ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): વિશ્વના એક આગેવાન મલેશિયન ઉત્પાદક પર અમેરિકાએ આયાત નિયંત્રણો મૂક્યાના અહેવાલ પછી પામ ઓઈલ ફરી સમાચારનું મથાળું બન્યું હતા. આ એક એવું પગલું છે જેમાં નિકાસકાર દેશે તેની ઔદ્યોગિક છાપને વધુ સાફસુથરી બનાવવી આવશ્યક થઇ પડશે. શુક્રવારે બુર્સા મલેશિયા ડેરીવેટીવ્ઝ એક્સ્ચેંજ પર ડીસેમ્બર ક્રુડ પામ ઓઈલ (સીપીઓ) વાયદો ૨.૩ ટકા વધીને ટન દીઠ ૨૭૭૭ રીંગીટ (૬૬૯.૬૪ ડોલર) મુકાયો હતો. સપ્ટેમ્બર મહિનામાં ૧.૨ ટકા ભાવ ઘટાડો થયો હતો, જે એપ્રિલ પછીનો પહેલો માસિક ઘટાડો હતો.

અમેરિકન કૃષિ મંત્રાલયે ધારણા કરતા વધુ ઓછો વર્ષાંત સોયાબીન સ્ટોક રજુ કર્યા પછી શિકાગો સોયાબીન વાયદો વધી આવતા, તેનું અપેક્ષિત પ્રતિબિંબ સીપીઓ બજાર પર પડ્યું હતું. સીપીઓ વાયદો મજબુત થવામાં સોયા કોમ્પલેક્સની ભૂમિકા સાથે બારગેન બાયરોનું લેણ પણ આવ્યું હતું. આખા વિશ્વની ખાદ્યતેલ બજારમાં પામ ઓઈલનો બજાર હિસ્સો સૌથી મોટો ૩૧ ટકા છે ત્યારે અન્ય તેલોમાં થતી ભાવની અફડાતફડીની અસર પામતેલ પર થવી આવશ્યક છે. 

૨૦૧૯મા આખા વિશ્વમાં ૭૪૬ લાખ ટન પામતેલની નિકાસ થઇ હતી. ૨૦૨૦થી ૨૦૨૭ સુધીમાં વાર્ષિક ૨.૩ ટકાના દરે જાગતિક પામોઈલની માંગ વૃદ્ધનો અંદાજ બાંધવામાં આવ્યો છે. વાર્ષિક ૭૪૮ લાખ ટન નિકાસબજાર હિસ્સો ધારવતા સ્પર્ધાત્મક પામ ઓઈલનાં ભાવ આંદોલિત થયા હતા. કાર્ગો સર્વેયર એએમસ્પેક એ કહ્યું હતું કે સપ્ટેમ્બરમાં મલેશિયન પામતેલની નિકાસ ૧૦.૫ ટકા વધી હતી, આ ડેટાએ પણ ભાવને ટેકો આપ્યો હતો. મલેશિયન પામ ઓઈલ કંપની આઈઓઆઈ ગ્રુપ કહે છે કે વર્ષાંત સુધીમાં પામતેલના ભાવ ઘટી શકે છે. 

સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી તબક્કાવાર સુપર પ્રોડક્શન સાયકલ (પામના ઝાડ પર વધુ ફ્રુટ લાગવાની મોસમ) શરુ થતી હોવાથી એક તરફ પામ ઓઈલનો પુરવઠો વધશે, બીજી તરફ મોટા આયાતકાર દેશોએ સારો એવો માલ આયાત કરીને રી-સ્ટોકીંગ કર્યું છે, તેથી નિકાસ માંગ ઘટશે. એ જોતા ભાવને નીચે જવાનું દબાણ વધશે. કોરોના મહામારીના આરંભિક દિવસોમાં આયાતકાર દેશોની માંગ ઘટી હતી, ત્યાર બાદ ભારત અને ચીન ખાતે નિકાસમાં વધારો જોવાયો હતો. 

ઇન્ડોનેશિયા પછી મલેશિયા બીજા નંબરના સૌથી મોટો પામ ઓઈલ દેશ છે. આ બન્ને દેશ મળીને જગત આખાને પોતાના કુલ ઉત્પાદનમાંથી ૬૫ અબજ ડોલરનું ૮૫ ટકા પામ ઓઈલ નિકાસ કરે છે. આખા જગતમાં કુલ ૨૪૩૦ લાખ ટન ખાદ્યતેલનું ઉત્પાદન થાય છે તેમાં પામ ઓઈલનો હિસ્સો સૌથી મોટો ૭૯૫ લાખ ટન, સોયાતેલ ૫૬૭.૫ લાખ ટન, રાયડા તેલ ૨૪૭.૩ લાખ ટન, સનઓઈલ ૨૧૯.૪ લાખ ટન, કોટન ઓઈલ ૪૪.૧ લાખ ટન, અને સિંગદાણા તેલ ૪૩.૭ લાખ ટનનો સમાવેશ થાય છે.

મલેશિયન પામ ઓઈલ ઉત્પાદક એફજીવી હોલ્ડીંગ્સ બેહેડ્સ પામ ઓઈલમાં ભેળસેળ કરે છે, તે સેક્સપાવર ઘટાડે છે, સાથે જ શારીરિક સમસ્યાઓ પેદા કરે છે, એક વર્ષની તપાસને અંતે આવા આક્ષેપ સાથે અમેરિકન કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શને ઉક્ત કંપનીની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે. અલબત્ત, અમેરિકાના આ પગલાની ભાવ પર કોઈ અસર નહિ પડે કારણ કે આયાતકારો અન્ય પ્લાન્ટેશન પાસેથી આયાત કરીને ખાધ પુરવણી કરશે.   

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) તા. ૨-૧૦-૨૦૨૦