મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાતના વરિષ્ઠ નેતા કેશુભાઈ પટેલના ગતરોજના નિધનના સમાચારે લગભગ દરેક તેમના સમર્થકો અને તેમને માનનારાઓને શોકમાં મુકી દીધા છે. કેશુબાપા આમ તો ભાજપનો પાયાનો પત્થર હતા પરંતુ બાદમાં પાર્ટી તેમણે છોડી હતી છતાં જ્યારથી તેમણે સક્રિય રાજકારણમાંથી વિદાય લીધી ત્યારથી દરેક પક્ષના નેતાઓની તેમના ઘરે અવરજવર રહેતી હતી. કેશુભાઈ પટેલને લોકો કેશુબાપા તરીકે પણ સંબોધી માન આપતા, કેશુબાપા પાટીદાર સમાજ માટે પણ એક વડીલ નેતા તરીકે ગણના પામ્યા. હાલ કેશુબાપાના અવસાન બાદ કોંગ્રેસના વિધાનસભાના નેતા પરેશ ધાનાણી તેમને શ્રદ્ધાંજલી આપવા પહોંચ્યા હતા. તેમણે કેશુબાપાની તસવીર આગળ નતમસ્તક ઝુકાવીને તેમને પ્રણામ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ ફિલ્મોના મિલેનિયમ સ્ટાર નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાના અવસાને પણ ફિલ્મી જગતના ચાહકોને શોકમાં સરકાવી દીધા છે ગુજરાત માટે આ બંને કલાકારોના મોત અને તેના ઉપર ગતરોજ કેશુબાપાના અવસાનના સમાચાર પણ આઘાતજનક રહ્યા હતા.