મેરાન્યૂઝ નેટવર્ક.અંબાજી: અંબાજીમાં માત્ર ગુજરાતની જ નહીં પણ દેશભરની આસ્થા છે કારણે 51 શક્તિપીઠ પૈકીની એક છે, 15મી ઓગષ્ટની ઉજવણી નિમિત્તે રાજ્યના મંત્રી મંડળના સભ્યો વિવિધ જિલ્લામાં ગયા હતા. જેમાં રાજ્યકક્ષાના મંત્રી વિભાવરી દવે દાતામાં ધ્વજવંદન કરવાના હતા, પણ તે અગાઉ તેઓ અંબાજી મંદિર અને ગબ્બર ઉપર દર્શન કરવા જવાના હતા. ગબ્બર ઉપર અખંડ જ્યોતની આગળ મુકવામાં આવેલી મૂર્તિને કારણે મંત્રીશ્રી અખંડ જયોતના દર્શન સારી રીતે કરી શકતા નથી તેવા કારણસર મંત્રી આવતા અગાઉ જ્યોતની આગળ મુકવામાં આવેલા માતાની મૂર્તિ મંદિરના અધિકારીઓએ હટાવી લીધી હતી. જો કે  મંત્રીને કારણે મૂર્તિ હટાવી લેવામાં આવી છે તેવી શ્રધ્ધાળુઓને ખબર પડતા તેઓ નારાજ થયા હતા. જેના કારણે મંત્રી વિભાવરી દવે દર્શન કરી નિકળ્યા ગયા બાદ મૂર્તિ પરત પોતાના સ્થાને મુકી દેવામાં આવી હતી.

તા 14મી ઓગષ્ટના રોજ મંત્રી વિભાવરી દવે દાતા પહોંચી ગયા હતા કારણ તેમને 15મીના રોજ ધ્વજવંદન કરવાનું હતું પણ તે પહેલા તેમણે અંબાજી મંદિર અને ગબ્બરના દર્શન કરવાની ઈચ્છા વ્યકત કરતા આ અંગે તરત મંદિરના અધિકારીઓને મંત્રી દર્શન કરવા આવી રહ્યા છે તેની જાણકારી આપવામાં આવી હતી. ગબ્બરની તળેટીમાં મંદિરની ઓફિસ આવેલી છે જેમાં ફરજ બજાવતા કલાર્ક યોગેશ જોષી તરત ગબ્બર ઉપર ગયા હતા અને તેમણે અખંડ જ્યોત સામે રહેલી મૂર્તી હટાવી લેવડાવી હતી. વર્ષોથી રહેલી મૂર્તિ હટાવી લેવામાં આવતા ત્યાં દર્શન કરી રહેલા શ્રધ્ધાળુઓને આધાતા લાગ્યો હતો. જો કે મંદિરના અધિકારીઓ દ્વારા જાણકારી આપી હતી કે મંત્રી વિભાવરી દવે અખંડ જ્યોતના દર્શન સારી રીતે કરી શકે અને મૂર્તિ તેમને નડતર રૂપ બને નહીં તે માટે મૂર્તિ હટાવવામાં આવી છે.

જો કે આ મામલે મંત્રી વિભાવરી દવે જાણે છે અથવા તેમની જાણકારી વગર આ નિર્ણય લેવામાં આવ્યો તેની કોઈ નક્કર માહિતી પ્રાપ્ત થઈ નથી પરંતુ આખી ઘટનાને કારણે શ્રધ્ધાળુઓ ખાસ્સા આધાત પામ્યા હતા. દરમિયાન મંત્રી દવે દર્શન કરવા આવ્યા અને દર્શન કરી નિકળી ગયા હતા પણ મંત્રી દવે ગયા બાદ મંદિરના અધિકારીઓ દ્વારા મૂર્તિ પરત પોતાના સ્થાને મુકી દેવામાં આવી હતી, આમ મંત્રી આવે તો ભગવાનને પણ ખસી જવુ પડે તેવું તો આપણા દેશમાં જ થાય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું.

આ મામલે અમે મંત્રી વિભાવરી દવે શું કહે છે તે જાણવા માટે તેમના સરકારી મોબાઈલ ફોન ઉપર પ્રયત્ન કર્યો છતાં તેમનો ફોન નો રિપ્લાય થયો હતો અને ત્યાર બાદ તેમના તરફથી પણ કોઈ વળતો પ્રત્યુતર મળ્યો ન્હોતો. આથી અમે મંત્રી વિભાવરી દવેના અંગત સચિવ નિતેશ પટેલનો સંપર્ક કરી ખરેખર મૂર્તિ કેમ હટાવી લેવામાં આવી તેવો પ્રશ્ન પુછતાં તેમણે આ ઘટના વખતે તેઓ રજા ઉપર હતા તેવું કારણ આપી તેઓ ઘટના અંગે અજાણ હતા તેવો દાવો કર્યો હતો. જ્યારે અમે ગબ્બરની તળેટીમાં આવેલી ઓફિસના કલાર્ક યોગેશ જોષી જેમણે મૂર્તિ હટાવી હતી તે અંગે પુછતાં તેમણે કબુલ કર્યું હતું કે મંત્રી વિભાવરી દવે આવે તે પહેલા મૂર્તિ હટાવી હતી.

જો કે તેમણે મંત્રીના આદેશને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે નહીં તેની જાણકારી નહીં હોવાનું જણાવતા કહ્યું કે અમને મંદિરના સિવિલ એન્જીનિયર મેવાડા તરફથી સૂચના મળી હતી કે મૂર્તિની બેઠક ઉંચી હોવાને કારણે જ્યોતના દર્શન થઈ શકતા નથી. તેથી અમે મૂર્તિ હટાવી લીધી હતી. જો કે આ મામલે શ્રધ્ધાળુઓ નારાજ થતાં અમે બપોર બાદ ફરી મૂર્તિ પોતાના સ્થાને ગોઠવી દીધી હતી, તેમણે સ્પષ્ટતા કરતી હતી માતાજીની આ મૂર્તિ પૌરાણીક નથી છતાં લોકોની આસ્થાનો પ્રશ્ન હોવાને કારણે મૂર્તિ ફરી ત્યાં મુકી દેવામાં આવી છે.

અમારું ફેસબુક પેજ લાઈક કરો (https://www.facebook.com/MeraNewsGuj/)