મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હી : રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે સોમવારે 2020 માં પદ્મ પુરસ્કારો માટે પસંદ કરાયેલ વ્યક્તિઓને સન્માનિત કર્યા. આ માટેના નામો ગયા વર્ષે જ જાહેર કરવામાં આવ્યા હતા. વિવિધ ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપનાર નાગરિકોને ત્રણ કેટેગરીમાં પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યા હતા.

આ વર્ષે પદ્મ વિભૂષણ માટે સુષ્મા સ્વરાજનું નામ નક્કી કરવામાં આવ્યું હતું. તેમને આ એવોર્ડ મરણોત્તર આપવાનો હતો. સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજ આ સન્માન લેવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે પહોંચી હતી.

રાષ્ટ્રપતિએ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુને પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા. સિંધુએ અત્યાર સુધી ભારત માટે ઘણા આંતરરાષ્ટ્રીય ખિતાબ જીત્યા છે.

તબીબી ક્ષેત્રમાં એર માર્શલ પદ્મ બંદોપાધ્યાયને  તેમની સેવા બદલ રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લોકપ્રિય હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રાને પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કર્યા.

Advertisement


 

 

 

 

 

પાકિસ્તાનની નાગરિકતા છોડીને ભારતીય નાગરિકતા લેનાર લોકપ્રિય ગાયક અદનાન સામીને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યો હતો.

ICMRના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક ડૉ રમણ ગંગાખેડકરને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કોરોના રોગચાળા દરમિયાન, ડૉક્ટર ગંગાખેડકરે વારંવાર પ્રેસ કોન્ફરન્સ યોજીને લોકોને મહત્વપૂર્ણ માહિતી આપવાનું ચાલુ રાખ્યું હતું.

બોલિવૂડની જાણીતી અભિનેત્રી કંગના રનૌતને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો. કંગનાને તાજેતરમાં નેશનલ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી છે.

ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલને પણ રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. રાનીની કપ્તાનીમાં મહિલા ટીમે આ વખતે ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.