મેરાન્યૂઝ નેટવર્ક.પંચમહાલઃ પંચમહાલ જીલ્લામાં પાછલા બે દિવસથી મેઘરાજા ધમરોળી રહ્યા છે. દક્ષિણ પંચમહાલમાં છૂટાછવાયા વરસાદને બાદ કરતા શહેરા અને ગોધરા તાલુકામાં સારો એવો વરસાદ પડ્યો છે. શહેરામાંથી પસાર થતા હાલોલ- શામળાજી હાઇવે માર્ગ પણ પાણી ભરાયા હતા. ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદની હેલી જોવા મળી હતી. ડાંગરના પાકને પાણીની જરૂર હતી. તે સંતોષાતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી વ્યાપી ગઇ છે. વરસાદ વરસતા પડી રહેલી ગરમીથી જીલ્લાવાસીઓને રાહત મળી છે.

Advertisement


 

 

 

 

 

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. પંચમહાલના શહેરાનગર અને ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો.જીલ્લાના શહેરાનગરમાંથી હાલોલ-શામળાજી રાજ્યધોરી માર્ગ પસાર થાય છે. નગરની અણિયાદ ચોકડી પાસે પાણી ભરાવાની સમસ્યા સર્જાતી રહે છે. વરસાદને કારણે અહીં પાણી ભરાઈ ગયા હતા. પસાર થતા વાહનોના પણ પૈડા અડધા ડુબેલા નજરે પડતા હતા. વરસાદને કારણે બજારમાં ખરીદી કરવા આવેલા લોકો પણ અટવાઈ પડ્યા હતા.

શહેરાની સિંધી ચોકડી વિસ્તારમાં પણ રોડ પણ પાણી વહેતા જોવા મળ્યા હતા. વરસાદને કારણે અહીનો મુખ્ય ગણાતો ડાંગરનો પાકને સારી એવી રાહત મળી છે. અહીંના પુર્વ પટ્ટી વિસ્તાર ધરાવતા ખેડૂતોનો ડાંગરના પાકને જાણે જીવતદાન મળ્યાની પ્રતિતિ થઇ હતી. ગોધરા તાલુકાના નદીસર પંથકમા પણ વરસાદી માહોલ સર્જાયો હતો. વરસાદને કારણે વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો હતો અને ટાઢક વળી હતી.