પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ,અમદાવાદ): હું સ્કુલમાં ભણતો ત્યારે મને ખાવાનો ખુબ શોખ હતો, પણ દુકાનો અને લારીમાં મળતી તમામ વસ્તુઓ મને મળી જાય છે તેવી મારા ઘરની આર્થિક સ્થિતિ ન્હોતી, એટલે અનેક વખત મનમાં કચવાટ રહેતો અને થતુ કે ઈચ્છીત વાનગી ખાવા કયારે મળશે ? એટલે મન સતત તેનો રસ્તો શોધવામાં અટવાયેલુ રહેતુ હતું, આ દરમિયાન મારા પિતા મને દુરનું કોઈ કામ સોંપે જે કામ માટે બસ પ્રવાસ કરવો જ પડે તેવુ હોય તો મન તરત આનંદીત થતુ હતું કારણ પિતા બસ પ્રવાસના પૈસા આપે એટલે બસ પ્રવાસ નહીં કરવાનો પણ કોઈ પણ સ્થળે જવાનું હોય, સાયકલ લઈ નિકળી પડવાનું અને બસ પ્રવાસ માટે મળેલા પૈસામાંથી ગમતી વાનગી ખાવા જવાનું,લાંબા સાયકલ પ્રવાસ પછી જયારે ગમતી વાનગી કોઈ રેસ્ટોરન્ટ અથવા લારી ઉપર ખાવા મળે ત્યારે સાયકલનો થાક ઉતરી જાય અને મન તૃપ્ત થઈ જતુ હતું, મને અભાવે ઘણુ શીખવડાયુ છે.

મારી જેવા અનેક મિત્રો અભાવમાં ઉછર્યા માત્રા ખાવા-પીવાની વસ્તુઓ માટે પણ નહી રોજની જરૂરીયાત માટે દિવસો અને મહિનાઓ સુધી રાહ જોવાનું પોતાને સમજાવવુ પડતુ હતું, પણ મારા સંતાનોને અભાવ કોને કહેવાય તેની ખબર જ નથી, પણ મારા સંતાનોને અભાવ ખબર નથી તેમા વાંક તેમનો નથી, વાંક મારો અને મારા જેવા પાલકોનો છે. જેઓ અભાવમાં ઉછર્યા છે તેવા પાલકોને સતત એવુ લાગે છે કે અમને જે તકલીફો પડી તે અમારા સંતાનોને પડે નહીં, એટલે માતા પિતા બાળકોની મોટા ભાગની ઈચ્છાઓ તરત પુરી કરે છે ઘણી વખત તો અગવડ વેઠીને પણ તેમની માગણીઓ પુરી કરે છે, આવી ભુલ મેં પણ અનેક વખત કરી છે અને પણ તેવી ભુલ સહજ રીતે થઈ જાય છે.

આ બાબતને ભુલ એટલા માટે કહુ છુ કે એક તરફ મારે જે અભાવો સામનો કરવો પડયો તેવો અભાવ મારા સંતાનોને નડે નહીં તેવી મારી લાગણી છે બીજી તરફ અભાવના અહેસાસ વગર બધુ જ સરળતાથી મળી જતુ હોવાને કારણે તેમને જે મળે છે તેની કિમંત નથી અને તેમાંથી મળતો આનંદ લાંબો સમય ટકતો નથી,મનમાં સતત રંજ રહે છે બાળકોને કોઈ વસ્તુની કિમંત નથી, પણ આ તમામ સ્થિતિ માટે મને લાગે છે હુ અને મારા જેવા પાલકો જ જવાબદાર છે મનમાં અસ્પષ્ટતા હોવાને કારણે બાળકો માગણી મુકે ત્યારે ના પાડી શકતા નથી, અને માગણી સંતોસ્યા પછી બંન્ને તરફ ખાસ આનંદ હોતો નથી,

આપણુ સંતાન અભાવમાં જીવે તેવુ આપણે કયારેય ઈચ્છતા નથી, પણ અભાવમાં માણસ ઘડાય છે,તે આપણા અનુભવમાંથી આપણે તે શીખ્યા છીએ, આપણે આપણા સંતાનોને સતત અભાવથી દુર રાખવાનો પ્રયત્ન કરીએ છીએ,તેનો અર્થ આપણે તેના ઘડતરમાં અવરોધ ઉભો કરી રહ્યા છીએ, વિપરીત પરિસ્થિતિ જયારે નિર્માણ થાય છે ત્યારે આપણુ સંતાન ડરી જાય અને વિચલીત થઈ જાય છે, અને વિપરીત સ્થિતિને પહોંચી વળવા માટે તે તૈયાર નથી અને તે ત્યારે પોતાની સ્થિતિનો જવાબ શોધવા આપણી તરફ જુવે છે અને આપણે તેનો જવાબ બનીએ તેવી તે અપેક્ષા રાખે છે,આપણે આપણા સંતાન સાથે કાયમ રહેવાા નથી,આપણા વડિલો પણ આપણી સાથે રહ્યા ન્હોતા,પણ આપણા વડિલો આપણને વધુ સગવડ આપવાને બદલે અભાવમાં જીવવાનું શીખવાડી ગયા

આપણે કોલેજમાં સાયકલ લઈ જતા હતા એટલે આપણા સંતાનોએ પણ સાયકલ ઉપર કોલેજ જવુ જરૂરી નથી, પણ તેની પાસે રહેલી મોટરસાયકલ ખરીદવા માટે તમારે કેટલી મહેનત કરવી પડી છે તેનો અહેસાસ તેને જરૂર આપવો જોઈએ, અભાવ એટલા માટે પણ જરૂરી છે કે આપણી આસપાસ અભાવમાં જીવતા લાખો લોકોની વેદના આપણે સમજાય, જીવવા માટે સુખની જેટલી જરૂર છે એટલી જ વેદના પણ આવશ્યક છે,સંંતાન માગણી કરે ત્યારે તેને તરત તે વસ્તુ લાવી આપવાને બદલે તેને થોડો સમય તેના માટે રાહ જોતા શીખવાડો,કારણ કોઈ પણ વસ્તુ રાહ જોયા પછી મળે ત્યારે તેની કિમંત સમજાય છે.