મેરાન્યૂઝ નેટવર્ક.સુરત: પાટીદાર અનામત આંદોલન સમિતિ અને સરદાર પટેલ ગ્રુપના આગેવાનોની એક બેઠક સુરતમાં મળી હતી. જેમાં આગામી દિવસોમાં અનામત આંદોલનને વેગ આપવાનો નિર્ણય લેવાયો હતો. જેમાં રાજકીય આગેવાનોનો વિરોધ પ્રદર્શિત કરવા ઉપરાંત ધારાસભ્યો-મંત્રીઓને ઘેરાવ કરવાનો અને આગામી 31મી ઓક્ટોબરે વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતમાં પ્રધાનમંત્રીના વિરોધના કાર્યક્રમો પણ યોજાશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. 

પાસના સુરતના કન્વીનર ધાર્મિક માલવિયાએ કહ્યું હતું કે અલ્પેશ કથીરિયા સહિત સાત યુવાનો જેલમાં છે તે તમામને મુક્ત કરવાની માગણી સાથે આગામી દિવસોમાં પ્રત્યેક તાલુકમાં મામલતદાર અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. તા. 2 ઓક્ટોબરે દરેક જિલ્લા-તાલુકામાં પ્રતીક ધરણાં કરાશે. આમ છતાં જો કોઇ ઉકેલ નહીં આવે તો ધારાસભ્યો અને મંત્રીઓને સામાજિક-ધાર્મિક કાર્યક્રમમાં બહિષ્કાર કરાશે. આમ છતાં કોઇ ઉકેલ ન આવે તો ધારાસભ્યો-મંત્રીઓનો ઘેરાવ કરાશે. જાહેર કાર્યક્રમોમાં તેની સામે વિરોધ પ્રદર્શિત કરાશે. તા. 31મી ઓક્ટોબરે વડાપ્રધાનના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં કાર્યક્રમો યોજાશે.

આ બેઠકમાં એસપીજીના લાલજી પટેલ, પાસના દિનેશ બાંભણિયા સહિતના રાજકોટ, કચ્છ, મહેસાણા, અમદાવાદ વગેરેથી પાસ અને એસપીજીના આગેવાનો હાજર રહ્યા હતા. પાટીદારોએ વિઘ્નહર્તા વિસર્જન યાત્રાના માધ્યમથી ભક્તિ દ્વારા સમાજની શક્તિનો પરચો સરકારને બતાવ્યો હતો. યોગીચોકથી મીનીબજાર સુધીની ગણેશજીની વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા હતા. જય સરદાર જય પાટીદારના નારા સાથે આ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.