મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ કોરોના વાયરસના નવા પ્રકાર ‘ઓમિક્રોન’નો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. ઓમિક્રોન વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, ઓમિક્રોન  સંક્રમિત દર્દી અનેક લોકોને સંક્રમિત કરતો હોવાથી સમગ્ર વિશ્વમાં ફફડાટ ફેલાયો છે. ગુજરાતમાં પણ ઓમિક્રોન’ સંક્રમિત દર્દીઓ ધીરે ધીરે વધી રહ્યા છે. રાજ્યમાં કોરોનની ત્રીજી લહેરની દહેશત વચ્ચે કોરોનાએ ફરીથી માથું ઉંચક્યું છે ત્યારે અરવલ્લી જીલ્લાના ભિલોડામાં નામાંકિત ખાનગી હોસ્પિટલના તબીબ કોરોનામાં સપડાતા આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી છે. કોરોના સંક્રમિત તબીબ હાલ હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે અને તબીબનો રિપોર્ટ પોઝિટીવ આવતા તબીબ ઓમિક્રોન સંક્રમણનો શિકાર બન્યા છે કે નહીં તે જાણવા તેમના સેમ્પલ તપાસમાં મોકલવા આરોગ્ય તંત્રએ તજવીજ હાથધરી છે.

Advertisement


 

 

 

 

 

કોરોના વાયરસનો ઓમિક્રોન વેરિઅન્ટ સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે અત્યાર સુધીમાં દેશના ૫ રાજ્યો રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત અને કર્ણાટકમાં આ નવા વેરિઅન્ટના 21 થી વધુ કેસની પુષ્ટિ થઈ છે. ત્યારે ભિલોડાની ખાનગી હોસ્પિટલના તબીબ કોરોનામાં સપડાતા સમગ્ર પંથકના ભારે ફફડાટ ફેલાયો છે. આરોગ્ય તંત્રએ પણ તબીબ કોરોના પોઝિટિવ હોવાનું જણાવ્યું હતું ત્યારે કોરોના સંક્રમિત તબીબના સંપર્કમાં આવેલા લોકો અને તેમની પાસે સારવાર કરાવેલ દર્દીઓ ચિંતિત બન્યા છે. આરોગ્ય તંત્રએ તબીબનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવતા હોમકોરન્ટાઇન કરી સમગ્ર વિસ્તારને કન્ટેન્ટમેન્ટ એરિયા જાહેર કરી સર્વેલન્સની કામગીરી હાથધરી છે.

ભિલોડાના તબીબ કોરોનામાં સપડાતા આ અંગે જીલ્લા એપેડેમિક અધિકારી ર્ડો.પ્રવીણ ડામોરનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમને તબીબનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો અને દસ દિવસ અગાઉ ભુજ ગયા હોવાની ટ્રાવેલ હિસ્ટ્રી છે. તબીબનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવતા તેમના સેમ્પલ ગાંધીનગર વધુ તપાસ અર્થે મોકલી આપવા તજવીજ હાથધરી હોવાનું જણાવ્યું હતું.