મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: ડિજીટલ પેમેન્ટનું પ્રમાણ વધવાની સાથે સાથે ઓનલાઇન ઠગાઇના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. ઓનલાઇન ફ્રોડ કરનારા માત્ર 10 રૂપિયા જેવી નાની રકમ ભરવાની લાલચ આપી હજારોથી લઇને લાખો રૂપિયાની ઠગાઇ કરી જાય છે. આવો જ એક કિસ્સો અમદાવાદની યુવતી સાથે બન્યો છે. જેણે એક ઈજાગ્રસ્ત વાંદરાની સારવાર માટે ગુગલમાંથી હેલ્પલાઇનનો નંબર સર્ચ કરી તેના પર કોલ કર્યો અને સામેથી દસ રૂપિયા ફી ઓનલાઇન ભરવા કહ્યું અને આ સાથે જ યુવતીના એકાઉન્ટમાંથી 37 હજાર રૂપિયાની ઠગાઇ થઇ ગઇ.

અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલ ભાગ્યોદય સોસાયટીમાં રહેતા ભાવિકાબેન ગનવાણીએ પોતાના ઘરની બાજુમાં એક ઘાયલ વાંદરાને જોયો હતો. તેથી માનવતાના ધોરણે તેમણે આ વાંદરાની સારવાર કરાવવા માટે ગુગલમાં એનિમલ કેરનો નંબર સર્ચ કર્યો હતો અને તેના પર કોલ કર્યો હતો. કોલ ઉઠાવનાર વ્યક્તિએ ભાવિકાબેનને કહ્યું કે તમને બીજા એક નંબર પરથી કોલ આવશે તેના પર વાત કરી લો. થોડીવારમાં એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને તેણે તેમનું સરનામુ માંગી અને વાંદરાની સારવાર માટે ફી ભરવા માટે એક લિંક મોકલી હતી. આ લિંક ઓપન કરી ઓનલાઇન દસ રૂપિયા જમા કરાવવા કહ્યું હતું.

એક પ્રાણીની મદદ માટે દસ રૂપિયા ફી નજીવી કહેવાય તેમ માની ભોળા ભાવે ભાવિકાબેને લીંકમાં આવતા ઇન્ટ્રક્શન ફોલો કર્યા હતા. જેથી ભાવિકાબેનના SBIના ખાતામાંથી રૂ.37,280 તથા HDFC બેંકના એકાઉન્ટમાંથી રૂ.600 મળી કુલ રૂ.37,880 ઉપડી ગયા હતા. આ મામલે ભાવિકેબેને સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.