પાલનપુરમાં એક યુવકે ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે. તે સુરતમાં છેલ્લા દસ વર્ષથી પ્રેમીકાની સાથે રહ્યો તે જ પ્રેમીકા દગો કરી દાગીના અને પૈસા લઈ ફરાર થઈ ગઈ હતી. જેને પગલે લાગી આવતા તેણે અંતિમ પગલું ભર્યું હતું. બંને છેલ્લા દસ વર્ષથી લીવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા. જોકે યુવતી અગાઉથી જ પરિણીત હતી.

પાલનપુરના ગઠામણ દરવાજા ખાતે રહેતો દિનેશ પ્રજાપતિ સુરતમાં ચોકલેટની એજન્સીનો ધંધો કરતો હતો. તે આ દરમિયાન સુરતમાં જ એક સપના પારેખ સાથે સંપર્કમાં આવ્યો અને બંને વચ્ચે પ્રેમ થયો હતો. તેઓ છેલ્લા દસ વર્ષ જેટલા લાંબા સમયથી લીવ-ઈન રિલેશનમાં રહેતા હતા. સપનાના અગાઉ લગ્ન થઈ ગયેલા હતા અને તે સબંધમાં તેને એક સંતાન પણ હતું.

સપના ત્રીજા નોરતા વખતે દિનેશના ઘરેથી દાગીના અને રોકડ રકમ લઈ ભાગી ગઈ હતી. દસ વર્ષના પ્રેમમાં દગો મળતાં દિનેશ આઘાતમાં સરી પડ્યો હતો અને તેને હવે આગળ જીવાશે નહીં તેવી અનુભુતી થવા લાગી હતી. તે બાદમાં પોતાના વતન પાલનપુર ખાતે આવી ગયો હતો જ્યાં તેણે આ બાબત પોતાની માતાને જણાવી હતી. દિનેશે સપનાને ફોન કરીને ઘણીવાર સમજાવવાના પ્રયત્નો પણ કર્યા હતા.

શુક્રવારે વહેલી સવારે પાલનપુર ખાતેના પોતાના વતને તેણે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેને કારણે દિનેશનું મોત થયું હતું. આ મામલે પોલીસ ફરિયાદ થઈ હતી અને પોલીસે દિનેશનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.