મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ભારતીય સૈન્ય દળોએ સરહદ પર પાકિસ્તાનને જવાબ આપતાં તેના 3 જવાનોને ઠાર કર્યા છે. પાકિસ્તાનની તરફથી કરાયેલા સીઝફાયર ઉલ્લંઘન બાદ જવાબી ફાયરિંગમાં પાકિસ્તાની સેનાના 3 જવાનોને ઠાર કરાયા છે. તેની પૃષ્ટી પાકિસ્તાન સૈન્ય દળોના મીડિયા વિંગ આઈએસપીઆરએ પ્રેસ રિલીઝ જાહેર કરીને કરી છે.

તેમાં જણાવાયું કે, રાવલકોટ સેક્ટરથી અડીને આવેલી એલઓસી પર તેમની ટુકડીના ત્રણ જવાન ભારતીય સેનાના ફાયરિંગમાં માર્યા ગયા છે. જોકે ભારતીય સેનાનો દાવો છે કે એલઓસી પર સીઝફાયર ઉલ્લંઘન બાદ ભારતની તરફથી મોટી કાર્યવાહીમાં થયેલા નુકસાનને પાકિસ્તાન ઓછું કરીને દર્શાવી રહ્યું છે.

ભારતીય સૈન્ય દળોના સૂત્રો અનુસાર, પાકિસ્તાન ભલે જ 3 જવાનોના મોતની વાત કરી રહ્યું હતું પરંતુ ત્યાં નુકસાન તેનાથી પણ વધુ થયું છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ કશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પર પાકિસ્તાની સેના તરફથી સોમવારે કરાયેલી મોટી બોમ્બબારીમાં બીએસએફના એક ઈન્સપેક્ટર શહીદ થઈ ગયા છે. ત્યાં પાંચ વર્ષની બાળકી સહિત બે વ્યક્તિઓના મોત થઈ ગયા છે. તેમાં અન્ય 24 લોકો ઘાયલ થયા છે.

પાકિસ્તાને પુંછ અને રાજૌરી જિલ્લામાં સતત ચૌથા દિવસે સંઘર્ષવિરામનું ઉલ્લંઘન ચાલું રાખતા સોમવારે પુંછ સેક્ટરની અગ્રીમ ચૌકી પર બોમ્બ ફેંક્યા હતા, જેનાથી બીએસએફની 168 બટાલિયનના ઈન્સપેક્ટર એલેક્સ લાલમિનલુમ સહિત પાંચ કર્મચારી ઘાયલ થયા હતા. અધિકારીઓએ કહ્યું કે બાદમાં બીએસએફ ઈન્સપેક્ટરે દમ તોડી દીધો હતો. તેમના અનુસાર સોમવારે બપોરે શાહપુર ઉપ-સેક્ટરના એક ગામમાં એક ઘરની નજીક બોમ્બ પડવાથી સોબિયા (ઉં. 5)નું મોત થઈ ગયું અને બે અન્ય ઘાયલ થયા હતા.