પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ અમદાવાદ આવે તે તમામ ગુજરાતીઓ માટે ગૌરવનો વિષય ચોક્કસ છે પરંતુ તેમની સલામતીના નામે ગાંધી આશ્રમ અને મોટેરા સ્ટેડિયમની આસપાસ રહેનારા લોકોને હાઉસ એરેસ્ટ કરવામાં આવે ત્યારે બહુ જ વિચિત્રતાનો અનુભવ થાય છે. ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અમેરિકા સહીત વિશ્વના જે પણ દેશોમાં ગયા ત્યાં તેમની સલામતીને લઈને સ્થાનીક નાગરિકોને હેરાન કરવામાં આવ્યા ન હતા.

પશ્ચિમના દેશનું આંધળું અનુકરણ અને મોહ માત્ર સામાન્ય નાગરિકોને જ હોય છે તેવું નથી તંત્ર પણ પશ્ચિમના મોહથી બાકાત રહી શક્યું નથી. ટ્રમ્પ અમદાવાદ આવે ત્યારે રોડ-રસ્તાનું સમારકામ થાય તેની સામે કોઈને વાંધો નથી. ખરેખર તો તંત્ર મહાનુભાવો આવે ત્યારે જ કામ કરતું થાય છે પણ કહેવાતા વિકાસને બતાવવા માટે ગરીબોના ઘરની આગળ દીવાલ ચણી દેવામાં આવે અને આ વિસ્તારમાં રહેતા નાગરિકોને પોતાની જ સોસાયટી બહાર નીકળવાની મંજુરી આપવામાં ન આવે ત્યારે લાગે છે કે સલામતીના નામે અતિશ્યોક્તી થઈ રહી છે.

ટ્રમ્પ મોટેરા અને ગાંધી આશ્રમની મુલાકાત લે તે દરમિયાન, તેમજ તેમના રોડ શોના માર્ગમાં આવતા વેપારી સંકુલો અને દૂકાનોને આદેશ આપવામાં આવ્યો છે કે, 22 તારીખથી તેમની દુકાનો બંધ કરી દેવી જ્યારે આ વિસ્તારમાં આવતી સોસાયાટી તેમજ એપાર્ટમેન્ટને આદેશ આપવામાં આવ્યો છે કે, ટ્રમ્પ જ્યારે તેમના વિસ્તારમાંથી પસાર થતા હોય ત્યારે તેઓ જો ટ્રમ્પનું સ્વાગત જોવા માગતા હોય તો તેમણે આધારકાર્ડ અને ટેલીફોન નંબર સાથે પોલીસ કમિશનરમાં અરજી કરવાની રહેશે અને પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલું આઈ-કાર્ડ તેમને ગળામાં લટકાવવાનું રહેશે. આ આઈ-કાર્ડ વગરની વ્યક્તીને સોસાયટીની બહાર નીકળવા દેવામાં આવશે નહીં. આમ જે નાગરિકો પાસે આઈ-કાર્ડ નહીં હોય તેમણે પોતાના ઘરમાં જ ભરાઈ રહેવું પડશે.

આ વિસ્તારમાં આવેલી સોસાયટી અને એપાર્ટમેન્ટના ચેરમેનને આદેશ આપવામાં આવ્યો છે કે, તેમણે પોતાની સોસાયટીના સભ્યોના પુરાવા સાથે 18મીએ કમિશનર ઓફીસનો સંપર્ક કરવાનો રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે 24મીએ સોમવાર છે, ચાલુ દિવસ છે. જેથી નોકરી કે ધંધા પર જતાં લોકોને રજા જેવું જ રહેશે. 22મીથી જ દૂકાનો બંધ રહેવાના હોવાને કારણે રોજીંદી જીવનજરૂરિયાતની વસ્તુઓ પહેલાથી જ ખરીદીને રાખવાનું કહ્યું છે.