દેવલ જાદવ (મેરાન્યૂઝ.પાલનપુર): ભાદરવી પૂનમ આવતાં જ અંબાજીમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થઈ જાય છે. પણ અત્યારના સમયમાં કોરોનાના ભયના કારણે ભાદરવી પૂનમે અંબાજીમાં યોજાતો મેળો રદ કરવામાં આવ્યો છે જ્યારે શ્રદ્ધાળુઓ માટે મંદિરમાં દર્શન કરવાની પરવાનગી આપવામાં આવી છે. જેના કારણે સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજીના દર્શન કરવા આવી રહ્યા છે.

અંબાજીમાં મોટી સંખ્યા લોકો આવી રહ્યા હોવાને કારણે પાલનપુર કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા દ્વારા અંબાજી ટાઉનમાં કોઈ પણ જાતના લાઉડ સ્પીકર કે ઊંચા અવાજ વાળા યંત્રો વગાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ભાદરવી પૂનમના કારણે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવતા હોય છે અને ડીજે, લાઉડ સ્પીકર વગાડીને ધ્વનિ પ્રદુષણ કરતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને પાલનપુર ડિસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટ આનંદ પાટે દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને કોઈ પણ જાતના ધ્વનિ પ્રદુષણ કરતા યંત્રો પર તારીખ 16 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

Advertisement


 

 

 

 

 

આ ઉપરાંત તારીખ 16 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધી અંબાજી-દાંતા, અંબાજી-અબુરોડ અને અંબાજી-હડાદ હાઈવેને નો પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ સમય દરમિયાન અંબાજી ટાઉન તથા આજુબાજુના વિસ્તારોમાં પશુઓ લાવવા અને લઈ જવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.  અને અંબાજી ટાઉન તથા ત્યાંથી પસાર થતારસ્તાઓ પર રસ્તાઓ પર કોઈ પણ પ્રકારના કાર્યક્રમો કરવા પર પાલનપુર કલેક્ટરે પ્રતિબંધ મુક્યો છે.