મેરાન્યૂઝ નેટવર્ક.અમરેલી: વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આજે વડીયા પંથકમાં ખેડૂતો સાથે મુલાકાત કરી હતી. આ તકે ખેડૂતો સાથે ખેતરોમાં જઈને તેમણે પાકની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ ખેડૂતોની મુશ્કેલીઓ જાણી દુઃખ વ્યક્ત કરી આ મુદ્દે સરકારને રજૂઆત કરવાનું આશ્વાસન પણ આપ્યું હતું. સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, મુંગી-બહેરી સરકારને વિનંતી છે કે વિધાનસભા છોડી ક્યારેક ખેતરોમાં આવે.

પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો અને દવાની ખરીદી કરી છે. વાવણી થઈ ત્યારથી હજુ સુધી વરસાદ પડ્યો નથી. જેને લઈને જમીનો સુકાઈ રહી છે. મગફળીના ઉભા છોડ સુકાઈ રહ્યાં છે અને કપાસ પણ સુકાઈ રહ્યો છે. તેમ છતાં રાજ્ય સરકાર વિધાનસભામાં વાહવાહી કરી રહી છે. ત્યારે આંધળી, બેરી અને મુંગી આ સરકારને મારી એટલી જ વિનંતી છે કે વિધાનસભા છોડી ક્યારેક ખેતરમાં આવે અને સર્વે કરી ખેડૂતોને પાક વિમો ચુકવે.