદે રહ્યા હતા. તેમની સાથે સરખામણી કરતા પરષોત્તમ સોલંકી તેમનાથી ત્રીસ દિવસ – એક મહીનો આગળ નીકળી ગયા છે.

રમતગમતની જેમ રાજકારણમાં પણ નવા-નવા રેકોર્ડ બનતા રહે છે અને જૂના તૂટતા રહે છે. એ ન્યાયે જોઇએ તો પરષોત્તમ સોલંકીનો રેકોર્ડ પણ ભવિષ્યમાં જૂનો થશે. ક્યારે એ કહેવાય નહીં. ગુજરાતના મંત્રીમંડળમાં એવું કોઈ પાત્ર હાલ સમાવિષ્ટ નથી જે નજીકના ભવિષ્યમાં તેમના રેકોર્ડને જૂનો કરી બતાવે. જે હતા એ રાજકીય ક્ષેત્રે નિવૃત્ત થઈ ગયા છે. રાજકીય ક્ષેત્રે મુખ્યમંત્રી કક્ષાએ કોઈ મોટો ફેરફાર થાય અને તેના અનુસંધાને મંત્રીમંડળ બદલાય તો પણ ઉપરની વિગતોમાં તાત્કાલિક કોઈ મોટો ફેરફાર થાય એમ નથી.

રાજકીય કારકીર્દી

પરષોત્તમ સોલંકી રાજકીય કારકિર્દીના પ્રારંભે 1992માં મુંબઈના નગરસેવક હતા. જો કે ત્યાં રાજકારણમાં આગળ વધી શક્યા નહીં. ગુજરાતમાં આવીને પહેલી ચૂંટણી લોકસભાની લડ્યા હતા. અગિયારમી લોકસભાની મે 1996માં યોજાયેલી ચૂંટણીમાં તેઓ ભાવનગર લોકસભા બેઠક પરના અપક્ષ ઉમેદવાર લેખે માત્ર 7,771 મતના નજીવા તફાવતથી ભાજપના રાજેન્દ્રસિંહ રાણા સામે પરાજિત થયા હતા. એ પછી ભાજપમાં અને રાજ્યના રાજકારણમાં દાખલ થયા. મુંબઈમાં જ રહી પડ્યા હોત કે લોકસભામાં જીત્યા હોત તો પરષોત્તમ સોલંકીના રાજકારણની દિશા જુદી હોત. એમ પણ કહેવું જોઇશે કે રાજકારણમાં આ ‘જો’ અને ‘તો’ કાયમી હતા અને આગળ-ઉપર રહેવાના છે.

બન્ને સોલંકી ભાઈઓ સળંગ વીસ વર્ષ વિધાનસભામાં સાથે રહ્યા

રાજકીય, સામાજિક અને પારિવારિક વિગતોના આધારે પરષોત્તમ સોલંકીના રાજકારણ માટે કહેવું જોઇશે કે મતવિસ્તારમાં તેઓ દબદબો ધરાવતા નેતા છે. કોળી સમાજના આગેવાન છે. મુખ્યમંત્રી લેખે નરેન્દ્ર મોદીએ તેમજ આનંદીબહેન પટેલે તેમને એક સમયે મંત્રીમંડળમાં નહોતા સમાવ્યા પરંતુ એમ અવગણના કર્યા પછી રાજકીય દબાણના પગલે તેમને સમાવવા પડ્યા હતા એ ઉલ્લેખનીય છે. પરષોત્તમ સોલંકીના નાના ભાઈ હીરાભાઈ ઓધવજીભાઈ સોલંકી દસમી ગુજરાત વિધાનસભા-1998માં મોટાભાઈની સાથે ભાવનગર જિલ્લાની રાજુલા વિધાનસભા બેઠક પરથી ભાજપમાંથી ચૂંટાઈ આવ્યા હતા. દસમીથી તેરમી વિધાનસભા (1998થી 2017) સળંગ વીસ વર્ષ રાજુલાના ધારાસભ્ય રહ્યા પછી છેલ્લે ચૌદમી વિધાનસભા ચૂંટણીમાં તેઓ કૉંગ્રેસના ઉમેદવાર અંબરીશ ડેર સામે પરાજિત થયા હતા. એ રીતે જોઇએ તો બન્ને સોલંકી ભાઈઓ સળંગ વીસ વર્ષ વિધાનસભામાં સાથે રહ્યા. આ રેકોર્ડ પણ એવો છે જે માત્રને માત્ર તેમના નામ જોગ લખી-નોંધી શકાય.

પરષોત્તમ સોલંકીના મતદારો – રાજકીય ટેકેદારોને હંમેશા એ વાતનો ખટકો રહ્યો

પરષોત્તમ સોલંકીના મતદારો – રાજકીય ટેકેદારોને હંમેશા એ વાતનો ખટકો રહ્યો કે તેમના ‘સાહેબ’ને મંત્રીમંડળમાં કદી મહત્વનું સ્થાન મળ્યું જ નહીં. કાયમ પશુપાલન અને મત્સ્યોદ્યોગ જેવા વિભાગો જ સોંપવામાં આવ્યા. 2017માં તેમને આનો આ જ વિભાગ પુનઃ સોંપાયો ત્યારે એવો કચવાટ તેમના ટેકેદાર કાર્યકરોએ જાહેરમાં વ્યક્ત કર્યો હતો. બીજી તરફ તબીઅતની રીતે છેલ્લા બે વર્ષથી નરમ ચાલી રહેલા તેઓ મંત્રીમંડળની દર અઠવાડિયે મળતી કૅબિનેટ મીટિંગમાં નિયમિત હાજર રહી શકતા નથી. સચિવાલયની તેમની ચેમ્બરમાં પણ આવી શકતા નથી. અધિકારીઓ – કર્મચારીઓ મોટાભાગની મીટિંગ અને કામકાજ સંબંધી વ્યવહાર, સહી માટે તેમના સરકારી નિવાસસ્થાને જ જાય છે.

ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો ડિપ્લોમા ધરાવતા પરષોત્તમ સોલંકીના પરિવારમાં પત્ની ફાલ્ગુનીબહેન, બે પુત્રો અને ત્રણ પુત્રીઓ છે જેમાંનું કોઈ રાજકીય ક્ષેત્રે સક્રિય નથી.