દોસ્ત અલ્પેશ

આપણો પરિચય નથી. પરંતુ તુ હવે લોક નેતા છે તેના કારણે તારા નામ અને કામથી હું પરિચીત છું. તું લાંબો સમય જેલમાં પણ રહ્યો, ઘણી જ તકલીફ પડી હશે. હું તેનાથી વાકેફ છું, તારી પાટીદાર અનામતની માગણીને લઈ વિવાદ હોઈ શકે છે. પરંતુ મને લાગે છે કે હવે તારૂ ફોકસ બદલાઈ રહ્યુ છે. આવુ તારી સાથે પહેલી વખત થઈ રહ્યુ છે તેવુ નથી. લોક આંદોલન શરૂ કરનાર નેતાઓની પાછળ ફરતુ ટોળું આપણને બેધ્યાન બનાવી શકે છે. આવુ જ તારી સાથે થઈ રહ્યું છે. પાટીદારોને અનામત મળવી જોઈએ તેવી માગણી લઈ તું નિકળ્યો તેના કારણે પાટીદાર સમાજનો એક મોટો વર્ગ તારો સમર્થક થયો, તું જેલમાં રહ્યો અને બહાર આવ્યો તે દરમિયાન તે એક અલગ પ્રકારે સેલેબ્રિટી હોવાનો અનુભવ કર્યો. ખુશામત તો ખુદાને પણ પ્યારી છે આપણે તો માણસ છીએ, આપણે લપસી પડીએ તે મને સમજાય છે.

પરંતુ તું પાટીદાર અનામતની માગણી સાથે જેલમાં ગયો અને બહાર આવ્યા પછી સુરતના પોલીસ સ્ટેશનમાં જે કંઈ થયુ તેના કારણે તું પાટીદાર અનામતની માગણી કરનાર નેતા કરતા કદાચ મોટો નેતા થઈ જશે તેના કારણે તને લાગ્યુ કે પોલીસ સાથે આ ભાષામાં જ વાત કરીએ તો લોકોને વધારે પસંદ પડે છે. કદાચ થોડાક સમય સુધી તને મઝા પડશે પણ આ રસ્તો યોગ્ય નથી. તમાશાને તેડાની જરૂર નથી. સુરતના પોલીસ સ્ટેશનમાં એકત્રિત થયેલા તારા ટેકેદારોની સંખ્યા જોઈ તને પણ શુરાતન ચઢ્યું પણ આપણે જે કંઈ કરીએ છીએ તે શું કામ કરીએ છીએ તે અંગે પણ તારે એકલામાં બેસી થોડોક વિચાર કરવો જોઈએ. હમણાં તારી સ્થિતિ હિન્દી ફિલ્મના પડદે પોલીસ અને ગુંડાને મારતા ફિલ્મી હિરો જેવી છે. સામાન્ય માણસ પોલીસ અને ગુંડાઓની સામે બોલી શકતો નથી પણ જ્યારે હિરો બધાને ફટકારે અને લોકો ચિચિયારીઓ પાડે તેવું જ તારી સાથે થયું.

તે પોલીસ સ્ટેશનમાં પોલીસને ગાળો આપી અને લોકો ખુશ થઈ ગયા, પણ આપણે લોકોને શું કામ ખુશ કરવા જોઈએ? તારી અનામતની માગણી સાચી છે કે ખોટી તે અંગે હમણાં આપણે કોઈ ચર્ચા કરતા નથી પણ તારા મતે તારી અનામતની માગણી અથવા પાટીદારોના જીવનમાં કંઈક સારૂ થાય તેવા જ તારા પ્રયાસ હોવા જોઈએ. જો તું તારા પાટીદારોની માગણી ભુલી પોલીસ સાથે લડવાની અથવા તેમને ગાળો આપવાની ક્ષુલ્લક ચેષ્ટા તરફ વળી જઈશ તો તને અને તારા પાટીદાર સમાજને કંઈ મળશે અને વળશે નહીં. તે હવે જે કંઈ કરી રહ્યો છે તેને અને તારી પાછળ ફરતા ટોળાએ કઈ ગુમાવવાનું નથી, તારી ઉપર સાચા ખોટા કેસ થશે અને તુ પાછો જેલમાં જઈશ તો તેની કિંમત તો તારે અને તારા પરિવારે ચુકવવાની છે. તને તો અનુભવ છે કે તુ જેલમાં હતો ત્યારે તારી ખબર જોવા અને તારા પરિવારને પુછનાર કેટલાં ઓછા લોકો હતો, હવે તેવી ભુલ કરીશ નહીં.

