ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): ભારતમાં લીમોઝીન અને હાઈબ્રીડ પેટ્રોલ કારના સાયલેન્સર (ધુમાડીયા)માં લાગેલા કેટાલીટીક કન્વર્ટર (ધુમાડા નિયંત્રક)ની ચોરી ભયંકર પ્રમાણમાં વધી ગઈ હોવાથી શેરીમાં પાર્ક કરતા આવી કારના માલિકો સાવધાન થઇ જાય. દેશભરમાં આવા કેટાલીટીક કન્વર્ટરની ચોરીના કિસ્સાઓની તપાસ ડિટેકટીવ એજન્સી અને પોલીસની તપાસનો એક હિસ્સો બની ગયા છે. હાઈબ્રીડ કારમાના સાયલેન્સરની ચોરીના કિસ્સા સૌથી વધુ ગુજરાતમાં બની રહાનો દાવો પોલીસે કર્યો છે. મુંબઈ અને ગુજરાતના આવા ચોરટાઓની આખી એક ગેંગ સક્રિય થઇ છે, જેઓ હવે પોલીસના ચોપડે ચડ્યા છે. 

આવા કેટાલીટીક કન્વર્ટરમાં મળી આવતી પેલેડીયમ ધાતુના ભાવ છેલ્લા બેત્રણ મહિનામાં આસમાને ગયા છે. ભારતમાં ૧૦ ગ્રામ પેલેડીયમ રૂ. ૫૯૦૦૦ ઉપજે છે. જાગતિક બજારમાં તેનો ભાવ પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ)નો ભાવ ૨૪૧૦ ડોલર ગુરુવારે બોલાય હતા. મહત્તમ હાઈ પ્રાઈસ પેટ્રોલ કારનાં કેટાલીટીક કન્વર્ટર સરેરાશ બે ગ્રામ અને લાખો રૂપિયાની લીમોઝીન કારમાં ૭ ગ્રામ જેટલી પેલેડીયમ અથવા રોહડીયમથી કેટાલીટીક કન્વર્ટર બને છે. એક વખત આ પાર્ટ ચોરી જાય એટલે તેનો વિકલ્પ ગોતવો કાર માલિક માટે કઠીન થઇ પડે છે. 

આણંદ અને ખેડામાંથી એકજ ગેંગે તાજેતરમાં ૨૩ કન્વર્ટર ચોર્યાનો કેસ ઉકેલનારા લોકલ ક્રાઈમ બ્રાંચ ઇન્સ્પેકટર કિરણ ચૌધરીએ કહ્યું કે લીમોઝીન અને હાઈબ્રીડ કારમાં કેટાલિટીક કન્વર્ટરનું કુલ વજન ૯૦૦ ગ્રામ જેટલું હોય છે. તેમાં જુદી જુદી કિંમતની કારમાં કોઈ એક કિંમતી ધાતું પેલેડીયમ, પ્લેટીનમ અને રોહડીયમનો વપરાશ થાય છે. આવી ઉંચી કિમતના કારમાંથી ચોરેલ પ્રત્યેક કેટાલિટીક કન્વર્ટરને મુંબઈ સ્થિત આ ગેંગનાં હેડકવાર્ટરને પ્રતિ કિલો રૂ. ૧૧૦૦૦થી ૧૫૦૦૦માં વેચી દેવામાં આવે છે. 

મુંબઈની ગેંગ અગાઉ આ કામ કાર રીપેર ગેરેજ માલિકોને સોંપતા. પણ પેલેડીયમ, રોહડીયમ, પ્લેટીનમનાં ભાવ આસમાને જતા હવે આ કામ માટે આખી ગેંગ તૈયાર કરવામાં આવી છે જે દેશના તમામ રાજ્યોના મોટા શહેરોમાં કેટાલિટીક કન્વર્ટર ચોરી કરવામાં પ્રવૃત છે. આવા કેટાલીટીક કન્વર્ટર, કારના સાયલેન્સર (ધુમાડીયા) પાઈપમાં બેસાડવામાં આવે છે. આવી ચોરી કરવા ચોરને કારની નીચે સુઈને હાઈ પાવર કટિંગ ટુલ્સથી કેટાલીટીક કન્વર્ટર બોક્સને છુટું પડવાનું હોય છે.

પોલીસે આવા કેટાલીટીક કન્વર્ટરની ચોરી અટકાવવા કેટલાંક સલામતી ઉપાય સૂચવ્યા હતા. કેટાલીટીક કન્વર્ટરને ઓળખવા માટે તેના પર લાર લેતી વખતે જ નંબરીંગ કરવાનો આગ્રહ રાખો. કેટાલીટીક કન્વર્ટર જ્યાં આવ્યું હોય ત્યાં સલામત અને મજબુત કવરીંગ કરાવો. સીસી ટીવી અને એલાર્મ લગાવો. કાર ને એવી જગ્યાએ પાર્ક કરો જ્યાંથી ચોરને ચોરી કરવી અઘરી પડી જાય.

પેલેડીયમના ભાવ મે મહિના સુધી સુસુપ્તાવસ્થામાં હતા. જુલાઈમાં ચાર મહિનાની ઉંચાઈએ ૨૪૨૦ ડોલર મુકાયા હતા, જે વાર્ષિક ૨૧ ટકાની વૃદ્ધિ દાખવતા હતા. ૧૭ માર્ચની ૧૩૫૫ ડોલરની બોટમથી ભાવ ૮૦ ટકા કરતા વધુ વધુ વધી ગયા છે. સોનાની તેજીએ પણ પેલેડીયમ પ્લેટીનમની તેજીને હુંફ આપી છે. સામાન્ય રીતે આ ધાતુમાં મોટી અફડાતફડી જોવા નથી મળતી.       

(અસ્વીકાર સુચના: commoditydna વેબસાઈટ અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલા આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)