કિરણ કાપુરે.મેરાન્યૂઝ (ઇનસાઇડ આઉટસાઇડ):ચીનના વુહાનનાં લેખિકા ફેન્ગ ફેન્ગએ લોકડાઉન દરમિયાન રોજેરોજ ‘વુહાન ડાયરી’ લખીને વિશ્વને સાચી માહિતીથી અવગત કરાવ્યું. ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેન્ગ ફેન્ગની ડાયરી ચીની ભાષામાં લખાતી હતી અને તેનું ઝડપભેર અંગ્રેજીમાં અનુવાદ યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયાના પ્રોફેસર માઇકલ બેરીદ્વારા થયો છે. વુહાનમાં પોતાના ઘરેથી લખેલી ડાયરીના આ પાનાં વુહાનમાં લોકડાઉન દરમિયાનશું સ્થિતિ હતી તેનો ચિતાર આપે છે. ચીનના તંત્ર સામે પડીને લખવાનું હોવાથી તેમાં કેટલોક ભાગ સેન્સર પણ થયો. ડાયરીના એક પોસ્ટમાં ફેન્ગ લખે છે : “આજે ફરી વધુ ખરાબ સમાચાર આવ્યા. મારી દીકરીએ મને કહ્યું કે તેના મિત્રના પિતા લીવર કેન્સરથી પીડાતા હતા, અને હવે તેઓ કોરોના શંકાસ્પદ છે. તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પણ ત્યાં તેમની સારવાર માટે કોઈ નહોતું અને માત્ર ત્રણ કલાકમાં તેઓ મૃત્યુ પામ્યા.” આ રીતે ફેન્ગ વુહાનને સૌપ્રથમ કોરોના વિશે ચેતવનારા ડૉક્ટર લિ વેનલિઆન્ગના મૃત્યુના સમાચાર આવ્યા ત્યારે તે વિશે લખ્યું હતું: “આજે લિ વેનલિઆન્ગના મૃત્યુના સમાચાર આવ્યા. હું ખુબ અસ્વસ્થ છું. મારા મિત્રવર્તળમાં સૌએ કહ્યું કે સમગ્ર વુહાન લિના મૃત્યુના શોકમાં રડી રહ્યું છે. શબ્દરૂપી આંસુઓની ઇન્ટરનેટ પણ જાણે ભરતી આવી છે.”

ફેન્ગની ડાયરી હાર્પર કોલિન્સ પ્રકાશક દ્વારા જૂન, 2020માં પ્રકાશિત થવાની છે. ડાયરીના સાઠ પોસ્ટમાં વુહાન મહામારી દરમિયાન કેવી સ્થિતિમાંથી પસાર થયું તેનું ચિત્ર મળે છે. અને ચીન સરકારે જે સ્થિતિ રજૂ કરી હતી તેનાથી ફેન્ગ ફેન્ગએ દર્શાવેલું વુહાન વેગળું દેખાઈ આવે છે. ચીનનું મીડિયા જ્યારે સરકારની જ આંખે જોવે છે ત્યારે ફેન્ગની દૃષ્ટિ વાસ્તવિકતા જોવા માટે ખૂબ અગત્યની છે.

ફેન્ગની જેમ હાલમાં જે ડાયરીની ચર્ચા થઈ રહી છે તે યુ.કે.ના બ્રેડફોર્ડ રોયલ ઇન્ફરમરી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. જ્હોન રાઇટની છે. 9 એપ્રિલના રોજ ડાયરીમાં ડો. જ્હોન નોંધે છે : “વિશ્વમાં હાલમાં કોરોનાના પાંચ લાખ કેસ છે અને યુ.કે.માં 55,000. અહીં મૃત્યુઆંક 6,000 સુધી પહોંચી ચૂક્યો છે. તમે જ્યારે યુદ્ધના મેદાને હોવ ત્યારે શાંતિથી વિચારવું તમારા માટે અઘરું છે.” ડો. જ્હોને આફ્રિકા અને અન્ય દેશોમાં પ્રસરેલી મહામારીમાં સીધું ફિલ્ડ પર કામ કર્યું છે અને તે અંગે સંશોધન પણ કર્યું છે. 18 એપ્રિલના પોસ્ટમાં તેઓ લખે છે : “અહીંયા બે બાબત અગત્યની છે. પ્રથમ, કોરોના પ્રસરવાની ભીતિ અતિ ગીચ વસ્તીમાં છે અને બીજું જેઓ ડાયાબિટીઝ, બ્લડપ્રેશરથી પીડાતા હોય તે. દક્ષિણ એશિયાના લોકોમાં સામાન્ય રીતે આ બીમારીઓ વધુ જોવા મળે છે.”

