મેરાન્યૂઝ નેટવર્ક.જુનાગઢઃ જુનાગઢ ગીર પુર્વની દલખાણીયા રેન્જમાં વધુ એક સિંહબાળનું મોત થયાનું સામે આવ્યું છે. ગત તારીખ 17મે ના રોજ 7 મહિનાનું આ સિંહબાળ કરમદડી રાઉન્ડની હીરાવા બીટમાંથી મળ્યું હતું. અને તેને લકવા જેવી બિમારી હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે નિષ્ણાત વેટરનરી દ્વારા સિંહબાળની નર્વસ સિસ્ટમની સારવાર કરવામાં આવી રહી હતી. જો કે આ સારવાર કારગત ન નિવડતા આજરોજ આ સિંહબાળનું મોત નિપજ્યું છે. જેને પગલે તેના મૃતદેહને પેનલ પીએમ માટે ખસેડવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ 23 સિંહોના મોત બાદ આ  માટે બિમારી કારણભૂત હોવાનું સામે આવ્યું હતું. અને બાદમાં અમેરિકાથી ખાસ રસી મંગાવી સિંહોને અપાઈ હતી. ત્યારે વધુ એક સિંહબાળનું વિચિત્ર બિમારીથી જ મોત થતા વનવિભાગના અધિકારીઓ દોડતા થયા છે. જ્યારે સિંહપ્રેમીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ સિંહબાળના પેનલ પીએમ બાદ વધુ જાણકારી મળવાની શક્યતા વનવિભાગના અધિકારીઓ દર્શાવી રહ્યા છે.