મેરાન્યૂઝ, ગાંધીનગર: પાટીદાર અનામત આંદોલનના નેતા રેશ્મા પટેલનો ભાજપનો ખેશ પહેરલ ફોટો વાયરલ થતાં આ અંગે રેશ્મા પટેલે જણાવ્યુ છે કે આ ફોટો ફેક છે. આ ફોટો જે ફેલાવી રહ્યાં છે તે રાજકીય આંદોલનકારીઓ છે અને પોતાની ટિકિટ કપાવાના ડરે આવા ફોટો ફેલાવી રહ્યાં છે.

રેશ્મા પટેલે meranews.com સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે સોશિયલ મીડિયામાં ભાજપના ખેસવાળો જે ફોટો ફરી રહ્યો છે તે ફોટો ફેક છે. આ ફોટો જે ફેલાવી રહ્યાં છે તે રાજકીય આંદોલનકારીઓ છે. કારણ કે થોડા દિવસ પહેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને જણાવ્યુ છે કે તમે તમારુ પાટીદારોને અનામતને લઇને સ્ટેન્ડ ક્લિયર કરો. પાટીદાર અનામત આંદોલનને કારણે કોંગ્રેસને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફાયદો થયો છે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ફાયદો થવાનો છે. કોંગ્રેસ સમક્ષ તેનુ સ્ટેન્ડ ક્લિયર કરવા માટેનો પ્રશ્ન પાટીદાર સમાજ માટે પુછ્યો છે અને હું તો કહુ છું કે દરેક પાટીદારે આ સવાલ પુછવો જોઈએ. પરંતુ આ સવાલ ઉઠાવવાથી જે લોકો ધારાસભ્ય બનવાની લાઇનમાં છે, કોંગ્રેસ માટે કામ કરે છે અને તેની ટિકિટ લેવા માંગે છે તેમના પેટમાં તેલ રેડાયુ છે, તેથી મારી સામે સોશિયલ મીડિયામાં આવો ખોટો પ્રચાર કરે છે.

રેશ્મા પટેલે ઉમેર્યું હતું કે આ લડાઇ પાટીદારોને અનામત અપાવવા માટે છે કોઈ પક્ષને સત્તા પર બેસાડવા કે સત્તા પરથી ઉખાડવા માટેની નથી. તેથી હાર્દિક પટેલથી લઇને પાસની કોર કમિટિના દરેક સભ્યએ કોંગ્રેસને સવાલ કરવો પડશે કે તમે પાટીદારોને ઓબીસીમાં આરક્ષણ આપશો કે નહીં? સોશિયલ મીડિયામાં જે ભાજપના ખેસવાળો મારો ફોટો વાયરલ કરાયો છે તે માત્રને માત્ર મારા અવાજને દબાવવા માટે ફરતો કરાયો છે. પરંતુ મારે માત્ર એટલુ કહેવાનુ છે કે મેં સમાજ હિતમાં કામ કર્યું છે. ઓબીસી અનામત માટે આ આંદોલન કર્યું છે અને આ લડાઇમાં મારો પુરો ફાળો રહેશે.