મેરાન્યૂઝ નેટવર્ક.પંચમહાલઃ પંચમહાલ જીલ્લામાં આવતીકાલે યોજાનારી યોજાનારી ચુટણીને લઈને વહીવટીતંત્ર અને પોલીસતંત્ર સજ્જ બન્યું છે. ગ્રામ પંચાયતોની ચુટણી યોજાવા જઈ રહી છે. જેને લઈને મતદાન મથકો ખાતે પોલીંગ સ્ટાફ પોલીસ બંદોબસ્ત સાથે રવાના થયો હતો. ગ્રામપંચાયતોની ચૂટણીને લઇને તંત્ર દ્વારા તૈયારીઓ કરીને આખરી ઓપ આપવામા આવી રહ્યો છે. તાલુકા મથકો શહેરા, ગોધરા, હાલોલ, કાલોલ, જાંબૂઘોડા, મોરવા હડફ, ઘોઘંબા ખાતેએ ઉભા કરવામાં આવેલા ડીસ્પેંચ સેન્ટર્સ ખાતેથી પોલીંગ સ્ટાફ મતદાન મથકો પર મતપેટી, સાથે જરૂરી મતદાનને લગતી સ્ટેશનરી લઈને રવાના થયો છે.

તંત્ર દ્વારા શાંતિપુર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તેની બધી જ તૈયારીઓ કરી દીધી છે. ઝોનલ, આસિસ્ટન્ટ ઝોનલ, પ્રિસાઇન્ડિંગ, આસિસ્ટન્ટ પ્રિસાઇન્ડિંગ, પોલિંગ, આસિસ્ટન્ટ પોલિંગ, મહિલા પોલિંગ, પટાવાળા ફરજ બજાવશે. મતદાન મથક પર ચૂંટણી શાંતિપુર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસ વિભાગ પણ સજ્જ થયુ છે.કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ સ્ટાફ પણ ખડેપગે ફરજ બજાવશે.ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇને પી.આઈ.પી.એસ.આઈ,પોલીસ જવાનો,મહિલા પોલીસ જવાનો, જીઆરડી જવાનો, હોમગાર્ડ જવાનો સહિતના જવાનો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય તે માટે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થીતી પર બાજ નજર રાખશે.જીલ્લા એસપી લીના પાટીલ દ્વારા શહેરાના ડીસ્પેચ સેન્ટરની મૂલાકાત લઈ પોલીસ અધિકારીઓ સાથે મૂલાકાત કરીને સમગ્ર પરિસ્થીતીનો તાગ મળવ્યો હતો.