મેરાન્યૂઝ નેટવર્ક.ગોધરાઃ 108 એમ્બ્યૂલન્સ સેવાના ડ્રાઈવર્સ (પાઈલટ)ની કામગીરીને બિરદાવવાના હેતુથી દર વર્ષે 26મી મેનો દિવસ ‘PILOT DAY’ તરીકે ઉજવવામાં આવે છે.  ગોધરાના જિલ્લા સેવાસદન ખાતે પંચમહાલ અને દાહોદ જિલ્લામાં 108 એમ્બ્યૂલન્સ સેવાના ડ્રાઈવર્સ (પાઈલોટ)ની કામગીરીને બિરદાવવાના હેતુથી ‘પાઈલોટ ડે’ની ઉજવણી કરવામાં આવી હતી. કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં લઈને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના પગલાઓના ચુસ્ત પાલન સાથે ઉજવણી કરાઈ હતી. 

‘પાઈલોટ ડે’ની શુભેચ્છા પાઠવતા જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું હતું કે કોરોના મહામારીના કપરા કાળ દરમિયાન 108 સેવાની કામગીરી અત્યંત પ્રશંસનીય રહી છે. કોલ્સ એટેન્ડ કરવા, સંક્રમિત દર્દીઓને સમયસર હોસ્પિટલ લઈ જવા, ઈમરજન્સીમાં સારવાર-ઓક્સિજન પૂરા પાડવા સહિતની કામગીરી તેમણે ખંતપૂર્વક, જવાબદારી પૂર્વક શ્રેષ્ઠ રીતે બજાવી છે. એક એમ્બ્યુલન્સ નહીં પરંતુ હોસ્પિટલ ઓન વ્હીલ્સની જેમ કામગીરી કરી 108 સેવાએ કોરોનાના ઘાતક એવા સેન્કડ વેવમાં  સંક્રમિતોને હોસ્પિટલ સુધી સ્થિર, સલામત રીતે પહોંચાડવામાં અને એ રીતે અનેક જિંદગીઓને બચાવવામાં મહત્વપૂર્ણ પ્રદાન આપ્યું છે.

પ્રોફેશનાલિઝમની સાથે સામાજિક જવાબદારીના સુંદર વહન બદલ સમગ્ર ટીમને અભિનંદન પાઠવતા કલેક્ટર એ વર્ષ દરમિયાન 108 કર્મીઓની ઉત્તમ કામગીરીના પોતાને ધ્યાને આવેલ કિસ્સાઓ શેર કરતા આ પ્રકારની કામગીરી યથાવત રાખવા જણાવ્યું હતું. આ સાથે GVK EMRI અંતર્ગત ચાલતી અન્ય સેવાઓ જેવી ખિલખિલાટ, 1962- કરૂણા એમ્બ્યુલન્સ હેલ્પલાઈન, 104 હેલ્પલાઈન, 181 અભયમ હેલ્પલાઈન, મોબાઈલ પશુ દવાખાના સહિતની સેવાઓની કામગીરીને સુંદર ગણાવતા ગ્રામીણ ક્ષેત્રોમાં આ સેવાઓથી નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે  GVK EMRIના COO  જશવંત પ્રજાપતિએ પોતાના સંબોધનમાં આ દિવસની ઉજવણીનું બેકગ્રાઉન્ડ, GVK EMRI અંતર્ગત ચાલતી સેવાઓની કામગીરી, તેમાં આવી રહેલા ફેરફારો-અપડેશન અંગે તેમજ કોરોનાના થર્ડ વેવની સંભવિત સ્થિતિને પહોંચી વળવા લેવાઈ રહેલા પગલાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. એપ્રિલ મહિનામાં પંચમહાલ જિલ્લાની 108 એમ્બ્યૂલેન્સ દ્વારા કુલ 2226 કેસ હેન્ડલ કરવામાં આવ્યા હતા. 

Advertisement


 

 

 

 

 

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અગત્યની માહિતી ધરાવતી બે પુસ્તિકાઓ EM CARE અને VET CAREનું વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં GVK EMRI અંતર્ગત ચાલતી વિવિધ સેવાઓના કુલ 19 કર્મચારીઓને ઓનેસ્ટી, એક્ઝેમ્પલેરી, કેએમપીએલ 108, બેસ્ટ કેસ એવોર્ડ, એમ્બી મોમેન્ટ્સ સહિતના એવોર્ડઝ એનાયત કરી તેમજ વિપરીત સ્થિતિઓમાં તેમણે બજાવેલી કામગીરી વિશે માહિતી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.  

કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી  એ.બી. રાઠોડ, 108 સેવાના પ્રોજેક્ટ મેનેજર  મનવીર ડાંગર સહિત GVK EMRI અંતર્ગત ચાલતી વિવિધ સેવાઓના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ કાર્યક્રમ મર્યાદિત સંખ્યામાં ઉપસ્થિતિ સાથે સાદગીથી યોજાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.