મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પુલવામા હુમલા બાદ ૧૩મા દિવસે ૨૬મી ફેબ્રુઆરીએ ભારત દ્વારા એર સ્ટ્રાઈક કરી પાકિસ્તાનમાં જૈશ એ મહોમ્મદના ઠેકાણા ધ્વસ્ત કરી દેવાયા હતા જે પછી ભારત પાકિસ્તાન વચ્ચે તંગદીલી વધી ગઈ છે. બોર્ડર પર પાકિસ્તાન દ્વારા દાવો કરાયો છે કે તેણે ભારતના બે વિમાન તોડી પાડ્યા છે અને બે પાયલટની ધરપકડ થઈ છે. પાકિસ્તાની સેના તરફથી એક વીડિયો વાયરલ કરાયો જેમાં ભારતીય વિંગ કમાન્ડર અભિનંદનની ધરપકડ કરાઈ હોવાનો દાવો કર્યો છે. જ્યારે બીજી બાજુ પાકિસ્તાની કાર્યવાહીનો ખુલાસો કરતાં ભારતીય વાયુસેનાએ કહ્યું કે આ કાર્યવાહીમાં ભારતનું મીગ ૨૧ ધ્વસ્ત થયું છે અને એક પાયલટ ગુમ છે. પાકિસ્તાનમાં બાલાકોટમાં વાયુસેનાના હવાઈ હુમલાથી ગભરાયેલાં પાકિસ્તાને બુધવારે સવારે ભારત હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું હતું. જોકે તેમાં પણ જેમાં ત્રણ વિમાને પૂંછ અને રાજૌરીમાં વાયુક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું. પરત થતાં સમયે તેઓએ કેટલાંક બોમ્બ પણ ફેંક્યા. જોકે ભારતની તાત્કાલિક કાર્યવાહી પછી પાકિસ્તાનના વિમાન પરત ફર્યાં હતા. ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનનું F-16 વિમાન તોડી પડાયું છે. આ દરમિયાન ભારત-પાકિસ્તાનનાં તણાવ વચ્ચે પીએમ મોદીના ઘરે હાઈ લેવલની બેઠક પણ કરવામાં આવી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું કે, ભારતની એર સ્ટ્રાઈકના જવાબમાં પાકિસ્તાન દ્વારા એક્શન લેવામાં આવ્યા છે. ભારતે પણ પાકિસ્તાનના એક્શનનો કડક જવાબ આપ્યો છે અને તેમનું લડાકુ વિમાન તોડી પાડ્યું છે. જોકે આ કાર્યવાહીમાં ભારતનું પણ એક લડાકી પ્લેન MI-21 ક્રેશ થયું છે અને આપણો એક પાયલટ પણ ગુમ છે. પાકિસ્તાનનો દાવો છે કે, ભારતીય પાયલટ તેમની કસ્ટડીમાં છે. ભારત પાકિસ્તાનના આ દાવાની ચોક્કસ તપાસ કરી રહ્યું છે. વિદેશ મંત્રાલયની પ્રેસ બ્રીફિંગમાં રવીશ કુમારની સાથે એર વાઈસ માર્શલ આર.જી.કે કપૂર પણ તેમની સાથે હાજર હતાં.

પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે દાવો કર્યો છે કે, પાકિસ્તાને બે ભારતીય પાયલટની ધરપકડ કરી છે. તેમાંથી એક ઘાયલ છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે સાથે જ ગફૂરે દાવો કર્યો છે કે, પાયલટ્સ પાસેથી અમુક દસ્તાવેજો પણ મળી આવ્યા છે. પાકિસ્તાને જે બે વિમાન તોડી પાડ્યા છે તેમાંથી એક જમ્મુ-કાશ્મીરમાં પડ્યું છે અને એક પીઓકેમાં પડ્યું છે. પાકિસ્તાની મીડિયા તરફથી અન્ય એખ વીડિયો જાહેર કરીને એક ઘાયલ પાયલટને પણ બતાવવામાં આવ્યો છે. પાકિસ્તાનનો દાવો છે કે, આ બીજો ભારતીય પાયલટ છે.

જોકે પાકિસ્તાન દ્વારા આ બીજો દાવો કરવામાં આવ્યો છે તે ખોટો છે. તેમણે જૂનો વીડિયો જાહેર કર્યો છે. આ સૂર્યકિરણ એરક્રાફ્ટનો પાયલટ છે જે થોડા દિવસ પહેલાં બેંગલુરુમાં ક્રેશ થયું હતું.

જે વીડિયો વાયરલ થયો છે તેમાં એક વ્યક્તિની આંખો પર પટ્ટી બાંધેલી છે. તે પોતાની જાતને વિંગ કમાન્ડર અભિનંદન ગણાવી રહ્યો છે. તે વ્યક્તિ કહી રહ્યો છે કે, તે ભારતીય વાયુસેનાનો ઓફિસર છે અને તેનો સર્વિસ નંબર 27981 છે. જોકે આ વીડિયોની સત્યતા વિશે હજી કોઈ પુષ્ટિ થઈ નથી. ઉપરાંત ટ્વીટર પર પણ લોકોએ આ અધિકારીને માર મરાતો હોવાનો વીડિયો પણ વાયરલ કર્યો છે જે વીડિયો અહીં દર્શાવવામાં આવ્યો છે.