દેવલ જાદવ (મેરાન્યૂઝ.પંચમહાલ): સરકારી અમલદારોના લાંચ લેવાના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં પંચમહાલ જિલ્લામાં એક તાલુકા વિકાસ અધિકારી અને સાથે બીજા ત્રણ કરાર આધારિત કર્મચારીઓને ૨ લાખ રૂપિયાની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોએ રંગેહાથ ઝાડપ્યા હતા. જે સરકારી કર્મચારીઓને પ્રજાની સેવા માટે નીમવામાં આવ્યા હોય છે તે જ લોકો પ્રજાના કામ કરવા માટે પગાર ઉપરાંત મોટી મોટી રકમની લાંચ માંગતા હોય છે.

પંચમહાલ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા તાલુકા વિકાસ અધિકારી ઝરીના અંસારીના નામે કરાર આધારિત હિસાબી અધિકારી હેમંત પ્રજાપતિ, કીર્તિપાલ સોલંકી અને અધિક મદદનીશ ઈજનેર રિયાઝ મન્સુરીએ ફરિયાદી પાસે ૪,૪૫,૦૦૦ રૂપિયાની માંગણી કરી હતી. ફરિયાદી સરકારી અલગ અલગ યોજનાઓમાં કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે. જે અંતર્ગત ફરિયાદીને મનરેગા યોજનામાં ૨,૭૫,૦૦,૦૦૦ અને આર. આર. પી યોજનામાં ૧,૭૧,૦૦,૦૦૦ રૂપિયાના ચેક મંજુર થયાં હતાં. આ ચેક મેળવવા માટે કરાર આધારિત કર્મચારીઓએ તાલુકા વિકાસ અધિકારીના નામે ફરિયાદી પાસે લાંચની માગણી કરી હતી.

ફરિયાદીને લાંચ ન આપવી હોવાને કારણે તેમણે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદ એસીબી પોલીસ ઇન્સ્પેકટર કે.કે.ડીંડોડ દ્વારા છટકું ગોઠવીને ૨ લાખ રૂપિયા સ્વીકારતી વખતે ચારે આરોપીઓને રંગેહાથ પકડવામાં આવ્યા છે. અત્યારે ચારેય આરોપીઓની અટકાયત કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે.