મેરાન્યૂઝ નેટવર્ક.ઈસ્લામાબાદઃ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોના તણાવ વચ્ચે ગુરુવારે કાંઈક એવું બન્યું જેની દરેક વ્યક્તિ પ્રશંસા કરશે. બન્યું એવું કે 150 યાત્રિઓને લઈને જયપુરથી મસ્કટ જઈ રહેલું એક ભારતીય પ્લેન પાકિસ્તાની હવાઈ વિસ્તારમાં ઘણા ખરાબ મોસમમાં ફસાઈ ગયું હતું. પ્લેન પર આકાશીય વીજળી પડી અને અચાનક જ પ્લેન 2 હજાર ફુટ નીચે આવી ગયું. પાયલટે મદદ માટે તુરંત તમામ નજીકના એર ટ્રાફીક કંટ્રોલર્સને એલર્ટ મોકલ્યું. વિમાનને જોખમમાં જોઈ પાકિસ્તાની એર ટ્રાફિક કંટ્રોલર (એટીસી) તુરંત હરકતમાં આવ્યું અને તેણે દુર્ઘટનાનો શિકાર થતાં પ્લેનને બચાવી લીધું. આપને જણાવી દઈએ કે ગુરુવારે પાકિસ્તાનમાં વાતાવરણ એટલું ખરાબ હતું કે તે દિવસે આકાશીય વીજળી પડવાથી 20 લોકોના મોત થઈ ગયા હતા.

પાકિસ્તાની સિવિલ એવિએશન ઓથોરિટીના એક એર ટ્રાફીક કંટ્રોલરની સતર્કતાએ અંદાજીત 150 યાત્રિઓને લઈ જઈ રહેલા પ્લેનને દુર્ઘટનાગ્રસ્ત થતાં બચાવી લીધું હતું. ભારતીય વિમાનના પાયલટ તરફથી ઈમર્જન્સી સંદેશ મળ્યાના બાદ પાક એટીસી તુરંત હરકતમાં આવી અને વિમાનને સુરક્ષિત રસ્તો બતાવ્યો હતો. વિમાન એ વખતે કરાંચી ક્ષેત્રની ઉપરથી ઉડાન ભરી રહ્યું હતું. તેની ઊંચાઈ 36000 ફૂટ હતી જે વીજળી પડ્યા પછી 34000 ફૂટ સુધી આવી ગઈ હતી. જેથી પાયલટે ઈમર્જન્સી પ્રોટોકોલ મુજબ એલર્ટ આપ્યું અને પાસેના સ્ટેશન્સને જોખમની સૂચના આપી હતી.

પાકિસ્તાની એટીસીએ આ ચેતવણીની તુરંત પ્રતિક્રિયા આપતા આસપાસના વિસ્તારમાં વિમાનને બાકીના સફર માટે પાકિસ્તાની એર સ્પેસમાં હવાઈ યાત્રાનો નિર્દેશ આપ્યો. એટીસીએ ભારતીય વિમાનને ત્યાં સુધી રસ્તો બતાવ્યો જ્યાં સુધી તે પાકિસ્તાની હવાઈ સીમાથી સુરક્ષિત બહાર ન નીકળી ગયું. આપને જણાવી દઈએ કે આ વર્ષે ભારત સાથેના સંબંધો વણસ્યા બાદ અંદાજીત 5 મહિનાના પ્રતિબંધ પછી પાકિસ્તાને 16 જુલાઈએ પોતાના હવાઈ વિસ્તારને ભારત માટે ખોલી દીધો હતો. બાલાકોટ હુમલા પછી પાકિસ્તાને 26 ફેબ્રુઆરીએ પોતાનું હવાઈ ક્ષેત્ર ભારત માટે બંધ કરી દીધું હતું.