ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): ઓપેક પ્લસ દેશોએ રવિવારે, ઓગસ્ટથી ડિસેમ્બર સુધી દૈનિક ૪ લાખ બેરલ ઉત્પાદન વધારવાનો નિર્ણય લીધો. તેનું આખરી પરિણામ એ આવશે કે બજારમાં હવે કોઈ એમ નહીં કહે કે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ ૧૦૦ ડોલર થશે. ઓગસ્ટથી ડિસેમ્બર સુધીમાં વૈશ્વિક સપ્લાયમાં વધારાનું ૨૦ લાખ બેરલ ક્રૂડ ઓઇલ ઉમેરાશે. 

વધુમાં યુએઇ જે એવો આગ્રહ રાખે છે કે ઉત્પાદન ક્વોટાની બેજલાઇન નિર્ધારિત થઈ જવી જોઈએ, તેણે લીધે ઊભા થયેલા વિવાદોનો ઉકેલ લાવવા રશિયા અને ઓપેક દેશો મે ૨૦૨૨થી ઉત્પાદનનો નવો ક્વોટા ફાળવવાને સહમત થયા છે. યુએઇ ઈચ્છે છે કે મેથી દૈનિક ૩.૩૨ લાખ બેરલ બેજીક ઉત્પાદન ક્વોટા વધારવો જોઈએ, જ્યારે કે સાઉદી અરેબિયા અને રશિયા દૈનિક પાંચ લાખ બેરલ વધારાનો લાભ લઈ રહ્યા છે. ઈરાક અને કૂવેતએ પણ ઉત્પાદન વધારીને ૧.૫ લાખ બેરલ કરી નાખ્યું છે.     

ઓપેક પ્લસ દેશો સપ્ટેમ્બર ૨૦૨૨થી ઉત્પાદનના તમામ નિયંત્રણો મુક્ત કરી દેવાની યોજના ધારવે છે, પણ તેનો આધાર એ સમયે ક્રૂડ ઓઇલની બજારનો આંતપ્રવાહ કેવો છે, તે જોઈને નિર્ણય લેવાશે. એક સમસ્યાનો નિવેડો લાવવામાં આવ્યો છે, અને જાગતિક બજારમાં સપ્લાય પ્રવાહ વધશે, ત્યારે બજાર માટે પ્રશ્ન થવો વાજબી છે, પણ તેના જવાબો જુદાજુદા હોઇ શકે છે. આનો જવાબ શું એવો હોઇ શકે કે બજારમાં આવશ્યકતા કરતાં વધુ પુરવઠા પ્રવાહ હશે, જે ભાવની નીચે જવાની દોરવણી આપશે.

Advertisement


 

 

 

 

 

તેજીવાળા એવું માને છે કે ઘણા બધા દેશો, નાગરિકોને કોવિદ રસી મૂકવાનો લક્ષ્યાંક પૂરો કરવાની નજીક છે તેથી જગતના અર્થતંત્રો કોરોના મહામારીમાંથી બહાર નીકળી રહ્યા છે. જ્યારે મંદિવાળા એવું માને છે કે આ પ્રક્રિયા જરૂર આગળ વધી રહી છે ઉત્તર અમેરિકા અને યુરોપ મહામારીમાંથી બહાર આવી રહ્યા છે. પણ નવા નવા વેરિયન્ટ, રશિયા, વિકસિત દેશો, દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને દક્ષિણ આફ્રિકામાં જડપથી ફેલાઈ રહ્યા છે તે પણ એટલુંજ જાણીતું છે.    

અલબત્ત, અત્યારે ખાસ કરીને વધુ માંગવાળા એશિયન દેશોમાં ક્રૂડ ઓઇલ માંગના જે કઈ સંકેત મળી રહ્યા છે તે તો મંદિવાળાની દલીલની તરફેણ કરે છે. એશિયામાં તો મધ્યપૂર્વના દેશો ગ્લોબલ બેન્ચમાર્ક વાયદા કરતાં ફિજિકલ કાર્ગો સોદામાં ડીકાઉન્ટ ઓફર કરી રહ્યા છે. બ્રેન્ટ વાયદા સામે દુબઈમાં ગત શુક્રવારે સ્વેપ સોદામાં ૩.૭૯ ડોલર જેવુ ડિસ્કાઉન્ટ ઓફર થયું હતું. ૭ જુલાઇએ આવા સ્વેપ સોદાના ડિસ્કાઉન્ટ ૪.૩૮ ડોલરે પહોંચ્યા હતા, જે એપ્રિલ ૨૦૧૮ પછીના સૌથી વધુ હતા. 

હવે ઓપેક પ્લસ દેશના નવા કરારો અમલી બન્યા છે, ત્યારે પેપર માર્કેટ (વાયદા અને ઓપ્શન)માં સોદા કરતાં રોકાણકારોને હવે વાસ્તવિકતાનો સામનો કરવાનો આવ્યો છે. આખાવિશ્વમાં ક્રૂડ ઓઇલની ફિજિકલ માંગ નબળી પડી રહી છે. શક્ય છે કે તે કોરોના મહામારી પહેલાના વખત કરતાં પણ ઓછી રહે. મંગળવારે આરંભિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલ વાયદો 16 જુલાઇના બંધ ભાવથી પાંચ ટકા કરતાં વધુ ઘટીને ૬૮.૫૩ ડોલર અને ડબલ્યુટીઆઈ ૬૬.૩૩ ડોલર મુકાયા હતા.

Advertisement


 

 

 

 

 

ઉત્પાદન વધારવાનો ઓપેક પ્લસ દેશોનો નિર્ણય, જરૂરી નથી કે તે ઓઇલ માંગની તેજીનો કેસ બને છે. અલબત્ત, બજારમાં જ્યારે આ સપ્લાય આવશે, ત્યારે બજાર માટે નવા પ્રશ્નો ઉદ્ભવશે. કેટલીક ઇન્વેસ્ટમેન્ટ બેન્કો અને ખેલાડીઓએ આગામી મહિનાઓમાં ૧૦૦ ડોલર ભાવની આગાહીઓ કરી હતી, તે હવે શક્ય બને એવું અત્યારે તો કોઈ રીતે જણાતું નથી.  

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)