મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં દેશની જુદીજુદી બેંકોમાં એક લાખ કરોડ રૂપિયાના 23 હજારથી વધુ બેંક કૌભાંડ થયા છે. આ માહિતી રિઝર્વ બેંકે આરટીઆઇના જવાબમાં આપી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર એપ્રિલ 2017થી માર્ચ 2018 વચ્ચે બેંક સાથે છેતરપિંડીના 5152 કેસ બહાર આવ્યા છે. આ મામલાઓમાં 28459 કરોડ રૂપિયા સામેલ છે. વર્ષ 2016-17માં બેંક કૌભાંડોની સંખ્યા વધીને 5076 હતી જેમાં 23933 કરોડ રૂપિયા સામેલ હતા.

કુલ મળીને 2013થી માર્ચ 2018 સુધીમાં પાંચ વર્ષના સમયગાળામાં એક લાખ રૂપિયાથી વધુની બેંક છેતરપિંડીના 23866 મામલાઓ સામે આવ્યા જેમાં 1 લાખ 718 કરોડ રૂપિયાની રકમ સામેલ છે.

રિઝર્વ બેંકે કહ્યું કે છેતરપિંડીના કેસમાં વિશે તથ્યો અને પરિસ્થિતિઓ અનુસાર કાર્યવાહી કરવામાં આવે છે. જેમાં નીરવ મોદી અને મેહુલ ચોક્સીના 130 અબજ રૂપિયાનું કૌભાંડ પણ સામેલ છે. આ સિવાય આઇડીબીઆઇ બેંકમાં 600 કરોડના કૌભાંડમાં સીબીઆઇએ એરસેસલના પૂર્વ પ્રમોટર સી શિવશંકરન, તેના પુત્ર, આઇડીબીઆઇના પૂર્વ સીએમડી અને સાર્વજનિક ક્ષેત્રના બે બેંક અધિકારીઓ પર કેસ નોંધાયા છે. કેન્દ્ર સરકારના આંકડા અનુસાર ડિસેમ્બર 2017 સુધી દેશની બધી બેંકોની એનપીએ 8 લાખ 40 હજાર 958 કરોડ રૂપિયાની સપાટીએ પહોંચી ગઇ છે.

એનપીએ (નોન પરફોર્મિંગ એસેટ્સ)ના સૌથી વધુ કેસ ઉદ્યોગોને આપવામાં આવેલ લોનમાં સામે આવ્યા છે. બેંકોની કુલ એનપીએમાં SBI 2 લાખ 1 હજાર 560 કરોડ રૂપિયા સાથે પ્રથમ ક્રમે છે. પંજાબ નેશનલ બેંકમાં 55200 કરોડ, આઇડીબીઆઇ બેંકમાં 44542 કરોડ, બેંક ઑફ ઇન્ડિયામાં 43474 કરોડ, બેંક ઑફ બરોડામાં 41649 કરોડ, યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં 38047 કરોડ, કેનેરા બેંકમાં 37794 કરોડ અને આઇસીઆઇસીઆઇ બેંકમાં 33840 કરોડ રૂપિયા એનપીએ છે.

છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો વર્ષ 2013-14માં 4306 કેસમાં 10170 કરોડ, વર્ષ 2014-15માં 4639 કેસમાં 19455 કરોડ, વર્ષ 2015-16માં 4693 કેસમાં 18698 કરોડ, વર્ષ 2016-17માં 5076 કેસમાં 23933 કરોડ અને વર્ષ 2017-18માં 5152 કેસમાં 28459 કરોડ રૂપિયાની બેંકો સાથે છેતરપિંડી થઇ છે.