ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): માંગ અને પુરવઠા વચ્ચેનો ગેપ પૂર્ણ કરવા પાકિસ્તાને આ વર્ષે ૩૫ લાખ ગાંસડી (૧૭૦ કિલો પ્રત્યેક) રૂ આયાત કરવી પડશે, આમાની મહત્તમ આયાત ભારતમાંથી કરવી આવશ્યક થઈ પડશે, એમ એક પાકિસ્તાની રૂ ટ્રેડરે કોમોડીટીડીએનએ ડોટકોમને જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ભારતથી રૂની ડિલિવરી ચારપાંચ દિવસમાં થઈ શકે છે અને ભારત સિવાય અન્ય દેશથી આયાત મોંઘી પડશે. પાકિસ્તાનના આ ટ્રેડરે કહ્યું કે આ અંગેની આંતરિક વાટાઘાટો શરૂ થઈ ગઈ છે અને વડાપ્રધાનના આખરી નિર્ણયની રાહ જોવાઈ રહી છે.

પાકિસ્તાન, બ્રાજીલ અને અમેરિકામાં આ વર્ષે રૂ ઉત્પાદન ઘટ્યું છે. અમેરિકન કૃષિ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાનમાં આ વર્ષે રૂ ઉત્પાદન ગતવર્ષ કરતાં ૨૭ ટકા ઘટીને ૪૫ લાખ ગાંસડી આવશે, જે ૩૬ વર્ષમાં સૌથી ઓછું હશે. કોટન એસોસિયેશ ઓફ ઇન્ડિયાએ ભારતનનો ઉત્પાદન ૩૬૦ લાખ ગાંસડી મૂક્યો છે. વેપારીઓનું માનવું છે કે ૧૨૫ લાખ ગાંસડી સ્થાનિક અને નિકાસ બજારમાં વેચ્યા પછી કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા પાસે ૬૫ લાખ ગાંસડી સ્ટોકમાં પડી છે. સીએઆઈ અને ગુજરાત કોટન ટ્રેડર્સ એસોસિયેશન મુજબ નિકાસ બજાર માટે સંકર-૬ ગુજરાતનાં ભાવ ખાંડી દીઠ ૪૬,૦૦0થી ૪૬૫૦૦ આસપાસ ઓફર થઈ રહ્યા છે.    

ઇન્ટરનેશનલ કોટન એડવાઈઝરી કાઉન્સિલે તેનો વૈશ્વિક રૂ ઉત્પાદન અંદાજ અગાઉના ૨૪૯ લાખ ટન કરતાં ઘટાડીને ૨૪૭ લાખ ટન મૂક્યો છે. ગત મોસમનું ઉત્પાદન ૨૬૨ લાખ ટન હતું. કાઉન્સિલે ૨૦૨૦-૨૧નો રૂ વપરાશ અંદાજ વધારીને ૨૪૫ લાખ ટન મૂક્યો છે, જે ગતવર્ષે ૨૨૮ લાખ ટન હતો. ૨૦૨૧માં અત્યાર સુધીમાં ભારતમાં રૂના ભાવ ૧૩ ટકા વધ્યા હતા, એકલા ફેબ્રુઆરીમાં ૧૦ ટકા વધ્યા હતા.


 

 

 

 

 

ઇમરાન ખાને ગત સપ્તાહે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામના કરારને આવકાર્યા હતા અને કહ્યું હતું કે બે દેશ વચ્ચે વિવાદના તમામ મુદ્દાનો ઉકેલ લાવવા સંનિષ્ઠ વાટાઘાટો થકી પ્રયાસો કરવામાં આવશે. વડાપ્રધાનના વાણિજ્ય સલાહકાર અબ્દુલ રજાક દાઉદે કહ્યું હતું કે દેશના વાર્ષિક રૂ વપરાશનો અંદાજ ૧૨૦ લાખ ગાંસડી છે. નેશનલ ફૂડ સિક્યુરિટી એન્ડ રિસર્ચ મંત્રાલયના અનુમાન પ્રમાણે આ વર્ષે રૂ ઉત્પાદન ૭૭ લાખ ગાંસડી આવશે. અલબત્ત, પાકિસ્તાનના કોટન જિનર્સો કહે છે કે પાક માત્ર ૫૫ લાખ ગાંસડી આવશે.

જો કે ઓલ પાકિસ્તાન ટેક્સટાઇલ મિલ્સ એસોસિયેશને ભારતમાંથી રૂની આયાત નહીં કરવા, સરકાર ઉપર દબાણ વધારી દીધું છે. આ તરફ ભારતની રેટિંગ એજન્સી ઇન્ડ-રા કહે છે કે અમેરિકન સરકાર તરફથી ચીનના સેંગજિયાંગ વિસ્તારમાંથી રૂ આયાત પર અંકુશો મૂક્યા હોવાથી રૂના ભાવ વધવા લાગ્યા છે. આને લીધે ભારતના રૂ નિકાસકારો અને સ્પીનરો લાભ થવાનો છે.

નબળો પુરાંત સ્ટોક, ચીનની વધતી આયત માંગ અને ૨૦૨૦-૨૧ (ઓગસ્ટ-જુલાઇ) માર્કેટિંગ મોસમમાં પાકના અંદાજો ચાર વર્ષના સૌથી ઓછા મૂકાતા, જાગતિક બજારમાં ભાવો આસમાને જવા લાગ્યા છે.

આ બધા સમાચારોને પગલે જાગતિક બજારમાં તેજીનો આંતરપ્રવાહ જામ્યો છે. સ્ટોનએક્સ ગ્રુપ કહે છે કે ઊંચા ભાવે પણ માંગ મજબૂત રહી છે. રૂ બજાર હજુ ઓવરબોટ પોજીશનમાં નથી આવી, આઈસીઇ રૂ વાયદાનું હવે પછીનું લક્ષ્યાંક ૯૬.૫૦ સેંટનું છે. બુધવારે મે વાયદો ૯૧.૧૨ સેંટ મુકાયો હતો.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)