જયેશ શાહ (મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છ): કરતારપુર કોરીડોરને બહાને દોસ્તીનો પૈગામ આપતા પાકિસ્તાન દ્વારા ગુજરાત-કચ્છનાં જળ વિસ્તારમાં આવેલી સરક્રિકમાં તુર્કીસ્તાનની બનાવટની મીની સબમરીન તૈનાત કરી છે. શાંતિના દેખાવ પૂરતા માહોલ વચ્ચે પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલી આ તૈયારીથી ભારતીય સુરક્ષા દળો પણ ચોંકી ઉઠ્યા છે. બીજી તરફ ઇન્ટેલિજન્સ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાપાક પાડોશી દેશ દવારા ભારતમાં ટાર્ગેટ કરવાનું એક નવું લિસ્ટ બનાવ્યું છે. જેમાં ગુજરાતનાં, ખાસ કરીને કચ્છમાં આવેલા મહત્વપૂર્ણ વ્યૂહાત્મક સ્થળોને ટાર્ગેટમાં લેવાની વાત બહાર આવી છે. આ નવા 'નાપાક' લિસ્ટમાં પોરબંદરના નેવલ બેઝ ઉપરાંત કચ્છમાં આવેલા ભુજ અને નલિયા ઐરબેઝનું નામ બીજા જ ક્રમે હોવાને કારણે ભારતીય સુરક્ષા દળો ઉપરાંત ઇન્ટેલિજન્સ એજન્સીઓ ચોંકી ઉઠી છે.

થોડા દિવસ પહેલા જ તુર્કીનાં સેનાધ્યક્ષની પાક મુલાકાત બાદ સરક્રિકના એરિયા માટે ખાસ તૈયાર કરવામાં આવેલી મીની સબમરીન હાલ કરાંચીના કેટી બંદર પાસેનાં કિયોમારી પોર્ટ ઉપર રાખવામાં આવી છે. જે ટૂંક સમયમાં કચ્છને અડીને આવેલા પાકના ક્રિક એરિયામાં ફરતી થઈ જશે. ભારતીય સુરક્ષા દળો દ્વારા પણ આ અંગે દિલ્હીને જાણ કરી દેવામાં આવી હોવાનું ઇન્ટેલનાં સૂત્રોએ દાવો કર્યો છે. પરંપરાગત સબમરીન કરતા બહુ નાની આ ટર્કીશ બનાવટની પનડુબ્બીને ડિટેકટ કરવી મુશ્કિલ હોવાને કારણે સમગ્ર મામલો ચિંતાનો વિષય હોવાનું ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સીના સૂત્રો માની રહ્યા છે.

ક્રિકના છીછરા પાણીમાં હાલની સબમરીન કામ ન લાગતી હોવાની સ્થિતિમાં આ નવી મીની સબમરીન નાપાક ઈરાદા પાર પાડવા માટે તૈનાત કરવામાં આવી રહી હોવાનું પણ સૂત્રોએ દાવો કર્યો છે. નવી નાની સબમરીનનાં આવવાથી અત્યાર સુધી પાક દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી ઇટાલિયન બનાવટની એમજી 110 પનડુબ્બીને હટાવવામાં આવશે. નવી આવેલી ચાર સબમરીનમાં પાકિસ્તાનના સ્પેશિયલ સર્વિસ ગ્રૂપનાં નેવલ કમાન્ડોઝ તૈનાત રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે.

એક તરફ જયાં પાકિસ્તાન ક્રિક સહિતના દરિયાઈ વિસ્તારમાં તેનો ભરડો વધારી રહ્યું છે તેવામાં તેના નવા ટાર્ગેટ લિસ્ટમાં ગુજરાતના પોરબંદર નેવલબેઝ ઉપરાંત કચ્છનું નલિયા,ભુજ અને જામનગર એરબેઝ બીજા જ ક્રમે હોવાને કારણે અહીં સુરક્ષા વ્યવસ્થા ટાઈટ કરી દેવામાં આવી છે. નવા નાપાક ટાર્ગેટ લિસ્ટમાં કચ્છનાં કંડલા બંદર ઉપરાંત સિક્કા પોર્ટ, જામનગરની રિલાયન્સ ઓઇલ રિફાઇનરીનો સમાવેશ થાય છે.

બીએસેફનું લખપત-કોટેશ્વર પણ ટાર્ગેટમાં

સામાન્ય રીતે અત્યાર સુધી મહત્વપૂર્ણ કહી શકાય તેવા વાઈટલ ઇન્સ્ટોલેશનને ટાર્ગેટમા લેવાની વાત બહાર આવતી હતી. પરંતુ આ વખતે કચ્છમાં આવેલા નાના કહી શકાય તેવા ડિફેન્સ બેઝને પણ ટાર્ગેટ લિસ્ટમાં મુકવાની વાત આવી છે. સૂત્રોનું માનીએ તો કચ્છનાં કોટેશ્વર અને લખપત ખાતે આવેલા સીમા સુરક્ષા દળના યુનિટને એટલા માટે લેવામાં આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે કે, ત્યાં ત્રણસોથી વધુ જવાનો તૈનાત રહેતા હોય છે. વળી આ બંને જગ્યા એવી છે, જયાંથી ક્રિક એરિયામાં જવા માટે ભારતીય જવાનો ઉપયોગ કરતા હોય છે. કોટેશ્વરથી સરક્રિક અને લખપતથી હરામીનાળા જઈ શકાય છે.