મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ દેવભૂમિ દ્વારકા જીલ્લા કોંગ્રેસમાં મોટા ભંગાણની અટકળો વેગવાન બની છે. આજે જીલ્લા પંચાયતના કાર્યકારી પ્રમુખ અને એક સદસ્ય સહીતના અનેક કોંગ્રેસી કાર્યકરો કોંગ્રેસને રામરામ કરી ભાજપમાં જોડાશે. લોકસભા પૂર્વે ભાજપાએ વધુ એક દાવ મારી બેઠક જાળવી રાખવા કમર કસી છે. સામે પક્ષે હજુ કોંગ્રેસ ઉમેદવાર જ ઉતારી શકી નથી ત્યારે આગામી જંગ એક તરફ બની રહે તો નવી નહીં

ગત વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપાએ કોંગ્રેસના બે ધારાસભ્યો રાઘવજી પટેલ અને હકુભા જાડેજા (ધર્મેન્દ્રસિંહ)ને પક્ષ પલટો કરાવી વિધાનસભા કબજે કરવા તોડ ફોડ કરી હતી. જો કે આ સમીકરણ ફિફ્ટી-ફિફ્ટી રહ્યું હતું. કેમ કે ભાજપાએ રાઘવજી પટેલને ગ્રામ્ય બેઠક પર ટિકિટ તો આપી પણ તેઓ હારી ગયા હતા. આવો જ કાંઈક માહોલ લોકસભા ચૂંટણી પૂર્વે રચાયો છે. જેમાં રાઘવજી પટેલને જે કોંગ્રેસી ધારાસભ્યએ પછડાટ આપી હતી તે વલ્લભ ધારવિયાને ભાજપાએ પોતાના પક્ષે વાળી લીધા અને સતવારા વોટ બેંક કબજે કર્યાનું મન મનાવ્યું છે.

બીજી તરફ હકુભાને રાજ્યમંત્રી બનાવી ક્ષત્રીય મત અંકે કરી લેવા રાજકીય દાવ ખેલ્યો છે. રાજકીય કાવાદાવા વચ્ચે મંત્રી હકુભા સક્રિય થયા છે અને દેવભૂમિ દ્વારકા જીલ્લા પંચાયત કબજે કરવા ભાંગતોડ કરી છે તેવી માહિતી છે. દ્વારકા જીલ્લા પંચાયતના કાર્યકારી અને જીલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપસિંહ જાડેજા અને એક મહિલા સદસ્યને માનવી લીધા છે. આ બંન્ને કોંગ્રેસી નેતાઓ આજે વિધિવત ભાજપમાં પ્રવેશ કરશે એમ આધારભૂત ભાજપના સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

આજે ભાજપાના લોકસભાના ઉમેદવાર પૂનમ માડમ અને વિધાનસભા પેટા ચૂંટણીમાં રાઘવજી પટેલ ફોર્મ ભરશે. એવી પણ શક્યતા સેવાઈ રહી છે કે આજે વિજય વિશ્વાસ સમેલનમાં આ બંને કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાશે. બીજી તરફ કોંગ્રેસ તરફથી હજુ બંને બેઠક માટેના ઉમેદવારો નક્કી જ નથી થયા ત્યારે ચૂંટણી પૂર્વે જોવું એ રહ્યું કે કોંગ્રેસમાં હજુ કેટલું ધોવાણ થાય છે?