મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: પાટીદારોને અનામત આપવા, ખેડૂતોનું દેવુ માફ કરવા તથા અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિની માગણીઓને આમરણ અનશન કરી રહેલા હાર્દિક પટેલને આજે સવા ત્રણ વાગ્યા આસપાસ સારવાર માટે એમ્બ્યુલન્સમાં અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને આઇસીયુમાં દાખલ કરાયો છે. હાર્દિકને હોસ્પિટલ ખસેડાયો તે પહેલા ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે સરકાર સાથે તેના મુદ્દાઓ અંગે મધ્યસ્થી થવાની વાત કરી હતી.  હાર્દિક પટેલના ઉપવાસનો આજે 14મો દિવસ છે અને આજ સવારથી તેની વધુ તબિયત લથડી હતી.સાથે જ ગ્રીનવુડ રિસોર્ટ કે જ્યાં હાર્દિક ઉપવાસ પર બેઠો હતો તે જગ્યાએથી મંચ સહિતની વસ્તુઓ  પણ ત્યાથી ઉઠાવી લેવામાં આવી છે. જેથી હવે ત્યા ફરી ઉપવાસ શરુ થાય તેવી શક્યતાઓ રહી નથી.

નરેશ પટેલે હાર્દિક પટેલ સાથે મુલાકાત બાદ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે હાર્દિક પટેલની તબિયતની ચિંતા કરીને હું તેને મળવા આવ્યો છું. મારી ઇચ્છા છે કે જલ્દીથી હાર્દિક પટેલ પારણા કરી લે. આજે હું પાટીદારોની બે ધાર્મિક સંસ્થાઓ ઉમિયાધામ અને ખોડલધામના ટ્રસ્ટીઓ સાથે હાર્દિકની માગણીઓને લઇને ચર્ચા કરી કરીશ અને સહમતિ બધા સરકાર સાથે ચર્ચા કરીશું. કદાચ આવતી કાલે હાર્દિકના મુદ્દાઓને લઇને સરકાર સાથે ચર્ચા કરીશું. હાર્દિકની લડાઇ સમગ્ર પાટીદાર સમાજની લડાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સૌરભ પટેલ, પ્રદીપસિંહ જાડેજા અને સૌરભ પટેલ વચ્ચે આજે સાંજે બેઠક મળવાની છે જેમાં હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન વિશે ચર્ચા થશે.