મેરાન્યુઝ નેટવર્ક.અમદાવાદ:હાલમાં દેશમાં આઇપીએલ ચાલી રહી છે તો તેના પર સટ્ટો રમતા લોકો પણ ઝડપાઇ રહ્યા છે. અમદાવાદમાં તો એક બુકી પોતાની ગર્લફ્રેન્ડને હોટલમાં સાથે રાખીને સટ્ટો રમતો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જો કે પોલીસે યુવતી વિરૂદ્ધ કોઇ ગુનો બનતો ન હોવાથી તેને જવા દીધી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસને બાતમી મળી હતી કે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલ મીત પેલેસ હોટલના એક રૂમમાં આઇપીએસ પર સટ્ટો રમાઇ રહ્યો છે. જેના આધારે  પોલીસે દરોડો પાડતા હોટલના રૂમમાંથી બિટ્ટુ જયંતિભાઇ  પટેલ (રહે, દેગામ, સુરેન્દ્રનગર) અને એક યુવતી મળી આવ્યા હતાં. પોલીસે બંનેની પાસે રહેલા મોબાઇલ ચેક કર્યા હતાં. જેમાં બિટ્ટુ જયંતિભાઇ  પટેલના મોબાઇલમાંથી આઇપીએસ ઉપર સટ્ટો રમવાની એપ્લીકેશન મળી આવી હતી. સાથેજ અંકિત, અશ્વિન અને અક્ષય નામના ત્રણ બુકીઓના એકાઉન્ટ પણ મળ્યા હતાં. 


 

 

 

 

 

જો કે બિટ્ટુની સાથે રહેલી તેની ગર્લફ્રેન્ડનો મોબાઇલ તપાસતા તેમાંથી કંઇ પણ વાંધાજનક મળી આવ્યું ન હતું. જેથી યુવતીને પોલીસે જવા દીધી હતી. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બિટ્ટુ આઇપીએલ પર સટ્ટો રમાડતો હતો અને આગળ અંકિત, અશ્વિન અને અક્ષય પાસે ભાવ કપાવતો હતો. પોલીસે આ ત્રણેય સામે પણ તપાસ શરૂ કરી છે. 

આ સિવાય અમદાવાદના મેમનગરમાં પણ આઇપીએલ પર સટ્ટો રમતા બે લોકોને પોલીસે ઝડપી લીધા છે. મેમનગર ગામમાં આવેલી ચામુંડા ડેરી પાસે મોબાઇલમાં એપ્લીકેશનથી આઇપીએલની રાજસ્થાન અને હૈદરાબાદની ટીમ પર સટ્ટો રમતા દિપેન પારેખ (રહે. પ્રજાપતિ વાસ, મેમનગર) અને યોગેશ પ્રજાપતિ (રહે. કર્ણાવીનગર સોસાયટી, ઘાટલોડિયા)ને પોલીસે ઝડપી લીધા હતાં. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.