અમદાવાદ: કચ્છની અબડાસા બેઠકના ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં હત્યા કર્યાને આજે 8 જાન્યુઆરી 2020ના રોજ એક વર્ષ પૂર્ણ થયું છે.  અત્રે ઉલ્લેખનીય છે કે 8 જાન્યુઆરી 2019 ના રોજ કચ્છથી સયાજીનગરી ટ્રેનમાં H-1 કોચમાં મુસાફરી કરી રહેલા જયંતી ભાનુશાળીની માળિયા નજીક ચાલુ ટ્રેનમાં માથા અને છાતીમાં ગોળીમારી હત્યા કરવામાં આવી હતી. જ્યાર બાદ હત્યારા ચેન પુલીંગ કરીને ટ્રેનમાંથી ઉતરીને પૂર્વ યોજના અનુસાર ફરાર થઇ ગયા હતા.

ભાનુશાળીની હત્યા બાદ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી. આ મામલે મુખ્ય આરોપી ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ, મનીષા ગોસ્વામી, શાર્પશૂટર સુરજીત ભાઉ સહિતના સાગરિતોની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસની તપાસ જારી છે. જયંતી ભાનુશાળીની હત્યા છબીલ પટેલ સાથે રાજકીય અદાવત તથા મનીષા ગોસ્વામી સાથેના સંબંધો અને તેની ભાનુશાળી સાથેની અંગત પળોની સીડી બહાર આવવા અને ત્યાર બાદ તેમની વચ્ચે થયલા વિવાદને કારણે કરવામાં આવી હતી તેમ હાલ સુધીની પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

જયંતી ભાનુશાળીની હત્યાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે પરંતુ હજુ સુધી હત્યાના સમયે ભાનુશાળી પાસેથી હત્યારાઓ દ્વારા લઇ લેવામાં આવેલો મોબાઇલનો કોઇ પત્તો લાગ્યો નથી. જેને પોલીસ હજુ પણ શોધી રહી છે અને ગત નવેમ્બર મહિનામાં આરોપીઓના રિમાન્ડ મેળવી મોબાઇલ ક્યા છે? સહિતા જુદાજુદા 22 સવાલોના જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. 

નોંધનીય છે કે 1980ના દાયકામાં રાજકારણમાં પ્રવેશનારા જયંતી ભાનુશાળી રિયલ ઍસ્ટેટ અને ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા હતા.તાલુકા અને જિલ્લા પંચાયતથી રાજકીય કારકિર્દીની શરૂઆત કરનારા ભાનુશાળીનો જન્મ કચ્છના હાજાપર ગામમાં થયો હતો. પરિવારમાં તેમને એક પુત્ર અને એક પુત્રી છે.