ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): સાઉદી અરેબિયાની આગેવાણીવાળા ઓપેક સંગઠને શુક્રવારે કુલડીમાં ગોળ ભાંગી ઢાકોઢુંબો કરવાની જાહેરાત કરી. ઉત્પાદન કાપ મુદત લંબાવામાં આવી. સાથે જ ઉત્પાદન પરના અંકુશો પણ હળવા કરાયા. એકી સાથે સંભવિત દૈનિક ૨૦ લાખ બેરલ ઉત્પાદન વૃધ્ધિને બદલે સંગઠને જાન્યુઆરીથી માસિક ધોરણે તબક્કાવાર દૈનિક માત્ર પાંચ લાખ બેરલ ઉત્પાદન વધારો કરવાની જાહેરાત કરી. વધુમાં ઓપેકે આગામી વર્ષના આરંભે બજારની તંદુરસ્તીનું માપ કાઢીને નવો નિર્ણય લેવા વધુ એક મિટિંગ યોજવાનું નક્કી કર્યું.

ગોલ્ડમેન સાસએ એક નોંધમાં કહ્યું કે કોવિદ-૧૯ વેક્સિન બજારમાં આવી જવા સાથે ક્રૂડ ઓઇલની માંગ વૃધ્ધિની શક્યતા જોતાં, ઓપેક પ્લસ સભ્યોએ બજારને સમતોલ બનાવવા આગામી મહીનેથી ધીમી ઉત્પાદન વૃધ્ધિનો નિર્ણય લીધો છે. જાન્યુઆરીથી જો જાગતિક ક્રૂડ ઓઇલ માંગ માસિક વધતાં દરે પાંચ લાખ બેરલ વધશે, તો પણ ભાવ વૃધ્ધિની વર્તમાન ગતિ બજાર જાળવે તેવી શક્યતા નથી. ગોલ્ડમેને વાર્ષિક સરેરાશ બ્રેન્ટ ભાવ અગાઉ ૬૫ ડોલર અંદાજયા હતા, તેમાં કોઈ ફેરફાર નથી કર્યો.

કોરોના વાયરસ રસીની પ્રોત્સાહક આગાહીઓને કારણે માંગમાં અચૂક વધારો થવાની શક્યતા ભાળી ગયેલા ટ્રેડરોએ છેલ્લા એક પખવાડિયામાં લેણ વધારી ક્રૂડ ભાવ ૧૧ ટકા વધાર્યા હતા. શુક્રવારે બ્રેન્ટ વધી ૪૯.૦૫ ડોલર પ્રતિ બેરલ અને ડબલ્યુટીઆઈ ૪૬.૦૯ ડોલર મુકાયુ હતું. બંને બેન્ચમાર્ક વાયદા સાત પાંચ સપ્તાહથી વધી રહ્યા છે.    
    
ઓપેક પ્લસ દેશોએ દૈનિક ૨૦ લાખ બેરલ ઉત્પાદન વૃધ્ધિની યોજના પડતી મૂકી, તે પહેલા એવું મનાતું હતું કે વર્તમાન ઉત્પાદન કાપ ઓછામાં ઓછું માર્ચ સુધી જળવાઈ રહેશે. આમ ઉત્પાદન વૃધ્ધિનો મતલબ એવો થાય કે જાન્યુઆરીથી જાગતિક માંગના ૭ ટકા અથવા દૈનિક ૭૨ લાખ બેરલ ઉત્પાદન ઓછું કરશે, જે અત્યારે ઉત્પાદન ૭૭ લાખ બેરલ ઓછું કરે છે. દરમિયાન કેટલાંક એનાલિસ્ટો એવું માની રહ્યા છે કે વધારેલા નવા સપ્લાય ક્વોટા છતાં, બજારમાં પૂરતો માલ ઉપલબ્ધ નહીં થાય. જ્યારે અન્યો એવું માને છે કે ઉત્પાદન વધારો બજારમાં નજીવી ઓવર સપ્લાય સર્જાશે.

દૂર ડિલિવરી વાયદા સામે નજીકની ડિલિવરીના વાયદામાં સર્જાયેલું પ્રીમિયમ (જેને આપણે ઉંધા બદલા કહી છીએ) ફેબ્રુઆરી પછીનું સૌથી વધુ છે. ઉંધા બદલાનો અર્થ એવો પણ થાય કે બજારમાં ફરતા માલની અછત છે અને તેથી દૂર ડિલિવરી વાયદા સામે હાજર ખરીદીનું પ્રીમિયમ આપવું પડે. અથવા બજારમાં માલ ભરાવો થયો છે. આ તરફ ભાવ વધારાને કારણે તેલ કૂવાઓ ઉત્પાદનમાં પાછા ફરતા અમેરિકન ઉત્પાદન વધવા લાગ્યું છે. મે મહિનામાં અમેરિકન ઉત્પાદન અઢી વર્ષના તળિયે ગયું હતું.

જાગતિક બજારમાં પખવાડિયામાં ૧૧ ટકા વધેલા ભાવની અસર ભારતીય પેટ્રોલિયમ બજારમાં જોવા મળી છે. છેલ્લા એક પખવાડિયામાં અહી પેટ્રોલ/ડીજલમાં ૧૩ વખત ભાવ વધારો કરવામાં આવ્યો હતો. ઓપેકે જે નિર્ણય લીધો છે તે આમતો ભાવ વધારાને પ્રોત્સાહન આપવાનો છે. આ નિર્ણય ભારતમાં પણ વધતાં દરે ભાવ વધારાને પ્રોત્સાહિત કરશે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ અનાપસનાપ કરવેરા વધાર્યા સાથોસાથ વૈશ્વિક બજારમાં ભાવ વધ્યા પરિણામે ભારતમાં પેટ્રોલ/ડીજલના ભાવ નવી વિક્રમ ઊંચાઈએ પહોંચી ગયા. શનિવારે દિલ્હીમાં પેટ્રોલ રૂ. ૮૩ અને ડીજલ રૂ. ૭૩.૩૨ પ્રતિ લિટરના ભાવે વેચતું હતું.

(અસ્વીકાર સૂચના: commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે)