ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): ક્રીપ્ટોકરન્સી વોલેટમાં રોકાણ કરવાવાળા યુવા રોકાણકારોની અસંખ્યા આ મહીને ઉછળીને ૨૨.૫૪૬ લાખની ઉંચાઈએ પહોચી ગઈ, જે ફેબ્રુઆરી ૨૦૧૮ પછીની સૌથી વધુ છે. બ્લોક્ચેઇન એનાલીસ્ટ ચીનાલીસીસનાં ડેટા કહે છે કે છ મહિના અગાઉ આ આંકડો ૧૧.૬૨૬ લાખ રોકાણકારનો હતો. સતત વધી રહેલા રોકાણકારો થકી, બિત્કોઇનનનો ભાવ આ વર્ષે અત્યાર સુધીમાં બાવન ટકા વધીને ૧૦૯૬૨ ડોલરની ઉંચાઈએ પહોચી ગયો છે. અલબત્ત, આ ભાવ ડીસેમ્બર ૨૦૧૭ની ૨૦,૦૦૦ ડોલરની ઊંચાઈથી હજુ ૮૩ ટકા નીચો છે.

ભારતમાં ક્રીપ્ટોકરન્સી પ્રતિબંધ ખરડાને કાયદાનું સ્વરૂપ આપવાની વાત માત્રથી ક્રીપ્ટો રોકાણકાર અને તેની બજારમાં ચિંતાનું વાતાવરણ પેદા થયું છે. એક વર્ષ અગાઉ પણ આવી હવા ઉડી હતી, જેવી આજે છે. પરિણામે અચોક્કસતાનું વાતાવરણ સર્જાયું છે. બદલાયું છે તો માત્ર એટલુંજ કે માર્ચ મહિનામાં ક્રીપ્ટો કંપનીઓ, ટ્રેડરો સાથે વ્યવહાર કરતી નાણા સંસ્થાઓ પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાના એક સર્ક્યુલર મારફતે મુકેલા પ્રતિબંધને સુપ્રીમ કોર્ટે અમાન્ય કર્યો હતો.

ભાજપના રાજ્યસભાના મેમ્બર ઓફ પાર્લામેન્ટ સુબ્રમણ્યમ સ્વામીએ એક ભારતીય અખબારને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે “ક્રીપ્ટોકરન્સી હવે અનિવાર્ય બની ગઈ છે.” જો કે તાજેતરમાં ધ બ્લોક નામના એક ક્રીપ્ટો સમાચાર પત્રિકા સાથે વાત કરતા સુબ્રમણ્યમે કહ્યું હતું કે આવા ક્રીપ્ટોકરન્સી પ્રતિબંધ સંદર્ભે મને કઈ સાંભળવા મળ્યું નથી. તેમણે કહ્યું હતું કે જો આવું કોઈ પગલું ભરાશો તો તે ગાંડપણ હશે.

ભારતમાં વાઝીરેક્સ ક્રીપ્ટો એક્સચેન્જનાં સ્થાપક નિશ્ચલ શેટ્ટી અને ભારતની બ્લોક્ચેઇન રીસર્ચ કંપની ક્રેબ્કોના સ્થાપક સિદ્ધનાથ સોગાણીએ આ ખરડા બાબતે કહ્યું હતું કે આવું કઈ બને તો પણ કઈ મુંઝાવાની જરૂર નથી. જો સંસદમાં આ ખરડો (બીલ) રજુ કરવામાં આવે તો પણ તેને પાસ કરાવતા નાવનેજે પાણી ઉતારવાના રહેશે. શેટ્ટી તો ત્યાં સુધી કહે છે કે સંસદમાં આવા કોઈ ક્રીપ્ટોકરન્સી પ્રતિબંધ ખરડાનો મુસદો તૈયાર કરી રજુ કરવાની વાત પણ ઘણી વહેલી ગણાશે.

ક્લિકબાઈટ નામે એક ન્યુઝ આર્ટીકલમાં સિદ્ધનાથ સોગાણી કહે છે કે ભારતીય ક્રીપ્ટોકરન્સી સમાજે હાલમાં આવેલા સમાચારથી ચિંતાની લાગણી વ્યકત કરી છે, પણ આવા એકાએક આવતા સમાચાર સાથે તેમણે પનારો પાડતા શીખી જવું પડશે. એક ન્યુઝ એજન્સીમાં આવેલા સમાચાર ક્યા સ્ત્રોતમાંથી આવ્યા? તે બાબતે હું જાણતો નથી. એમ કહી તેમણે ઉમેર્યું કે થોડા મહિના અગાઉ આવા ખરડાની ચર્ચાઓ થઇ હતી. આમછતાં, છેલ્લા છ મહિનામાં એકલા વાજીરેક્સ પ્લેટફોર્મ પર ૧૮૪૦ લાખ ડોલરના બિત્કોઇન સોદા પડ્યા હતા.

ક્રીપ્ટોકરન્સી એનાલીસ્ટો તો ત્યાં સુધી કહે છે કે જગતની વધુને વધુ સેન્ટ્રલ બેંકો દેવાના બોજ તળે દબાઈ રહી છે ત્યારે બીત્કોઈને એ સિદ્ધ કર્યું છે કે ક્રીપ્ટો ઇન્વેસ્ટમેન્ટ અત્યાવશ્યક થઇ પડ્યું છે. પ્રાઈસ ઓફ ટુમોરોનાં લેખ જેફ બોથ કહે છે કે નાણાકીય સમસ્યાઓ, વેગથી વધતા દેવા અને ફુગાવા વચ્ચે વૈશ્વિક અર્થતંત્રોમાં ચક્રવાતી તોફાનો સર્જાય, ત્યારે બિત્કોઇન એ લાઈફબોટનું કામ કરશે. જેફ બોટની સલાહ છે કે હવે પછી તમારી જીવન નૈયા પાર ઉતારવા લાઈફ બોટ તરીકે બિત્કોઇન અત્યાવશ્યક બની રહેવાના.       

(અસ્વીકાર સૂચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)