મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ મોડાસા શહેરમાં ગલીએ ગલીએ પાન પાર્લરની દુકાનો આવેલી છે લોકડાઉનના સમયમાં તમામ દુકાનો બંધ રહેતા કેટલાક પાર્લર માલિકોએ પાન-મસાલા અને ગુટખાનો ત્રણ-ચાર ગણો ભાવ લઈ ઘરેથી વેચાણ કરી રહ્યા છે. તો જીવનજરૃરિયાત ચીજ વસ્તુઓની આડમાં કેટલાક લેભાગુ વેપારીઓ ખુલ્લેઆમ પાન-મસાલા, ગુટખા તમાકુનું ધૂમ વેચાણ કરી રહ્યા હોવા છતાં અગમ્ય કારણોસર મોડાસા ટાઉન પોલીસ આંખ આડે કાન કરતા જીલ્લા એલસીબી પોલીસને બાતમી મળતા રેડ કરી સતત બીજા દિવસે મોડાસા શહેરમાં પાન-મસાલાનું લોકડાઉનમાં વેચાણ કરતા બે વેપારીઓને જિલ્લા એલસીબી પોલીસે દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

અરવલ્લી જિલ્લા એલસીબી પી.આઈ.મનીષ વસાવા અને તેમની ટીમે મોડાસા શહેરમાં કેટલાક વેપારીઓ લોકડાઉનના સમયમાં ગેરકાયદેસર દુકાન ખુલ્લી રાખી જીવનજરૃરિયાત ચીજ વસ્તુઓની આડમાં પાન-મસાલા ગુટખા અને માવાનું વેચાણ કરી  રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થતા મોડાસા બસ સ્ટેન્ડ વિસ્તારમાં સતત પોલીસતંત્ર અને વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓની અવર-જવર વચ્ચે બિન્દાસ્ત છગનલાલ મલજીરામ જનરલ સ્ટોર્સમાં ત્રાટકી પાન-મસાલા ગુટખા તમાકુના ૧૬૦ પેકેટ કિં.રૂ.૨૧૦૬૫/- સાથે વેચાણ કરતા છગનલાલ મલજીરામ શાહ (રહે, રામપાર્ક સોસાયટી) નામના વેપારીને  દબોચી લીધો હતો મોડાસાના ગાંધીવાડા વિસ્તારમાં આવેલ શ્રીનાથજી પ્રોવિઝન સ્ટોરમાં પાન-મસાલા ગુટખાનું વેચાણ કરતા સંજય ઇન્દુલાલ પરીખ ને રૂ.૬૩૩ /- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી બંને વેપારીઓ સામે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગ બદલ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.