મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ‘મારા વ્હાલા મમ્મી અને પપ્પા તમે દુનિયાના બેસ્ટ મમ્મી પપ્પા છો. તમે મને ક્યારેય કોઈ દુઃખ આપતા નથી. મારા ભાઈઓ તો મારો જીવ છે અને મને સમજાવી ક્યારેય દુઃખી કરી નથી. મારો ભાઈ એ તો મારો રોલ મોડેલ છે. જેણે મને બહુ જ હિંમત આપી અને મને આટલી આગળ વધારી. તેમજ મને દરેક બાબતે દુનિયા સામે લડતા શીખવ્યું. મારો ભાઈ હિમાંશુ તારામાં તો ભાઈ બહુ સહન શક્તિ છે એની સામે મારી પાસે તો ઝીરો સહન શક્તિ છે. હું કંઈ જ સહન કરી શક્તિ નથી. પપ્પા હું આજે જઈ રહી છું, બધાથી દૂર એક અલગ દુનિયામાં જ્યાં કોઈ જ નહીં હોય આ બધું. મારી મમ્મી અરે મમ્મી કહેતા જ આંખો ભરાઈ જાય છે કેમ કે એક માં જ એવી વ્યક્તિ છે જેને બાળક દરેક સમજાઈ જાય. મારી મમ્મી તો મારી બેસ્ટ ફ્રેન્ડ, બધું જ છે. જ્યાં જવું હોય ત્યાં સાથે હોઈએ આપણે... મમ્મી.

કોઈ દુઃખ છે. મને મારા ઘરનાથી, પણ દુઃખ તો એ છે કે મારી આ નોકરી તો આવી છતાં હું કાંતી, રાજન, જયેશ અને એની વહુ હીના ઉર્ફે ભૂરી, આરતી ઉર્ફે કાળી, કમળા, પુષ્પા, અરવિંદ અને તેના બે છોકરાઓએ આટલું આપણને હેરાન કરવા છતાં હું કંઈ કરી ના શકી. એ લોકોના લીધે આપણે પોતાનું ઘર છોડીને આવવું પડ્યું અને અત્યારે ઘર માટે ફરવું પડે છે. ઘરનું પણ કંઈ થતું નથી છતાં આજે બીજે રહેવું પડે છે. એ લોકોને એમના કરેલાની સજા આપી ના શકી, એનો અફસોસ બહુ જ થાય છે. આજે હું એટલી હદે તૂટી ગઈ છું કે બસ હવે મારે જીવવું નથી. મારા માં-બાપ માટે કંઈ જ ના કરી શકું તો આજીવન પણ શું કામનું અને હા મારા મોટા ભાઈઓ મને દાટતા નહીં મને બાળજો. મને દાટે એ નથી ગમતું.

મમ્મી તું મને જતા પહેલાં એકદમ સરસ તૈયાર કરજે, ભાઈ મારી પસંદગીની વસ્તુ હું મરું પછી બાળકોને વહેંચજે અને મને વડનગરના ઘરે લઈ જજો. ત્યાં મને સુવડાવજો મારા ઘરે સુઈ ગયે બહુ જ સમય થઈ ગયો. મમ્મી મારા માથે હાથે ફેરવજે જેથી મને બહુ જ સારી ઉંઘ આવે તથા માથે અડે એટલે મને બહુ જ શાંતિ થાય છે. પપ્પા હવે પહેલા જેવા ના રહેતા તમને બોલવા વાળી હું જાઉ છું. મમ્મીને હેરાન ના કરતા હો પાછા ઘરના બધાને સાચવજો. ભાઈ હિમાંશું અને જયેશ મમ્મી પપ્પાને સાચવજો હવે એ જવાબદારી તમારી. દીકરી અને દિકરા બન્ને તરીકેની જવબાદરી તમારી છે આજથી. ભાઈઓ મારી ચિંતા ના કરશો. તમારા મેરેજમાં ગમે તે રૂપે આવી જઈશ. કેમ કે મારા વગર નાચશે કોણ, બૂમો કોણ પાડશે અને હા હવે બહુ જ કહી દીધું કેમ, પણ હું છું જ બોલકી ને તો શું કરૂ તો હવે હું જાવ છું. બધા હળી મળીને રહેજો. Love you mummy Pappa nd I Love you my big brothers’

આ અંતિમ ચીઠ્ઠી છે જેમાં અમદાવાદની મહિલા પોલીસ કોન્સ્ટેબલ ફાલ્ગુની શ્રીમાળીએ પોતાના અંતિમ શબ્દો વર્ણવ્યા હતા. અત્યંત હૃદયદ્રાવક આ ચીઠ્ઠી રીતસરની આંખ ભીંજવી નાખે તેવી છે. આપને જણાવી દઈએ કે ફાલ્ગુની પટેલે બાથરૂમમાં ગળાફાંસો ખાઈ અંતિમ પગલું ભર્યું છે. તેઓ કાલુપુર ખાતે પોલીસ મથકે ફરજ નિભાવતા હતા. તેમના આપઘાત પગલે ચાંદખેડા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.