મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ જુલાઈ-૨૦૧૮ માં પી.જી.વી.સી.એલ, ડી.જી.વી.સી.એલ, અને એમ.જી. વી.સી.એલ રાજ્યમાં વીજ પુરવઠો પૂરો પડતી વીજ કંપનીઓએ ૧૫૦ જુનિયર એન્જીનીયર અને ૭૦૦ થી વધુ વિદ્યુત સહાયકો માટે ભરતી બહાર પાડી હતી. મોટી સંખ્યામાં ગુજરાત સહીત અરવલ્લી જિલ્લામાંથી ઉમેદવારોએ ફોર્મ ભરી નોકરી મેળવવા તૈયારીઓ હાથધરી હતી. જાહેરાત આપ્યાના દોઢ વર્ષ જેટલા સમય પછી અગમ્ય કારણોસર ભરતી પ્રક્રિયા રદ કરી દેવામાં આવતા ઉમેદવારોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. અરવલ્લી જીલ્લામાં વીજ કંપનીની ભરતી પરીક્ષા રદ કરવામાં આવતા ઉમેદવારોમાં ભારે  રોષ ફાટી નીકળ્યો છે.

રાજ્યમાં ગૌણ સેવાની ભરતી પરીક્ષાનાં હોબાળો હજી સમ્યો નથી ત્યારે વધુ એક ભરતી પરીક્ષા રદ કરવામાં આવી છે. સરકારની વીજ કંપનીએ વિદ્યુત સહાયક અને જુનિયર એન્જિનિરોની ભરતી પરીક્ષા રદ કરી છે. આ ભરતી પરીક્ષા ૧૫૦ એન્જિનિયરો અને ૭૦૦ થી વધુ વિદ્યુત સહાયક (કલાર્ક) માટેની હતી. આ પરીક્ષા રદ કરવા માટેનું કારણ આપ્યાં વગર જ માત્ર એક મેસેજ આપીને ભરતી રદ કરવામાં આવી છે. જેના કારણે હાલ ઉમેદવારોમાં રોષ વ્યાપ્યો છે. આ અંગેનું નવું નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. વીજ કંપનીના ભરતી માટે દરેક ઉમેદવારો પાસેથી 500 રૂપિયા લીધા હતા. ભરતી રદનાં મેસેજમાં તેવું પણ જણાવવામાં આવ્યું છે કે, પરીક્ષા ફોર્મ સમયે ભરવામાં આવેલી ફી રીફન્ડ મળશે. આ અંગેની વધુ માહિતી માટે તમારે www.dgvcl.com વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે. થોડા જ સમયમાં આ અંગેની બીજી જાહેરાત પણ બહાર પાડવામાં આવશે.