મેરાન્યૂઝ નેટવર્ક.પંચમહાલ: દક્ષિણ ભારતના કેરાલા રાજ્યના કોલ્લમ શહેરના એક જાગૃત યુવાન રફી કોલ્લમે 3000 કિમીની સાયકલ પર સંસદયાત્રાની શરૂઆત કરી છે. દેશમાં વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવ, જીવન જરુરિયાતની ચીજવસ્તુઓ, બેરોજગારીના પ્રશ્નો, ખેડૂતોની માંગણીઓ પ્રશ્નો, બેરોજગારીમાં વૃધ્ધિ, મહીલાઓ, દલિતો, તેમજ શોષિત સમુહો પર થતા અત્યાચારોના વિરોધમાં તેઓ દિલ્લીની સંસદ સુધી સાયકલયાત્રાનો પ્રારંભ કર્યો છે. કેરાલા રાજ્યના કોલ્લમ શહેરનાં રફી કોલમ વ્યવસાયે ફોટોગ્રાફર છે. સાયકલ પર શરૂ કરેલી સંસદયાત્રા પંચમહાલના શહેરા ખાતે આવી પહોચી હતી. તેમની સાથે અન્ય બે યુવાનો જેમાં કેરાલા રાજ્યના પાલકાડના વિષ્ણુ અને કર્ણાટક રાજ્યના મંગલાપુરના રહેવાસી અસ્કરનો સમાવેશ થાય છે. અસ્કર પોતાની સાયકલયાત્રા દિલ્લીથી આગળ કાશ્મીર સુધી આગળ ધપાવાનો છે. આ સંસદયાત્રાની શરૂઆત કેરાલા રાજ્યથી શરુ કરી હતી. જે કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા સહીતના રાજ્યોમાંથી પસાર થઈને દિલ્લી ખાતે આવેલા લોકશાહીનુ પ્રતિક ગણાતા સંસદસુધી પહોચશે.

Advertisement


 

 

 

 

 

આ સંસદયાત્રા મામલે રફી જણાવે છે. મારી આ સંસદ સુધીની સાયકલ યાત્રા દેશની 135 કરોડની જનતા માટે છે. હાલમાં દેશમાં પેટ્રોલ-ડીઝલ અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા છે. જેના કારણે નાના માણસો પરેશાન થાય છે. સરકાર પણ આ બાબતે કશુ જ કરતી નથી. આ મારીયાત્રા દરમિયાન હું ગાંમડાઓમા લોકોને પણ મળુ છુ. તેમની સાથે આ બાબતે વાત પણ કરૂ છુ અને કેમ્પેનીંગ પણ કરૂ છૂ.

તે વધુમા જણાવે છે. સરકારે દેશમાં ટેક્સ ઓછો કરવો જોઈએ. જેથી લોકોને રાહત થાય. પોતાની વાત સમાપ્ત કરીને પોતાની ટીમ સાથે સાયકલયાત્રા મહિસાગર, અરવલ્લી જીલ્લામાં થઈને રાજસ્થાન તરફ રવાના થઈ હતી.