પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): 1990 સુધી ગુજરાતમાં લગભગ એકધારુ કોંગ્રેસનું શાસન રહ્યું, કોંગ્રેસના શાસનની પણ મર્યાદાઓ હતી. હાલમાં ભાજપ પર જેવા આરોપ લાગી રહ્યા છે તેવા ભ્રષ્ટાચાર, બેરોજગારી, ખેડૂત વિરોધી, મોંઘવારી અને ગુંડાઓને રાજકીય રક્ષણ આપવા સહિતના અનેક આરોપ હતા. દરેક ચૂંટણીમાં વિરોધપક્ષ કોંગ્રેસ ઉપર આ પ્રકારના આરોપો મુકતો અને જ્યારે ચૂંટણી આવે ત્યારે પ્રજા કોંગ્રેસને જીતાડતી, પણ પ્રજાના મનમાં ડર અને અસલામતીનો ભાવ ન્હોતો. પ્રજાને વિશ્વાસ હતો કે તેમની પાસે એક પ્રબળ વિરોધપક્ષ છે જે કોંગ્રેસને તેની હેસિયતમાં રાખશે.

હાલમાં જેઓ છેલ્લા દસ વર્ષથી મતદાતા થયા છે તેમને વિરોધપક્ષની અનિવાર્યતા અને જરૂરિયાતનો અંદાજ જ આવતો નથી. વર્ષ 1980થી 1990 સુધી અમદાવાદમાં લતીફનો આતંક હતો. આ જ સમયગાળામાં બેરોજગારી અને મોંઘવારીના પણ પ્રશ્નો હતા, પણ લગભગ એવું એક પણ સપ્તાહ ન્હોતું કે જ્યારે ભાજપ સહિત રહેલા અપક્ષો કોંગ્રેસ સામે બાંયો ચઢાવી રસ્તા પર ઉતર્યા ન હોય. ભાજપના અશોક ભટ્ટ, નીતિન પટેલ, કેશુભાઈ પટેલ, વજુભાઈ વાળા જેવા પ્રદેશ નેતાઓએ પોલીસની ધરપકડ વહોરી અને પોલીસની લાઠીઓ પણ ખાધી છે. પ્રજાના હૈયે એક ધરપત હતી કે તેમનું સાંભળનાર વિરોધપક્ષ છે.


 

 

 

 

ગુજરાતમાં 1990થી કોંગ્રેસ ક્યારેય એકલા હાથે ચૂંટણી જીતી સરકાર બનાવી શકી નથી અને 1995 પછી તો કોંગ્રેસને સરકાર બનાવવાનું સપનું પણ આવતું નથી. 2017ની ચૂંટણીમાં ગુજરાતનું જે વાતાવરણ હતું. તેના કારણે કોંગ્રેસ સત્તા સુધી પહોંચવામાં સહેજ માટે રહી ગઈ અને વિજય રુપાણી ફરી વખત ગુજરાતના મુખ્યમંત્રી થયા હતા. એક તરફ વિજય રુપાણી છે અને સામે નપાણી કોંગ્રેસના નેતાઓ છે. હજી પણ જાણે તેઓ સત્તામાં હોય તે પ્રકારની લક્ઝૂરિયસ જીંદગીનો મોહ તેમને છૂટતો નથી. સમ ખાવા પુરતા લોક આંદોલનો કરે છે, અને આંદોલન દરમિયાન તેમના ઝભ્ભાની ઈસ્ત્રી પણ તૂટે નહીં તેની કાળજી રાખે છે.

1990ના દસકમાં ગુજરાતની પ્રજા જે રીતે કોંગ્રેસથી ત્રાહિમામ હતી તેવી જ આજે ભાજપથી ત્રાહિમામ છે. 1990 અને 2020માં ફેર એટલો જ છે કે કોંગ્રેસને જાકારો આપી ભાજપ પર ભરોસો કરવાની તૈયારી પ્રજામાં હતી કારણ કે વિરોધપક્ષમાં રહેલો ભાજપનો નેતા ખોંખારીને બોલતો હતો, રસ્તા પર આવી લડતો હતો, જરૂર પડ્યે પોલીસનો માર ખાતો હતો. તેના મનમાં પ્રજાની વેદના હતી કે નહીં તેની ખબર નથી પણ તેવો ડોળ કરતાં પણ તેને આવડતું હતું. લગભગ ત્રણ દાયકા સત્તાની બહાર રહ્યા પછી પણ કોંગ્રેસના નેતાઓની ત્રેવડ 500 માણસ ભેગું કરવાની નથી. વિધાનસભાની અંદર અને વિધાનસભાની બહાર તેઓ ભાજપના નેતાઓ સાથે ખાનગી બેઠકો કરે છે, તેમને ભાજપને હરાવવા કરતાં પોતાના જ માણસોને પતાવવામાં વધુ રસ છે.

સત્તાનું પરિવર્તન સતત ચાલતું રહે છે. લોકશાહીમાં પ્રજા પાસે વિકલ્પ હોવો જોઈએ અને આ વિકલ્પ જ લોકોશાહી અને લોકશાહીના અધિકારોને બચાવે છે. ઈન્દીરા ગાંધીના શાસનમાં દેશ એવી ઘાતક પરિસ્થિતિમાંથી પસાર થઈ ચુક્યો છે. જ્યારે શાસકને ખબર પડી જાય કે પ્રજા પાસે હવે તેનો વિકલ્પ નથી ત્યારે શાસક બેફામ અને નિષ્ઠુર થઈ જાય છે. આજે ગુજરાત સહિત દેશના મોટા ભાગના હિસ્સામાંથી વિરોધપક્ષ લકવાગ્રસ્ત થઈ ગયો છે. પ્રજાને ખબર છે કે આ લકવાગ્રસ્ત લોકો પર ભરોસો થાય તેમ નથી તેના કારણે હમણાં જે છે તેમને જ ચલાવવા પડશે અને એટલે જ પ્રજાનો અવાજ રૂંધાય છે અને મુંઝાય છે. ઈન્દીરાની જેમ જ આજના શાસકો જેઓ અલગ અલગ સ્વરૂપમાં છે તેઓ બિન્દાસ્ત અને બેફિકરા થઈ ગયા છે. તેમને પ્રજાની પડી નથી. કારણ કે વિરોધપક્ષ નપાણીયો અને અસક્ષમ છે.

(સહાભાર- ગુજરાતમિત્ર)