મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ જાણિતા કથાકાર મોરારી બાપુ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ પર કરવામાં આવેલા નીવેદનને પગલે ક્ષત્રિય સમાજમાં આક્રોશ છે. આ દરમિયાનમાં સમાજની માગ હતી કે મોરારીબાપુ ભગવાન શ્રી કૃષ્ણની માફી માગે અને હવે પછી આવા નિવેદન નહીં કરે તેવું કહે. આ દરમિયાનમાં આજે મોરારી બાપુ દ્વારકા ખાતે મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. જોકે ત્યાં મોરારીબાપુ પર પબૂભા માણેક એવા બગડ્યા કે તેમણે તૂકારે જ કહી દીધુ કે મોરારી બહાર નીકળ, એક તબક્કે તો એટલા આવેશમાં આવી ગયા કે મારવા લીધા અને તે દરમિયાન સાંસદ પૂનમ માડમ વચ્ચે પડ્યા અને તેમણે સમ આપીને મામલો થાળે પાડ્યો હતો.

આ ઘટના એક વીડિયોમાં કેદ થઈ છે જે વીડિયો હાલ વાયરલ બન્યો છે. જેમાં પૂનમ માડમ બોલે છે કે બાપુ મારા સમ છે તમે રહેવા દો. વીડિયોમાં પબૂભા એવું પણ બોલે છે કે મોરારી, બહાર નીકળ. અન્ય લોકો પણ વચ્ચે પડે છે અને તેઓ પબૂભાને બાપુ રહેવા દો ... બાપુ રહેવા દો કહીને પછી બહાર લઈ જાય છે.

વાત એવી છે કે અહીં મોરારી બાપુ પત્રકાર પરિષદ સંબોધી રહ્યા હતા. આ દરમિયાનમાં અચાનક ત્યાં ભાજપના પૂર્વ ધારાસભ્ય પબૂભા માણેક ત્યાં આવી ચઢે છે અને તેઓ ગુસ્સામાં હોય તેવું સ્પષ્ટ દેખાતું હતું. તેઓ મોરારી બાપુ પર હુમલો કરવાનો પ્રયાસ કરે છે. જોકે ત્યાં જ સાંસદ પૂનમ માડમ પણ વચ્ચે આવી જાય છે અને તેઓ તેમને રોકી લે છે. કેટલાક યુવાનો પણ પબૂભાને રોકવા વચ્ચે પડે છે અને બાદમાં તેમને બહાર લઈ જાય છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ થોડા સમય પહેલા તલગાજરડામાં થયેલી માનસ ગુરુ વંદના કથામાં મોરારી બાપુએ એવું કહ્યું હતું કે, મારા કોઈ પૂર્વ નિવેદનથી જો કોઈને દુઃખ થયું હોય તો ક્ષમાપ્રાર્થી છું. હું કોઈ પણ સ્થિતિને પ્રભુનો કૃપા પ્રસાદ સમજું છું. સમગ્ર વિશ્વ મારો પરિવાર છે. તમે બધા મારા પોતાના છો. તમને મારી વાત ન ગમી હોય તો હું નિર્મળ સાધુ ભાવથી કહું છું કે આપ ભલે મને તમારો ન સમજો પણ હું તમને મારા પોતાના સમજું છું.

તેમણે એવું પણ કહ્યું કે, મારા ભગવાન કૃષ્ણ અંગેના નિવેદન પર ઘણા વિવાદ ઊભા થયા છે ઘણા નારાજ થયા છે પણ ભગવાન કૃષ્ણ મારા ઈષ્ટદેવ છે. મારા કુળદેવી ઋક્ષમણીજી છે. મારા ધામ મથુરા-દ્વારકા છે. અમારો ઘાટ વિશ્વાસ છે. અમારી પરિક્રમા ગિરિરાજની છે. અમારી ગાયત્રી ગોપાલ ગાયત્રી છે. સાધુના અંતર ભાવથી મારા કોઈ નિવેદનથી દુનિયાના કોઈ વ્યક્તિનું દિલ દુઃભાય તે પહેલા હું સમાધી લેવાનું પસંદ કરીશ.

આજે પણ દ્વારકા ખાતે મોરારીબાપુ આ જ સંદર્ભે માફી માગવા માટે ગયા હતા. જે માટે તેમણે પત્રકારોને તે માટે જ બોલાવ્યા હતા. બાપુએ વધુમાં જણાવ્યું હતું કે, કૃષ્ણ મારા ઇષ્ટદેવ છે,  મારા પ્રભુ છે. મારા બધા જ શ્રોતાઓ જાણે છે કે જ્યારે કૃષ્ણ સ્મરણમાં હું જ્યારે કૃષ્ણકથા કહેતો હોઉં છું ત્યારે મારી આંખોમાં જેટલા આંસુઓ વહે છે એટલા બીજા કોઈ પ્રસંગે ઉમટતા નથી. તેમ છતાયં મારાં કોઈ પણ નિવેદનથી આપને કોઈને પણ જરા પણ ઠેંસ પહોંચી હોય તો હું ફરી એકવાર સામાન્યમાં સામાન્ય વ્યક્તિથી માંડી અને તમામ પૂજ્ય ચરણો સુધીના સૌની માફી માગુ છું. જોકે આ પછી પણ આજે પબૂભાએ મારવા લેતા મામલો એક અલગ જ વિવાદ ઊભો કરી રહ્યો છે.

દ્વારકા ખાતે ભાજપના નેતા પબૂભા માણેકે મોરારી બાપુ સાથે કરેલા વ્યવહારને અમે સમર્થન આપતા નથી. હિંસા અથવા હિંસાના કોઈપણ પ્રયાસના અમે હંમેશા વિરોધી રહ્યા છીએ