જય અમીન (મેરાન્યૂઝ.મોડાસા): પશુઓને બચાવવા માટેની ઝુંબેશ એ લોહીના ખાબોચીયામાં આંગળી બોળવા જેવું છે. આંગળી પર લોહી ચોંટેલું જ રહે છે. તમે એક છીંડુ બંધ કરો જ્યારે બીજે ક્યાંક બમણા છીંડા ઊભા થઇ ગયા હોય છે. કીડીખાઉ (પેંગોલિયન) નો ઉપયોગ કેન્સર, સોરાઇસીસ, વજન ઘટવું, દમ જેવી બિમારી માટે તેના અંગોમાંથી દવા બનાવવા માટેની વાતો સાથે ચીન તેમજ વિયેટનામ તેમજ ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં મોટી ડિમાન્ડ હોવાથી તેની તસ્કરી કરતી ગેંગની ઝાળ સમગ્ર દેશમાં પાથરેલી છે. કીડીખાંઉનાં સ્કેલ્સ (ભીંગડા) માંથી ઔષધી બનાવાય છે. તમિળનાડુ, ઓરિસા, કેરળના આદિવાસીઓ પણ આ પ્રાણીમાંથી દેશી ઉપચાર માટે દવા તરીકે તેનો ઉપયોગ કરતા હોવાથી અને ચામડાના બુટ તેમજ ફેશનની ચીજો બનાવવા શિકારીઓ છેલ્લા કેટલાક વર્ષોથી પેંગોલીયનનો શિકાર કરતા આવ્યા છે. ઈન્ડીયન પેંગોલીયનની ભારતમાંથી મોટાપાયે હેરાફેરી થાય છે એમ વિશ્વમાં પણ તેનું નામ ટોપ પર છે. અરવલ્લી વનવિભાગ તંત્રેએ રતનપુર ચેકપોસ્ટ નજીકથી સેન્ટ્રો કારમાંથી બે મૃત કીડીખાઉ સાથે એક શખ્શને ઝડપી લીધો હતો. સેન્ટ્રો કારમાં રહેલા અન્ય બે શખ્શો વનવિભાગની ટીમને ચકમો આપી ફરાર થઈ ગયા કીડીખાંઉની તસ્કરીમાં આંતરરાજ્ય રેકેટ ચાલતું હોવાની સાથે કીડીખાઉને ખરીદનાર ટ્રેડરને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.

કીડીખાંઉએ કુદરતી પેસ્ટીસાઈડનું કામ કરે છે. કુદરતની પોષણકડીનું એક મહત્વનું અંગ કીડીખાંઉ પણ છે. શામળાજી નજીકથી વનવિભાગની ટીમે રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથધરતા ઉત્તર પ્રદેશ પાસીંગની સેન્ટ્રો કારને અટકાવી તલાસી લેતા કોથળામાં સંતાડીને તસ્કરી થઇ રહેલ બે મૃત કીડીખાંઉના મૃતદેહ સાથે એક શખ્શને ઝડપી લીધો હતો. સેન્ટ્રોમાં બેઠેલા બે શખ્શો ફરાર થઈ જતા વનવિભાગની ટીમે બંને મૃત કીડીખાંઉને પીએમ માટે સરકારી પશુ દવાખાને મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હોવાની માહિતી વનવિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ હતી. વનવિભાગ તંત્રના અધિકારીઓ આ અંગે મગનું નામ મરી પાડવા તૈયાર નથી કીડીખાંઉ તસ્કરી પ્રકરણમાં આંતરરાજ્ય કે આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ થઇ શકે તો નવાઈ નહીં....!! 

ગુજરાત અને રાજસ્થાનમાંથી કીડીખાંઉની હત્યા કરી કોલકાત્તા મોકલવામાં આવે છે 

જાણકાર સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, દર વર્ષે ૨૦ થી ૩૦ હજાર જેટલા કીડીખાઉ (પેંગોલીયન)ની કતલ કરીને કોલકત્તા કે ચેન્નાઇના માર્ગે ચીન મોકલી આપવામાં આવે છે. જંગલી પશુઓના અંગોના ધંધા માટે કોલકત્તા 'હબ' બની ગયું છે. કોલકત્તાથી ગેરકાયદે પક્ષીઓ, કાચબા તેમજ નાના પ્રાણીઓને દેશભરમાંથી લાવીને વેચાય છે. તેમને કન્ટેનરમાં મોકલાય છે અને કસ્ટમ ઓફિસરને લાંચ આપીને કન્ટેનર ક્લીયર કરાય છે. સ્ટાર અને ફ્રેશ પાણીમાં રહેતી માછલી, કાચબાને પણ આ માર્ગથી જ બહાર મોકલાય છે. પ્રાણીઓના અંગો મોકલતું એક હબ ચેન્નાઇ પોર્ટ પણ છે જ્યાંથી દરિયાઇ પ્રાણીઓ જેવાં કે સી હોર્સ, શાર્ક ફીન્સ સહિતના જીવો લાખોની સંખ્યામાં સિંગાપુર, ચીન અને હોંગકોંગ મોકલાય છે. 

ગુજરાતમાં પણ કીડીખાઉનો છે વસવાટ  

તે આખા શરીર ઉપર સખત ભીંગડાનું કવચ ધરાવે છે. ભારતીય કીડીખાઉ-શલ્વો, પેન્ગોલીન સમગ્ર ગુજરાત રાજ્યમાં જોવા મળે છે. જોકે તે નિશાચર પ્રાણી હોવાથી તે ભાગ્યે જ જોવા મળે છે. તેના આખા શરીર ઉપર સખત ભીંગડા હોય છે જે તેના માટે રક્ષણાત્મક કવચનું કાર્ય કરે છે. કીડીખઆઉનો મુખ્ય આહાર તેના નામ પ્રમાણે કીડી અને ઉધઇ છે. પેંગોલીન એ જમીન માટેનું કુદરતી ખાતર અને ઉધઈ નિયંત્રણ કરનાર છે તે કીડી ઉધઈ સહિતની જીવાત ખાય છે. તેની જાળવણી કરવાના બદલે તેનો ખાત્મો બોલાવાય છે. પુખ્ત વયનું એક પેંગોલીયન એક વર્ષમાં ૭૦ મીલીયન જેટલા જીવાણુ જાપટી જાય છે. 

નિશાચર પ્રાણી હોવાથી દિવસે આરામ કરી રાત્રે ખોરાકની શોધમાં નીકળે છે

કીડીખાઉં ૨૦ થી ૨૫ સેમી લાંબી જીભ ઉપર ચીકણો સ્ત્રાવ હોય છે જેની મદદથી તે ઉધઇને તેના રાફડા-દરમાંથી ખેંચી કાઢે છે. તેના આગલા પગના પંજાના લાંબા નહોરની મદદથી તે દર-બખોલને ઝડપથી ખોદી શકે છે અને તે દરમાં જ દિવસભર આરામ કરે છે અને રહે છે દિવસમાં ૧૬ થી ૧૮ કલાક સુધી ઉંગી રહે છે.