જેલમાં જવુ પડે તો જઈએ  પણ તેના માટે કોઈ સારા અને મજબુત કારણો જોઈએ, રસ્તા ઉપર લોફરગીરી કરતા કોઈ લુખ્ખા અને મુફલીસ નેતાની જેમ પોલીસને ગાળો આપવાને કારણે જેલમાં જવુ જોઈએ નહીં, તને પોલીસ ઉપર જે ગુસ્સો છે તે સાવ વાહિયાત અને ખોટો છે તેવુ પણ કહેતો નથી. તમામ પોલીસ સારી નથી તેમ તમામ પોલીસવાળા પણ ખોટા છે તેવુ માની લેવુ જોઈએ નહીં, સુરતના પોલીસ અધિકારીઓ સરકારના ઈશારે તને પરેશાન કરે છે તેવુ તુ માને છે અને તારો આરોપ છે. તારી માન્યતા સાવ ખોટી છે તેવુ પણ નથી, જેમ પોલીસ અધિકારી મોટો તેમ તેની મર્યાદાઓ વધી જતી હોય છે. પોલીસ કયારે કોઈ પક્ષની હોતી નથી. જે સરકારમાં બેઠો છે , પોલીસ અને તંત્ર તેમના ઈશારે જ કામ કરે તેમાં કોઈ વિવાદ નથી. કોંગ્રેસની સરકાર હતી ત્યારે આ જ પોલીસ અધિકારીઓ તેમના કોંગ્રેસીઓના દરબારમાં જતા હતા, બહુ ઓછા પોલીસ અધિકારીઓ પોતાના ખાખીનું માન જાળવી શકતા હોય છે.

તારી સાથે આ કરતા પણ ખરાબ થશે, પણ દુખી થઈશ નહીં અને માનસીક સંમતુલન ખોઈશ નહીં  તંત્રની ઈચ્છા છે કે તુ ભુલ કર, અને જે તારે કરવુ જોઈએ નહીં તેવુ જ તેઓ તારી પાસે કરાવી રહ્યા છે. પોલીસને તે ગાળો આપી, અને તે પોલીસને ગાળો આપી, તો તારા તને ગાળો આપનાર પોલીસ વચ્ચે ફર્ક શુ રહ્યો ? આ ગાંધી યુગ પણ નથી, હું તને તેવુ પણ કહેતો નથી કે તારી સાથે દુરવ્યવહાર કરનારને તે ગુલાબનું ફુલ આપ, છતાં તે જે  કઈ પોલીસ સ્ટેશનમાં કર્યુ તે તારી પાસે અપેક્ષીત ન્હોતુ અને શોભા આપનારૂ ન્હોતુ. તુ યુવાન છે તારી અંદર લડાઈ લડવાની તાકાત અને જુસ્સો છે તેને જાળવી રાખ, પોલીસ અને તંત્ર સાથે આ પ્રકાર લડવા જઈશ તો વેડફાઈ જઈશ.

બસ લાંબુ કઈ કહેતો નથી, થોડોક વિચાર કરી શકાય તે માટે જ મેં તને પત્ર લખ્યો છે, ઉમંરમાં નાનો હોવાને કારણે તુકારે વાત કરી છે તેનું માઠુ લાગશે નહીં તેવી અપેક્ષા સાથે વિરમું છું.

લી. પ્રશાંત દયાળ