પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): આપણી આસપાસ પોતાની રીતે શકય એટલુ સારૂ કરવાનો પ્રયત્ન કરતા થોડાક લોકો હોય છે જ્યારે તેમની સાથે જ હોવાનો દાવો કરતા પણ ખરેખર તેઓ સાથે નથી તેવી એક ટોળી હોય છે. આ ટોળી કાયમ બીજાએ શું કરવુ જોઈએ અને બીજાએ શું કરવુ જોઈએ નહીં તેની એકસપર્ટ કોમેન્ટ આપતા અથવા લખતા હોય છે. આ ટોળી બીજા કરતા પોતાને જુદા ગણે છે તેમને જે ખબર પડે છે તેવી ખબર બીજાને પડતી નથી તેવા ભ્રમમાં રાચતી હોય છે, તેના કારણે તેમની પાસે રહેલા દિવસના ચોવીસ કલાકમાંથી તેઓ લગભગ બાર કલાક સ્વ ઘોષીત સલાહકાર બની જતા હોય છે. તેમની  સલાહ કોઈ માંગે અથવા કોઈને સલાહની જરૂર હોય તેવી વ્યકિતને તેઓ સલાહ આપે તો વાંધો પણ નથી પણ તેઓ દેશના તમામ વિષય ઉપર પોતાની સલાહ આપી શકવાની કાબેલીયત ધરાવતા હોય છે.

દેશના દરેક શહેરમાં નાની મોટી વ્યકિતઓ એવી હોય છે કે જેઓ પોતાની રીતે કંઈક સારૂ કરવાનો સતત પ્રયત્ન કરે છે, તેમની અને તેમના કામની કોઈ નોંધ લે તો પણ અને નોંધ લે તો પણ કોઈ ફેર પડતો નથી, તેમને મન જે સારૂ છે તેવું કરવામાં તેઓ પોતાના ગાંઠના પૈસા અને સમય પણ આપતા હોય છે. મઝાની તો વાત એવી છે કે તેઓ કઈક સારૂ કરી રહ્યા છે તેવો ભાવ પણ તેમના મનમાં હોતો નથી, તમે જોયું હશે તો શહેરના કેટલાક ટ્રાફિક સીગ્નલ ઉપર બે સ્થાનિકોને જોયા છે જેઓ સવાર-સાંજ પોતાનો થોડોક સમય કાઢી ટ્રાફિક પોલીસને મદદે આવતા હોય છે. તો કોઈક પોતાના ઘરની બહાર પાણીની કોઠી રોજ ભરી તરસ્યાની તરસ બુજાવે છે. આ પ્રકારના અસંખ્ય કામો છે જે હજારો લોકો રોજ કરે છે અને તેનો તેમને માનસીક ભાર પણ લાગતો નથી. તેમના માટે બીજા માટે કરેલુ કામ શ્વાસ લેવા જેટલુ સહજ છે.

પણ આજે આપણે જે ટોળીની વાત કરીએ છીએ તે ટોળી પાનના ગલ્લે, ચ્હાની લારી ઉપર, બગીચાના બાંકડે અને હવે ફેસબુકના અડ્ડા ઉપર આવી રોજ પ્રમાણે ગોઠવાઈ જાય છે. તેઓ માને છે કે તેઓ દેશ બદવા નિકળ્યા છે પણ તેઓ પોતે જેવા છે તેમાં તેઓ કઈ બદલાવ કરવા માગતા નથી. તેઓ માત્રને માત્ર બીજાઓએ શું કરવું જોઈએ તેની સલાહ આપવાનું કામ કરે છે. તેમના મુખે અથવા તેમના લખાણમાં ભાગ્યે જ કોઈ પ્રત્યે આદર અથવા સારી બાબતનો ઉલ્લેખ હોય છે તેઓ સતત નકારાત્મક બાબતો ભરડયા કરે છે, તેઓ કોઈ પણ ઘટના માટે કહે છે આવું થોડું કરાય, આવું તો ચલાવી લેવાય જ નહીં. આ રીતે તો દેશ કઈ રીતે ચાલશે તેવી ટીપ્પણીઓ કર્યા કરે છે. તેઓ જ્યાં બેઠા છે તેનાથી દસ ફુટ દુર કોઈને મદદની જરૂર હોય તો ત્યાંથી ઉભા થતાં નથી. કોઈને મદદ કરવા માટે તેમના હાથ ખીસ્સામાં જતા નથી અને તેઓ પોતાની જીંદગીનો અડધો કલાક પણ કોઈ અજાણ્યાની મદદ ખર્ચતા નથી.

છતાં તેઓ સમાજના ઠેકેદાર બની ફરતા હોય છે. આપણી આસપાસ જે કઈ ખોટું થઈ રહ્યું છે અથવા બરાબર નથી તો તેને બરાબર કરવા માટે શું થઈ શકે તેવો વિચાર આપી, તેને બરાબર કરવામાં પોતાનો હિસ્સો કોઈ પણ રીતે આપે તો વાંધો નથી પણ તેવું થતું નથી તેના બદલે તેઓ તે દિશામાં પ્રયાસ કરે છે, તેમની સતત ટીકા કરે છે,  ટીકા કરવાનો પણ તેમનો અધિકાર છે. તેને આપણે તેમનો અબાધિત અધિકાર માનીએ, પણ તેઓ જે મુદ્દે ટીકા કરે  છે તે મુદ્દે જ્યારે તેમને સ્ટેન્ડ લેવાનો વખત ત્યારે તેઓ મેદાન છોડી જતા રહે છે, કારણ સ્ટેન્ડ લેનારને કાયમ કિંમત ચુકવવી પડતી હોય છે અને તેઓ વ્યકિતગત રીતે કોઈ કિંમત ચુકવવા માગતા નથી. તેઓ સતત અપેક્ષા રાખે છે કે પડોશીનો દિકરો ભગતસિંહ પાકે, તેમના ગમા-અણગમા પોતાની સગવડ પ્રમાણે હોય છે. તેમનો અણગમો કોઈ મુદ્દા આધારિત હોતો નથી, તેમનો સ્વાર્થ હોય ત્યારે તેઓ ત્વરિત પોતાના નિયમોમાં ફેરફાર કરી લેતા હોય છે.

આવી ટોળી  સોશ્યલ મીડિયા ઉપર હાવી થઈ રહી છે તેમની પોસ્ટ તમે ધ્યાનથી જોશો તો સમજાશે કે ભાગ્યે જ તેમના પોસ્ટમાંથી એકાદી હકારાત્મક બાબત હશે, મોટા ભાગની પોસ્ટ ઉપેદશાત્મક જ હશે આ ઉપદેશ પાછો બીજા માટે લાગુ પડે છે તેવી સાયલન્ટ  લાઈન તેમાં હોય છે, આવી પોસ્ટ તમે સતત વાંચતા રહો તો તમને પણ એવુ લાગે કે બરાબર છે, પણ તે બરાબર નથી. આપણી જાતને સતત જાગતી રાખવાની છે એટલા માટે કે આપણે અજાણતા તે ટોળીનો હિસ્સો થઈ જઈએ નહીં, આપણે જે માની છીએ અને જે કરીએ છીએ તે આપણો વ્યકિતગત મત હોવો જોઈએ. કદાચ આપણો મત ખોટો પણ હોઈ શકે પણ તે આપણો હોવો જોઈએ.