મેરાન્યૂઝ નેટવર્ક.અમરેલી: ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અને અમરેલી લોકસભા બેઠકના કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીની સાદગીના વીડિયો અવારનવાર વાયરલ થતા હોય છે. ત્યારે આવો જ વધુ એક વીડિયો હાલ સોશિયલ મિડિયામાં વાયરલ થયો છે. જેમાં ધાનાણી નીચે બેસીને ગાંઠિયાનો ઘાણવો ઉતારી રહ્યાં હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે.

મળતી માહિતી મુજબ ધારીના મોણવેલ ગામે શ્રી રામજી મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી આ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. કાર્યક્રમમાં પ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જ્યાં રસોડા વિભાગમાં ગાંઠિયાનો ઘાણવો ઉતરી રહ્યો હતો. પરેશ ધાનાણી કોઈને મળવા અચાનક રસોડા સુધી પહોંચી ગયા હતા. દરમિયાન હાજર વ્યક્તિઓ પૈકી કોઈએ તેમને ગાંઠિયા પાડવાનો આગ્રહ કર્યો હતો. 

જેને લઈને તેઓ હાથમાં જારો લઈ ગાંઠિયા બનાવવા ખુરશી પર બેસી ગયા હતા. અને કુશળ કારીગરની માફક ગાંઠિયા તળવા લાગ્યા હતા. આ સમયે હાજર લોકોએ તેમનો વીડિયો શુટ કરી લીધો હતો. જે હાલ સમગ્ર ગુજરાતના સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખની છે કે પરેશ ધાનાણીના આ પ્રકારના અનેક વીડિયો અગાઉ પણ વાયરલ થઇ ચુક્યા છે. જેમાં તેઓ સાંપ પકડવાથી લઈને ક્રિકેટ રમતા અને ગાંઠિયા, ભજીયા તેમજ શેરડીનો રસ કાઢતા પણ જોવા મળ્યા છે.