મેરાન્યૂઝ નેટવર્ક.પોરબંદરઃ પાકિસ્તાના મરીન સિકયુરીટી દ્વારા વધુ એક વખત ભારતીય બોટ અને માછીમારના અપહરણ કરી જવામાં આવ્યા છે. જેને પગલે માછીમારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ભારતીય જળ સીમા નજીક માછીમારી કરવા જતી ભારતીય બોટ અને માછીમારોના અપહરણ કરી જવામાં આવે છે. શુક્રવારની રાત્રીના પોરબંદર સહીત સૈારાષ્ટ્રની બોટો માછીમારી કરી રહી હતી. તે દરમિયાન પાકિસ્તાન મરીન શીપ ધસી આવી હતી. જેને પગલે અહીં માછીમારી કરતી બોટમાં નાશભાગ મચી ગઈ હતી અને પાક મરીને બંદુકના નાળચે એક બોટ અને ૬ માછીમારોને બંધક બનાવ્યા બાદ પોતાની સાથે ઉઠાવી ગયું હતું.

અપહરણ કરાયેલી બોટ પોરબંદરની હોવાનું માનાઈ રહ્યું છે. પાક મરીના દ્વારા અવારનવાર ભારતીય બોટ અને માછીમારોના અપહરણને પગલે મત્સ્યોઉદ્યોગને મોટો ફટકો પડી રહ્યો છે. પાકિસ્તાનમાં એક હજારથી પણ વધુ બંધક છે તેની મુકિત થતી નથી આથી તાજેતરમાં જ માછીમારોએ  સોફટ લોન પેકેજની માંગ કરી હતી. પાકિસ્તાન દ્વારા ભારતીય બોટના અપહરણને લઈ પોરબંદર સહીત ગુજરાતભરના માછીમારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.