મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીની સરકાર બીજી વાર ચૂંટાઈ આવી, તેમણે આજે જ દરેક કેબીનેટ મંત્રીના ખાતાની ફાળવણી કરી અને આજે જ તેમની સરકારની પ્રથમ કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ કેબિનેટ બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં શહીદોના સંતાનોની સ્કોર્લરશિપ (શિષ્યવૃત્તિ)માં વધારો કરવામાં આવ્યો છે.

આ પહેલાં વડાપ્રધાને આજે BIMSTEC દેશના પ્રમુખ સાથે દ્વીપક્ષીય ચર્ચા વિચારણા શરૂ કરી છે. હૈદરાબાદ હાઉસમાં આ બેઠક રાખવામાં આવી હતી. વડાપ્રધાન બન્યા બાદ પીએમ સ્કોલરશિપમાં વધારો કરવામાં આવ્યો છે. શહીદોના બાળકોની સ્કોલરશિપ ૨ હજારથી વધારી ૨૫૦૦ કરી દેવામાં આવી છે અને વિદ્યાર્થિનીઓની ૨૨૫૦થી વધારી ૩૦૦૦ કરી દેવામાં આવી છે.

મીડિયા અહેવાલ મુજબ, મોદી સરકારનો પ્રથમ 100 દિવસનો એજન્ડા તૈયાર કરી દેવામાં આવ્યો છે. આ એજન્ડામાં મધ્યમ અને ગરીબ લોકો માટે સહાયની યોજાનાઓ ઉપરાંત કૃષિ અને નાણા ક્ષેત્રની કામગીરીને અગ્રીમતા મળી શકે છે. ચોમાસાનું આયોજન અને દેશમાં સર્જાયેલી પાણીની અછત વિશે પણ આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. ઉપરાંત ખેડૂતોને અપાતા વાર્ષિક ૬૦૦૦ રૂપિયાની સહાય પર પણ ચર્ચા કે કોઈ નિર્ણય થાય તેવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે.

પ્રથમ નિર્ણય અંગે ટ્વીટર પર વડાપ્રધાન મોદીએ આપી હતી કે અમારી સરકાર દેશની સુરક્ષા કરતા જવાનો અને તેમના બાળકો માટે તેમનો પ્રથમ નિર્ણય સમર્પિત કરે છે. અમે પ્રધાનમંત્રી સ્કોલરશિપમાં વધારો કર્યો છે.