મેરાન્યૂઝ નેટવર્ક.ગોધરા: આંઘ્રપ્રદેશમાં નૌકાદળની જાસુસી કરવાના મામલે નોધાયેલી ફરિયાદને આધારે કાઉન્ટર ઇન્ટેલિજન્સ સેલની ટીમે ગોધરામાં ધામા નાખ્યા હતા. પંચમહાલ એસઓજી- એલસીબીની સાથે રહીને ગોધરાના પશ્વિમ વિસ્તાર કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની મોબાઈલ અને સિમકાર્ડ સાથે અટકાયત કરી હતી. જેમાં કાઉન્ટર ઈન્ટેલીજન્સ ટીમે પૂછપરછ દરમિયાન ગોધરાના મોહંમદી મહોલ્લામાં રહેતા અલ્તાફ હુસેનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આંધ્રપ્રદેશમાં નૌકાદળની જાસુસીની તપાસ દરમિયાનના તારનુ કનેકશન પંચમહાલ ખાતે ખુલતા આંધ્રપ્રદેશની કાઉન્ટર ઇન્ટેલિજન્સની ટીમ ગોધરા શહેરમાં આવી હતી. જેમા પંચમહાલ જીલ્લા પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ટીમના અધિકારીઓ તેમજ પોલીસ ટીમ, કાઉન્ટર ઇન્ટેલીજન્સની પોલીસ ટીમ સાથે રહીને ગોધરા શહેરના પશ્વિમ વિસ્તારમાં મોડી રાતે સર્ચ ઓપરેશન હાથ ધરવામા આવ્યુ હતુ. જેમા કેટલાક શંકમંદ ઈસમોને ઝડપી પાડવામા આવ્યા છે. તેમની પાસેથી મોબાઈલ અને સીમકાર્ડ જપ્ત કરવામાં આવ્યા હતા. શકમંદોની ઘનિષ્ઠ પુછપરછ બાદ કાઉન્ટર ઇન્જેલિજન્સ સ્કવોર્ડની ટીમની તપાસમાં અલ્તાફ હૂસેન નામના ઈસમની ધરપકડ કરવામા આવી હતી. 

Advertisement


 

 

 

 

 

જેમા  સિમ કાર્ડ ખરીદયા બાદ વ્હોટ્સએપ એકાઉન્ટ બનાવી  ભારત દેશ વિરોધી કામ કરનારાઓને ઓટીપી મોકલ્યા હતા.ઓટીપી થકી બનાવેલા વ્હોટ્સએપ એકાઉન્ટની મદદથી કથિત દેશ વિરોધી પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાની વિગત તપાસમા બહાર આવતા કાર્યવાહી કરવામા આવી હતી.આરોપી અલ્તાફ હૂસેનની અટકાયત બાદ તેનો કોરોના ટેસ્ટીંગ કરવામા આવ્યો હતો અને ત્યારબાદ  કોર્ટમાં ટ્રાન્ઝીટ રિમાન્ડ માટે રજૂ કરવામા આવ્યો હતો. નોંધનીય છે કે આ પહેલા પણ ગોધરાના ગીતેલી બંધુઓની એનઆઈએ દ્વારા જાસુસીકાંડમાં અટકાયત કરવામાં આવી હતી. આમ ગોધરા શહેરનુ નામ ફરી એક વાર જાસુસી કાંડમા ચર્ચામાં આવતા ચકચાર મચી જવા પામી છે.