ડૉ. જ્હોન રાઇટે આમ પોતાની ઓનલાઇન ડાયરીમાં એવું ઘણું લખ્યું છે જે ડૉક્ટરોએ અને સામાન્ય લોકો માટે ઉપયોગી છે. આ સિવાય પણ વર્તમાનમાં કોરોના ડાયરી લખાઈ રહી છે. અગાઉ મહામારી વિશે લખાયેલી ડાયરીઓની વિગતનાં સંશોધનમાં સેમ્યુઅલ પેપીસનાં નામ સામે આવે છે. સેમ્યુઅલ પેપીસ ઇંગ્લેન્ડ નેવીના વહિવટી અધિકારી અને સાંસદ પણ રહી ચૂક્યા છે. તેઓએ ઇ.સ. 1660થી 1669 દરમિયાન ડાયરી લખી છે, તેમાં લંડનના પ્લેગનું ચિત્રણ જોવા મળે છે. 1965માં લંડનમાં પ્લેગના મોતના આંકડા વિશે સેમ્યુઅલે ડાયરીમાં નોંધ્યું છે :“ઓગસ્ટના અંત સુધી પ્લેગનો મૃત્યુઆંક 6,102 સુધી પહોંચી ચૂક્યો છે, પણ સાચો આંકડો દસ હજાર જેટલો હોઈ શકે છે. જેઓ શહેરી ગરીબવર્ગમાં આવે છે તેઓના મૃત્યુનો સમાવેશ આમાં થયો નથી. સપ્ટેમ્બર આવતા પ્લેગને કાબૂ કરવાના તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યા. ક્વોરન્ટાઇન લાગુ કરવામાં ન આવ્યું અને લોકો રોયલ એક્સેન્જ પર એકત્રિત થતા રહ્યા. સોશિયલ ડિસ્ટન્સિંગ પણ ક્યાંય દેખાતું નહોતું.”

સેમ્યુઅલ પેપીસની ડાયરીનું કવરેજ હાલમાં યુરોપના અનેક અખબારમાં પ્રકાશિત થયું છે. સેમ્યુઅલે લખેલી સ્થિતિ જાણે આજની હોય તેમ લાગે છે. 1918માં કેનેડાના ટોરેન્ટોમાં બાર વર્ષની ફિઓના મેકગ્રેગોરએ પણ સ્પેનિશ ફ્લૂ મહામારી વિશે લખ્યું છે. પોતાના જન્મદિવસે ભેટમાં મળેલી ડાયરીનો ઉપયોગ ફિઓના નામની બાળકીએ પોતાની આસપાસ મહામારીનાં સ્થિતિનું વર્ણન કર્યું છે. આ ડાયરી ‘ઇફ આઇ ડાઇ બિફોર આઇ વેક : ધ ફ્લૂ એપિડેમિક ડાયરી ઑફ ફિઓના મેગગ્રેગોર’ના નામે પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ છે. ન્યૂઝિલેન્ડના એક અનામી સૈનિકે પણ ઇન્ફ્લુએન્ઝાના મહામારીની વિગત પોતાની ડાયરીમાં ટપકાવી છે. 1918માં ઇન્ફ્લુએન્ઝા અંગેની વિગત પોતાની ડાયરીમાં નોંધી હોય તેવા નામોમાં ફિઝિશિયન ફ્રેન્કલિન માર્ટીન, અમેરિકાના‘વર્મન્ટ હિસ્ટોરીકલ સોસાયટી’ના તત્કાલિન લાઇબ્રેરીયન બી.ઇ. કેન્ટ અને અમેરિકના સૈનિક ડોનાલ્ડ વોલેસ પણ છે.

આ સિવાય પણ સંશોધન આધારે મહામારીમાં લખાયેલાં ડાયરી લેખકોના અનેક નામો બહાર આવી શકે. મહામારીનો નજદીકી અનુભવ આ ડાયરીઓમાં નોંધાયાં છે. મીડિયા અને સરકાર દ્વારા જ્યારે આવી કટોકટીની વાસ્તવિકતા અસ્પષ્ટ રીતે રજૂ થાય ત્યારે આ ડાયરીની ઉપયોગિતા ખૂબ વધી જાય છે.